હત્યારા ફેનિલ ગોયાણીના વકીલે કોર્ટમાં કહ્યું, “ખરેખર કોનું પોસ્ટમોર્ટમ કરાયું છે તે બાબત શંકા પ્રેરેે છે, 6 વાગ્યા સુધી લાશ…”

સુરતની ગ્રીષ્મા વેકરીયા કેસની અંદર દિન પ્રતિદિન એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સુરતની કોર્ટમાં આ કેસનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ હવે બંને પક્ષના વકીલોની દલીલો પણ ચાલુ છે, જેમાં ગ્રીષ્માનો કેસ લડી રહેલા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો પૂર્ણ થયા બાદ આરોપી ફેનિલ ગોયાણીનો કેસ લડી રહેલા ઝમીર શેખ દ્વારા દલીલ કરવામાં આવી હતી.

ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ કોર્ટની અંદર ફેનિલને બચાવવાના પૂરતા પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે, તેમને કોર્ટની અંદર એવી એવી દલીલો કરી જેને સાંભળીને કોઈપણ હેરાન રહી જાય. ઝમીર શેખે ગ્રીષ્માના પોસ્ટમોર્ટમ ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા, જે સાંભળીને કોઈપણ હેરાન રહી જશે.

ઝમીર શેખે પોતાની દલીલમાં ગત મંગળવારના રોજ જણાવ્યું હતું કે ખરેખર કોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે બાબત શંકા પ્રેરી રહી છે. રેકોર્ડ પ્રમાણે ગ્રીષ્માની બોડી 6 વાગે પીએમ રૂમ ઉપર પહોંચી ગઈ હોય તેવું બતાવવામાં આવે છે અને જયારે 108 વાળા તેમની જુબાનીમાં પોણા સાત વાગ્યા સુધી પીએમ રૂમ ઉપર પહોંચી ના હોવાનું જણાવે છે તો પીએમ કોનું થયું ?”

આ ઉપરાંત ઝમીર શેખ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સરકાર પક્ષ શું સંતાડવા માંગે છે ? શા કારણે માત્ર 6 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી ? ફેનિલ જયારે સોસાયટીમાં આવ્યો ત્યારે તેને પથ્થર મારવામાં આવ્યા હતા અને તેના કારણે તેને ઢાલ તરીકે ગ્રીષ્માને પકડી લીધી હતી, આ જે કંઈપણ થયું તે ઉશ્કેરણીમાં થયું છે.”

બચાવપક્ષના વકીલ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રોસિક્યુશનના સાક્ષી જુઠ્ઠું બોલે છે, ગ્રીષ્માના કાકા ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે મિત્રતા ના હોવાનું જણાવી રહ્યા છે, જયારે સાક્ષી કહે છે કે બધા જ મળીને ફેનીલનાં ઘરે સમજાવવા માટે પણ ગયા હતા કે તેનો પીછો ના કરે, આ કારણે તેના કાકા બધું જ જાણતા હતા.”

Niraj Patel