અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 2 એપ્રિલની જાહેરાત વિશ્વભરમાં નવી આર્થિક અસ્થિરતા લાવી રહી છે. ટ્રમ્પે 180થી વધુ દેશો પર વધારેલા આયાત જકાત લાદ્યા છે, જેના પરિણામે માત્ર અમેરિકન બજારો જ નહીં, પરંતુ એશિયન અને યુરોપિયન શેરબજારોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિએ વૈશ્વિક શેરબજારોમાં વ્યાપક ગભરાટ ફેલાવ્યો છે, અને વિશ્લેષકો વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ સંજોગોમાં, 1929ની મહામંદીની યાદોએ લોકોના મનમાં ફરી એકવાર ડર ઉભો કર્યો છે.
## 96 વર્ષ પહેલાંની ઐતિહાસિક ઘટના
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ‘બ્લેક ટ્યુઝડે’ની દુઃખદ સ્મૃતિઓ તાજી થઈ છે – એક એવી ઘટના જેણે આખા વિશ્વને આર્થિક અરાજકતામાં ધકેલી દીધું હતું. 96 વર્ષ પહેલાં આ મંગળવારે એવું શું બન્યું હતું કે આજે પણ વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ શેરબજારની ચર્ચા કરતી વખતે તેનો ઉલ્લેખ કરતા રહે છે?
આજે મોટાભાગના લોકો જ્યારે સુખી અને સમૃદ્ધ જીવન વિશે વિચારે છે, ત્યારે તેમના મનમાં ‘અમેરિકન સ્વપ્ન’ આકાર લે છે. અંકલ સેમની ધરતીની સમૃદ્ધિની વાત નવી નથી. લગભગ એક સદી પહેલા, 1928ના પાનખરમાં, અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે જાહેર કર્યું હતું, “આજે અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર, આપણે ગરીબી પર અંતિમ વિજય મેળવવાની નજીક છીએ.” મોટાભાગના અમેરિકનો આ વિચાર સાથે સંમત હતા.
તે સમયે લોકોનું જીવન અભૂતપૂર્વ રીતે સમૃદ્ધ હતું. બેરોજગારીનો દર માત્ર 4% હતો, એટલે કે દર 100માંથી 96 લોકો પાસે આવકનો સ્રોત હતો. જાઝ સંગીત લોકપ્રિય હતું, રેડિયો ઝડપથી વેચાઈ રહ્યા હતા, અને વીજળી તથા ટેલિફોન લાઈનો દેશભરમાં પ્રસરી રહી હતી. મધ્યમવર્ગના લોકો ઉધાર ખરીદીની સુવિધાથી આરામદાયક જીવન જીવી રહ્યા હતા. કાર એટલી સસ્તી થઈ ગઈ હતી કે સામાન્ય પરિવારો પણ તેને સરળતાથી ખરીદી શકતા હતા. ફ્લોરિડા જેવા સ્થળોએ રિયલ એસ્ટેટનો ધંધો ધમધમી રહ્યો હતો. દરેક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરી પૈસા બમણા-ત્રણગણા કરવા માટે ઉત્સુક હતી. નાણાં ન ધરાવતા લોકો પણ બેંક લોન લઈને શેરબજારમાં મૂડી રોકી રહ્યા હતા. બધું જ સુચારુ ચાલી રહ્યું હતું.
## ન્યુયોર્ક શેરબજારનું પતન
પરંતુ માત્ર એક વર્ષ પછી જ, નાણાકીય દહેશત ફેલાઈ ગઈ. ન્યુયોર્ક શેરબજાર તૂટી પડ્યું, વ્યવસાયો બંધ થઈ ગયા, બેંકો ખલાસ થઈ ગઈ, કરોડપતિઓ દિવાળિયા બની ગયા, અને સામાન્ય નાગરિકોએ જીવનભરની બચત ગુમાવી. લોકોએ નોકરીઓ અને ઘર ખોઈ દીધા. આગામી થોડા વર્ષોમાં, દર ચાર અમેરિકનમાંથી એક બેરોજગાર બની ગયો. આ આર્થિક સંકટ અમેરિકાની સરહદો વટાવીને વિશ્વભરમાં ફેલાઈ ગયું. આજે આપણે જેને ‘મહામંદી’ તરીકે ઓળખીએ છીએ, તે આધુનિક વિશ્વની સૌથી મોટી આર્થિક દુર્ઘટના હતી.
