કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભારતીય મૂળના 28 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના યુનિટ, જે હત્યાના કેસોની તપાસ કરે છે, તેમણે પીડિતની ઓળખ યુવરાજ ગોયલ તરીકે કરી છે.
તેમણે કહ્યું કે શુક્રવારે સવારે સરેમાં ગોળીબારની માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ત્યાં ગોયલનો મૃતદેહ મળ્યો. રીપોર્ટ અનુસાર, મૃતકની બહેનને ટાંકીને કહેવાયુ કે તેનો ભાઈ સરેમાં કાર વેચતા શોરૂમમાં કામ કરતો હતો. યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પરિવારજનોને ખબર ન હોવાનું જણાવ્યું હતું.
ગોયલની બહેનના પતિએ જણાવ્યું હતું કે, તેને ગોળી મારવામાં આવી તે પહેલા યુવરાજ ભારતમાં રહેતી માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તે જીમમાંથી પાછો આવ્યો અને કારમાંથી બહાર નીકળતાની સાથે જ તેને ગોળી મારી દેવામાં આવી.” રોયલ કેનેડિયન પોલીસે કહ્યું કે યુવરાજની હત્યા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે ધરપકડ કરેલા ચાર શકમંદોના નામ મનવીર બસરામ (23), સાહિબ બસરા (20), હરકીરત ઝુટ્ટી (23) અને કેઇલન ફ્રેંકોઇસ (20) છે. આ તમામ પર હત્યાનો આરોપ છે. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબાર નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જો કે યુવરાજની હત્યા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.