વડોદરાના વડસર બ્રિજ નજીક 4 એપ્રિલની રાત્રે એક કાર ચાલકે ભારે નશામાં અને બેફામ ઝડપે વાહન હંકારતાં બે બાઈક અને એક કારને અડફેટે લીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને નશાની હાલતમાં મળેલા કાર ચાલકને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં માંજલપુર પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.ગઈકાલે રાત્રે ઓફિસમાંથી બહાર નીક્ળા પછી નશાની ભારે સ્થિતિમાં કાર હંકારી રહેલા ગૌરવ મુકેશભાઈ પટેલે વડસર બ્રિજ પાસે બે બાઈકને અડફેટે લીધાં અને બાદમાં એક કાર સાથે પણ પીછેહઠી ટક્કર મારી.
ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને નશામાં ધૂત ગૌરવને કારમાંથી બહાર કાઢ્યો. ગૌરવ લોકો સામે ગાળાગાળી કરવા લાગતાં, ગુસ્સે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો. બાદમાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી, ગૌરવ પટેલની ધરપકડ કરી અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ.અકસ્માતમાં નુકસાન સહન કરનાર કારચાલક મિતેષ મિસ્ત્રીએ જણાવ્યું કે, “હું ઓફિસ પરથી વડસર બ્રિજ પાસેથી ઘરે જતો હતો ત્યારે એક કારચાલક ભારે નશામાં અને ઝડપે વાહન હંકારતો આવી રહ્યો હતો. તેણે મારી કારની પાછળથી ટક્કર મારી.
તેના પહેલાં પણ તેણે બે ટુ-વ્હીલરને અડફેટે લીધાં હતાં. સ્પષ્ટ દેખાતું હતું કે તે દારૂના નશામાં હતો. આ ઘટનામાં આશરે બે થી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.”ઇજાગ્રસ્ત જલ્પાબેન પટેલે જણાવ્યું કે, “હું અને મારા પતિ એક્ટિવા પર સવારી કરીને જઈ રહ્યા હતાં અને વડસર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એક કારચાલકે પહેલા એક બાઈકચાલકને અડફેટે લીધો અને ત્યારપછી અમારા એક્ટિવાને પણ અડફેટે લીધું. આ અથડામણમાં મને અને મારા પતિને ઇજા પહોંચી છે. કારચાલક આગળ જઈને બીજી એક કારને પણ ટક્કર મારી અને ત્યાં લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો. તે સમયેઓ તે સંપૂર્ણપણે દારૂના નશામાં હતો.”
અન્ય ઈજાગ્રસ્ત કૌશલ પટેલે જણાવ્યું કે, “હું અને મારા સાથીદારો જ્યુપિટર ચોકડી પાસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે અમને પાછળથી ટક્કર મારી. તે વ્યક્તિ નશામાં હતો. આ અકસ્માતમાં મને ખભામાં ઇજા પહોંચી છે.” આ પણ નોંધપાત્ર છે કે 13 માર્ચે કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયાએ 8 લોકોને ટક્કર મારી હતી, જેમાં એક મહિલાનું દુઃખદ મોત થયું હતું. આ ઘટનાના એક મહિના અંદર ફરીથી નશામાં વાહન ચલાવવાને કારણે લોકો ઘાયલ થયા છે. જેના કારણે “દારૂબંદી” ધરાવતું ગુજરાત રાજ્ય, અને ખાસ કરીને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
