બ્લેડ તૂટી અને હવામાં લહેરાતા નદીમાં સમાઇ ગયુ હેલિકોપ્ટર, દિગ્ગજ CEO, પત્ની અને ત્રણ બાળકોનું દર્દનાક મોત, જુઓ ખૌફનાક વીડિયો

અમેરિકાના ન્યુયોર્કમાં હ્રદય કંપી ઉઠે એવો અકસ્માત, બેકાબૂ થઇ હડસન નદીમાં પડ્યુ હેલિકોપ્ટર, 6 લોકોના દર્દનાક મોત

અમેરિકાના ન્યુયોર્કમાં ગુરુવારે એક હેલિકોપ્ટર હડસન નદીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. આમાં એન્જિનિયરિંગ કંપની સીમેંસના સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની મર્સ કેમ્પરુબી અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બાળકો 4, 5 અને 11 વર્ષના હતા. આ પરિવાર સ્પેનનો હતો. તેમની સાથે હેલિકોપ્ટરના 36 વર્ષીય પાયલોટનું પણ મોત થયું છે.

પાઇલટનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ન્યુ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અકસ્માત પહેલા બેલ 206 એરક્રાફ્ટ બે ટુકડામાં વહેંચાયુ. તેની ટેલ અને રોટર બ્લેડ બોડીથી અલગ થઈ ગયા હતા. ઇમરજન્સી ટીમે નદીમાંથી બધા પીડિતોને બચાવ્યા. તેમાંથી ચારને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બેના હોસ્પિટલમાં પહોંચ્યા પછી મૃત્યુ થયા હતા.

સ્થાનિક સમય મુજબ, હેલિકોપ્ટર બપોરે 3 વાગ્યે ઉડાન ભરી અને હડસન નદી ઉપરથી પસાર થયું હતુ. જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પર પહોંચ્યા પછી હેલિકોપ્ટર નીચે પડવા લાગ્યું અને બપોરે 3.15 વાગ્યે લોવર મેનહેટન વિસ્તારમાં હડસન નદીમાં ક્રેશ થયું. આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેશ પહેલા વિમાનની ટેલ અને રોટર અલગ થઈ ગયા હતા.

આ પછી હેલિકોપ્ટર હવામાં ફરી નદીમાં પડી ગયુ હતુ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું – હડસન નદીમાં એક ભયંકર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. એવું લાગે છે કે છ લોકો – પાઇલટ, બે પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો – હવે આપણી વચ્ચે નથી. અકસ્માતનો વીડિયો ખૂબ જ ભયાનક છે.

ભગવાન વિક્ટિમ્સના પરિવારો અને મિત્રોને શક્તિ આપે. સેક્રેટરી ઓફ ટ્રાંસપોર્ટેશન શોન ડફી અને તેમની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. આ અકસ્માત છેલ્લા 20 વર્ષમાં ન્યૂયોર્કના હેલિકોપ્ટર ટૂર ઉદ્યોગમાં ત્રીજો મોટો અકસ્માત છે. 2009 માં, ઇટાલિયન પ્રવાસીઓને ફરવા લઈ જતું એક હેલિકોપ્ટર હડસન નદી પર એક ખાનગી વિમાન સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. 2018માં એક ખુલ્લા દરવાજાવાળું પ્રવાસી હેલિકોપ્ટર ઇસ્ટ રિવરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, ફક્ત પાયલોટ જ બચી ગયો હતો. 1977 થી અત્યાર સુધી ન્યુયોર્ક સીટીમાં હેલિકોપ્ટર ક્રેશમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Previous Article

1 લાખ રૂપિયાના ઘરમાં યુવકને આવી ચૌલ વાળી ફીલિંગ, યુઝર્સે ઉગ્ર પ્રતિક્રિયા કરતા વીડિયો થયો વાયરલ

Next Article

દુઃખદ: 'રોણા શેરમાં', 'ચાર ચાર બંગડીવાળી' જેવા ગીતો ક્યારેક નહીં મળે, સુપરહિટ ગીતો આપનારા મયૂર નાડીયાની નાની ઉંમરે અણધારી વિદાય

error: Protected Content!
Exit mobile version