## બ્લેક ટ્યુઝડે
29 ઓક્ટોબર 1929નો દિવસ ઇતિહાસમાં ‘કાળા મંગળવાર’ તરીકે જાણીતો છે. આ એ દિવસ હતો જ્યારે અમેરિકી શેરબજાર ધરાશાયી થયું અને સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થામાં ભયંકર મંદીની શરૂઆત થઈ. તે દિવસે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લગભગ 1.6 કરોડ શેરનું ખરીદ-વેચાણ થયું, પણ તીવ્ર ઘટાડાએ તમામ આશાઓને ચકનાચૂર કરી નાખી. એક જ દિવસમાં 11.73%નો ઘટાડો નોંધાયો. રોકાણકારો માત્ર પોતાના પૈસા ગુમાવતા જોઈ શક્યા. વોલ સ્ટ્રીટ પર “વેચો, વેચો” સિવાય બીજું કંઈ સંભળાતું નહોતું. લાખો ડોલરની કિંમત એકાએક શૂન્ય થઈ ગઈ.
## બેંકો પણ નાણાંભીડમાં સપડાઈ
બજારમાં અફરાતફરી મચી ગઈ. મેનહટનમાં એક મહિલાએ 44 માળની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી. અભિનેતા ગ્રુચો માર્ક્સે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. આગામી બે વર્ષમાં 2,000 બેંકો નાદાર થઈ ગઈ અને તેમના થાપણદારોના તમામ નાણાં ડૂબી ગયા. બધે ભયનો માહોલ હતો. રોકાણકારો લૂંટાઈ રહ્યા હતા અને અફવાઓનું બજાર એટલું તેજ હતું કે એક વ્યક્તિને ઊંચી ઇમારત પર રંગકામ કરતા જોઈને લોકોએ માની લીધું કે કોઈ રોકાણકાર આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. ગભરાયેલા લોકો પોતાના પૈસા ઉપાડવા બેંકો તરફ દોડ્યા, પરંતુ બેંકોના દરવાજા બંધ હતા. બેંકો પોતે લોકોના પૈસા પરત કરવાની સ્થિતિમાં નહોતી. પ્રથમ, જે લોકોએ લોન લઈને શેરમાં રોકાણ કર્યું હતું તેઓ હવે પૈસા પરત કરી શકતા નહોતા. બીજું, બેંકોએ પોતે પણ થાપણદારોના નાણાં એવા શેરોમાં રોક્યા હતા જેની કિંમત હવે શૂન્ય થઈ ગઈ હતી.
## 11 હજાર બેંકો બંધ થઈ ગઈ
જેમની બચત ડૂબી ગઈ હતી તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં હતા, પરંતુ જેમણે લોન લઈને શેરબજારમાં રોકાણ કર્યું હતું તેઓ બેવડી મુસીબતમાં સપડાયા – તેમના પૈસા ખોવાઈ ગયા હતા પરંતુ બેંક લોન ચૂકવવાની જવાબદારી હજુ પણ તેમના માથે હતી. આ સંકટમાં, અમેરિકામાં લગભગ 11,000 બેંકો – અડધાથી વધુ – આગામી ચાર વર્ષમાં બંધ થઈ ગઈ. જે બેંકો હજુ ચાલુ હતી તેમનો ઉપયોગ કરવામાં પણ લોકો ડરતા હતા.
ઉદ્યોગો અને વ્યાપાર ઠપ્પ થઈ ગયા. બજાર તૂટ્યા પછી, લોકોને એવું લાગ્યું કે તેઓ કોઈ અવાસ્તવિક દુનિયામાં જીવી રહ્યા છે – કારખાનાઓ હતા પણ તેમના ઉત્પાદનો ખરીદનાર કોઈ નહોતું, લોકોએ નોકરીઓ ગુમાવવાનું શરૂ કર્યું. ખેડૂતોના પાક તૈયાર હતા પણ ખરીદનાર કોઈ નહોતું. બધે જ વિનાશ હતો. લોકો પાસે ખાવા માટે પૈસા નહોતા. મફત ભોજન વિતરણ કેન્દ્રો પર રોટલી માટે લાંબી કતારો લાગવા લાગી. ન્યુયોર્ક શહેરમાં, દરરોજ ઓછામાં ઓછા 82,000 મફત ભોજન વહેંચવામાં આવતા હતા. અસંખ્ય લોકો બેઘર થઈને શેરીઓમાં રહેવા મજબૂર બન્યા.
