રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના ખૌફનાક સૌપ્રથમ CCTV દ્રશ્યો આવ્યા સામે- 28 લોકો મોતને ભેટ્યા

હાલમાં જ ગુજરાતના રંગીલા રાજકોટમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઇ. નાના મૌવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે હવે આ ઘટનાના ભયાનક CCTV દ્રશ્યો સામે આવ્યા છે. આ વીડિયો જોઇ કોઇ પણ હચમચી જાય. ગેમ ઝોનમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરની ટીમો પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું, આ ઉપરાંત આગને કાબૂમાં લેવાની પણ તજવીજ હાથ ધરાઇ હતી.

આગ એટલી ભયાનક હતી કે ધૂમાડાના ગોટેગોટા 5 કિલોમીટર સુધી દેખાઇ રહ્યા હતા. જ્યારથી રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના સર્જાઇ છે, ત્યારથી અત્યાર સુધી રોજ નવી નવી અપડેટ સામે આવી રહી છે. આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે અને કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ પોલિસે ગુનો નોંધ્યો છે. તપાસમાં એવું સામે આવ્યુ છે કે આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ અને પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવ્યુ હતુ. આ ગેમ ઝોનમાં આગને રોકી લોકોના જીવ બચાવી શકાય એવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો પણ નહોતા અને અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ પણ મેળવેલ નહોતુ.

કમિશનરે સ્પષ્ટ કરી દીધું છે કે TRP ગેમઝોન પાસે ફાયરની કોઇ NOC નહોતી. તેમ છતાં પણ કોઇ રોકટોક વગર ગેમઝોન ધમધમી રહ્યું હતું. ત્યારે હાલ તો ગેમ ઝોનમાં લાગેલ આગનો CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે કઈ રીતે આગ પ્રસરી રહી છે.

Shah Jina
Exit mobile version