કર્ણાટકના હાસન જિલ્લામાં હાર્ટ એટેકની ઘટનાઓએ આખા દેશને હાહાકાર મચાવી નાખ્યો છે. છેલ્લા 40 દિવસમાં હાર્ટ એટેકથી અહીં 21 લોકોના મોત નિપજ્યાં છે. કાર્ડિયાક અરેસ્ટની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે, તેમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે.આંકડાઑ પર નજર કરીએ તો જેટલા લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે, તેમાં 62 ટકા લોકોની ઉંમર 45 વર્ષથી નીચે છે. તો 19થી 25 વર્ષની વચ્ચે 5 લોકોનો સમાવેશ થાય છે. ગત સોમવારની જો વાત કરીએ તો ખાલી એક જ દિવસમાં 3 લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે. મોતનો આંકડો ધીમે ધીમે સતત વધતો જાય છે.
કર્ણાટક સરકારના મુખ્ય સચિવ હર્ષ ગુપ્તાએ જણાવ્યું કે, હાસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસનું કહેવું છે કે, સ્વાસ્થ્ય સાથે જોડાયેલા બીજા કારણો ઉપરાંત અમુક લોકોના દિલની માંસપેશીઓ પર અસર પાડતા જેનેટિક કારણો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, કારણ ભલે જેનેટિક હોય કે બીજું કંઈ અને અમને 9 કેસમાં રિપોર્ટ માગ્યા છે. જિલ્લા હોસ્પિટલના આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં 507 લોકોએ હાર્ટ એટેકની ફરિયાદ કરી છે, જેમાંથી 190 લોકોના મોત થઈ ગયા છે.
સરકારે આ વધી રહેલા આકડાઑને જોતા જયદેવ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચ સંસ્થાના નિર્દેશક ડો. રવીન્દ્રનાથની આગેવાનીમાં એક સમિતિ બનાવી છે. હેલ્થ મિનિસ્ટ્રીની શરૂઆતી તપાસમાં જે 18 લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે, તેમાંથી 9ની ઉંમર 55 વર્ષથી વધારે હતી અને તેમને અન્ય બીમારીઓ પણ હતી, પણ ત્યારબાદના તમામ યુવાનો હતા.
શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે, અમુક કિસ્સામાં દર્દી પહેલાથી ટાઈપ 1 ડાયાબિટીસ અથવા અમુક ક્રોનિક બીમારીઓથી પીડિત હતા. હાર્ટ એટેકના કેટલાય કારણો છે, પણ તેની સંખ્યા કેમ આટલી વધી રહી છે, તેના વિશે હજુ સુધી ઠોસ કારણ જાણી શકાયું નથી. સરકારે 10 દિવસની અંદર આ તપાસ પૂરી કરવાના આદેશ આપ્યા છે.
