પંચતત્ત્વમાં વિલિન થયા મશહૂર સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા, વાતાવરણ બન્યુ ગમગીન, પરિવાર અને મિત્રો સહિત ચાહકોની આંખમાં પણ આવી ગયા આંસુ

દિગ્ગજ સંતૂર વાદક અને ફિલ્મ સંગીતકાર પંડિત શિવકુમાર શર્માના 11 મે બુધવારના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં પૂરા રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.સંગીતકારનું મંગળવાર 10 મેના રોજ સવારે મુંબઇના પાલી હિલ સ્થિત આવાસ પર હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયુ હતુ. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં ફિલ્મ, સંગીત અને રાજનીતિક જગતની ઘણી હસ્તિઓ સામેલ થઇ હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પંડિત શિવકુમાર શર્માના મિત્ર અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની તસવીરોએ ખેચ્યુ હતુ.

પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કારના કેટલાક માર્મિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આમાં પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના ચહેરા પર પોતાના મિત્રને ગુમાવવાનું દુ:ખ સ્પષ્ટ જોઈ શકાય છે. એક ફોટોમાં ઝાકિર હુસૈન સાહબ તિરંગામાં લપેટાયેલા પંડિત શિવકુમાર શર્માના પાર્થિવ દેહને ખભો આપી રહ્યા છે, જ્યારે બીજા ફોટોમાં તેઓ તેમના અંતિમ સંસ્કારની સામે હાથ જોડીને ઉભા જોવા મળે છે. પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કારની સામે ઊભેલા ઝાકિર હુસૈન સાહબનો ફોટો શેર કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ઉસ્તાદ ઝાકિર હુસૈન પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કારમાં દાયકાઓ જૂના મિત્રને અલવિદા કહે છે.

અન્ય એક યુઝરે લખ્યું, “એક તસવીર આખી જીંદગી કહી શકે છે. આ ફોટો બરાબર એ જ છે. મિત્રતા, એકતા અને ખોટની ઊંડાઈ. ઉસ્તાદ ઝાકિર હુસૈન તેમના મિત્ર પંડિત શિવકુમાર શર્માની ચિતા સાથે. તે ફોટો જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા.” એક સોશિયલ મીડિયા યુઝરે ઝાકિર હુસૈનનો આર્થીને ખભો આપતો ફોટો શેર કર્યો અને લખ્યું, “આ ભારતની સુંદરતા છે.” પંડિત શિવ કુમાર શર્માના ખાસ મિત્ર ઝાકિર હુસૈન અંતિમ સંસ્કાર દરમિયાન સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. તેમના ચહેરા પણ ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહી હતી. તેમની વાયરલ થઇ રહેલી તસવીરની કોમેન્ટમાં એક યુઝરે લખ્યું- આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે.

બીજાએ લખ્યુ ધર્મ ગમે તે હોય, તેને સંગીત સાથે કોઈ લેવાદેવા નથી. એક યુઝરે લખ્યું- મિત્ર તેના મિત્રને તેની અંતિમ ક્ષણોમાં પણ છોડવા તૈયાર નથી, આ જ સાચો પ્રેમ, સન્માન અને પરસ્પર બંધન છે.એવું કહેવામાં આવી રહ્યુ છે કે, શિવકુમાર શર્મા કિડનીની સમસ્યાને કારણે ડાયાલિસિસ પર હતા. જો કે, હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. બુધવારે મુંબઈમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતા.

તેમના સિવાય, જાવેદ અખ્તર, તેમની પત્ની શબાના આઝમી, ગાયક-અભિનેત્રી ઇલા અરુણ, ગઝલ ગાયક રૂપ કુમાર રાઠોડ અને સંગીતકાર જોડી જતીન-લલિત સહિત અન્ય ઘણા સેલેબ્સ પણ પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. પંડિત શિવકુમાર શર્માએ શિવ-હરિની જોડી બનાવવા માટે વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને યશ ચોપરાની ‘સિલસિલા’માં પહેલીવાર સંગીત આપ્યું હતું. બાદમાં તેમણે યશ ચોપરા સાથે ‘ફસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘સાહિબાન’ અને ડરમાં કામ કર્યું. જોકે, ‘ડર’ પછી તેણે કોઈ ફિલ્મમાં સંગીત આપ્યું નથી.

Shah Jina