કોલ્હાપુરના જ્યોતિબા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર પૂજારીઓનો હિચકારો હુમલો: માથામાં શ્રીફળ માર્યાનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક જ્યોતિબા મંદિરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ભક્તિ અને આસ્થાના આ કેન્દ્રમાં પૂજારીઓએ રક્ષકને બદલે ભક્ષક બનીને શ્રદ્ધાળુઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ ભયાનક મારામારીનો વીડિયો વાયરલ થતા જ સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઘટનાની વિગત મુજબ, મંદિર પરિસરમાં કોઈ અગમ્ય કારણોસર 15 થી 20 પૂજારીઓના ટોળાએ બે શ્રદ્ધાળુઓને ઘેરી લીધા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભગવા અને ગુલાબી વસ્ત્રો ધારણ કરેલા પૂજારીઓ આ શ્રદ્ધાળુઓ પર નિર્દયતાથી તૂટી પડ્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે શ્રદ્ધાળુઓ જમીન પર પટકાયા હોવા છતાં પૂજારીઓએ તેમને લાત અને મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું.

હદ તો ત્યારે થઈ જ્યારે એક પૂજારીએ હાથમાં રહેલું શ્રીફળ સીધું શ્રદ્ધાળુના માથામાં ઝીંકી દીધું હતું.લગભગ અડધી મિનિટ સુધી ચાલેલા આ અત્યાચારના વીડિયોએ લોકોના હૃદય હચમચાવી દીધા છે. પવિત્ર સ્થળ પર થયેલી આ હિંસાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવી છે.

પોલીસે વાયરલ ફૂટેજના આધારે હુમલાખોર પૂજારીઓ અને ભોગ બનનાર શ્રદ્ધાળુઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે, પરંતુ મંદિર જેવા શાંત સ્થળે થયેલી આ હિંસાએ ભક્તોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

Previous Article

24 માર્ચ આજનું રાશિફળ: મંગળદેવની કૃપાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, અટકેલા કાર્યોમાં મળશે સફળતા અને પ્રોપર્ટીના સોદામાં થશે મોટો લાભ

Next Article

25 માર્ચ આજનું રાશિફળ: ગણેશજીના આશીર્વાદથી આ જાતકોને બિઝનેસમાં મળશે બંપર નફો, આર્થિક તંગી દૂર થશે અને સંતાન પક્ષ તરફથી મળશે સારા સમાચાર

error: Unable To Copy Protected Content!
Exit mobile version