ભયાનક રોડ અકસ્માત : કાર 4 વાર પલટી ખાઇ ગઇ, બહાર ઉછળી આવ્યા 2 લોકો, 1 નું મોત
કેટલાક રોડ એક્સીડન્ટ ખૂબ જ આઘાતજનક હોય છે. વાહનની ગતિ વધુ હોવાને કારણે થતા અકસ્માતોમાં લોકો બહાર પણ ફેંકાઈ જતા હોય છે. ત્યારે હાલમાં જ કર્ણાટકમાં પણ આવી એક દુર્ઘટના બની. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં એક 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર અન્ય ઘાયલ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક કાર ખૂબ જ ઝડપે ડિવાઇડર સાથે અથડાઈ અને ચાર વખત પલટી ખાઇ ગઇ.
ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર બે લોકો ઉઠળી રસ્તા પર પડી ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સોમવારે વહેલી સવારે કર્ણાટકના ડોડ્ડબલ્લાપુરના કટ્ટિહોસાહલ્લી નજીક હાઇવે પર થયો હતો. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર ખૂબ જ ઝડપે ડિવાઈડર સાથે અથડાય છે અને હાઇવેની વચ્ચે ટ્રાફિક આઇલેન્ડ પર ચઢી જાય છે.
આ પછી, કાર ઘણી વખત પલટી મારે છે, જેના કારણે ધૂળ અને ઘાસ ઉડે છે અને બે લોકો કારમાંથી ઉછળી બહાર પડે છે. ત્રીજુ ફ્લિપમાં કારનો આગળનો ભાગ રસ્તા પર પડી જાય છે અને ચોથી ફ્લિપમાં આખી કાર રસ્તા પર આવી જાય છે. વીડિયોના અંતે કાર બાજુમાં પડેલી જોવા મળે છે, જ્યારે તેનું એક પૈડું ટ્રાફિક ટાપુની બીજી બાજુ ફરતું રહે છે. અકસ્માત બાદ એક વ્યક્તિને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત વધુ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કાર ધારવાડથી દેવનહલ્લીના વિજયપુરા તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં કાર ચાલક મોહમ્મદ યુનુસ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. કારમાં સવાર અન્ય ચાર લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ઘાયલોની સારવાર ચાલુ છે.
Karnataka car crash caught on cam pic.twitter.com/hsZBCfhlTI
— Viral Info (@3Chandrayaan) February 25, 2025
