લેખકની કલમે

સાપના ઝેર ચૂસી જિંદગી બચાવનારને જ ભેખની લાજ મારે રાખવા માટે ભેખની જીવતરનાં ઘૂંટ પીવા પડ્યાં , વાંચો આ અદભૂત વાર્તા.

આશ્રમ સુંદર હતો.વિશાળ પણ હતો અંદર બોરસલી, ચંપો,રાયણ, ચીકુડી,જમરુખડી જેવા સુંદર ફળફુલ આપતા વૃક્ષો હતા.તો લીમડો,પીપળો, જેવા ઘેઘુર છાંયડો આપતા ઝાડ પણ હતા આશ્રમની બહાર કુટિયાથી છેક મંદિર સુધી બારમાસી,ગુલાબ,પીળી કરેણ જેવા છોડ પણ મહેંકતા હતા.આશ્રમ પ્રાંગણમાં વાસંગીદાદાનું પુરાતન મંદિર હતું જે હમણાં ગામવાળાઓ રિનોવેટ કર્યુ હતું જે પ્રેમદાસને આભારી હતું આજથી છ વર્ષ પહેલાં અવાવરૂ લાગતો આશ્રમ અત્યારે પ્રેમદાસની હાજરીથી જીવંત બની ગયો હતો નાગપાંચમના રોજ ગામવાળા અહીં વાસંગીદાદાને પ્રસાદ ધરવા આવતા હતા. એ સિવાય આશ્રમમાં સૂનકાર વ્યાપેલો હોત પણ પ્રેમદાસે આશ્રમની સિક્લ ફેરવી નાખી. પ્રેમદાસ કોણ હતો ? ક્યાંથી આવતો હતો? ક્યાંથી આવતો હતો ? કેવો હતો ? એની કોઈને જાણ નહોતી. પણ હમણા હમણા ગામનો જ જણ- નામે શિવજી આવતો થયો હતો. આશ્રમની સાફસફાઇ કરતો હતો. આશ્રમમાં બે ગાય પણ હતી. તેને દોહવાનું અને વગડામાં ચારવાનું કામ કરતો. શિવદાસે એક્વાર પૂછેલુ ‘બાપુ , આપનું ગામ? આપની ઓળખાણ ?’
પ્રેમદાસે કહેલું, ‘બેટા, શિવદાસ, વાતનું મૂળ અને સાધુનું ફુળ…ક્યારેય ન પૂછવું. જે થાય તે જોયા કરવું. જે સમજાય તે હૈયામાં ભંડારી રાખવું. સાધુ થઇ ગયા પછી કેવા ગામ ને કેવી ઓળખાણ? એ તો લુગડા ઉપરથી રજકણ સમાન ! ખંખેરી નાખીયું છે એ તો કેટલાય વર્ષોથી…’

શિવજી ભોઠો પડી ગયો. તેને થયું કે બાપુને માઠું લાગી ગયું હશે. એણે કાનપટ્ટી પકડીને ગળગળા અવાજે કહ્યું, ‘બાપુ, ભૂલ થઇ ગઇ….હવે આવું કયારેય નહીં પૂછું.’ જવાબમાં પ્રેમદાસે સાવ સરળતાથી હસતાં હસતાં મોઘમ વેણ ઉચાર્યા, ‘હા, શિવદાસ, ભૂલ થઇ જાય…! માણસ છીએ! અને માણસ છીએ એટલે તો ભૂલ કરીએ છીએને? ભગવાન હોત તો ભૂલ ન કરત ! માણસ માત્ર ભૂલને પાત્ર.’

શિવદાસ છએક મહિનાથી આવે છે. એકલો છે. માવતર નાનપણમાં એકલો મુકીને સ્વર્ગે સિધાવી ગયા છે. કાકાએ મોટો કર્યો. ખાસ ભણ્યો નથી. વાંચતા લખતા આવડે છે. જીવનનું કોઇ લક્ષ્ય નથી. બાપીકું જૂનું મકાન હતું ત્યાં રહે છે. કાકાનો વસ્તાર પરણી ઉતર્યો. શિવદાસ એકલો રહી ગયો પણ હમણાંથી આશ્રમમાં આવે છે. કદિ ત્યાં સૂઇ જાય છે. બે ટંકની રોટી અને ચાર ટંકની ચા મળી રહે છે.

આશ્રમ ધબક્તો રહે છે દર્શનાર્થીઓથી સર્પદંશ થયો હોય એવા લોકોની આવન જાવન વિશેષ રહે છે. વાસંગીદાદા આમ તો નાગદેવતા જ છે. આ વિસ્તાર પહાડી છે. અહીં જુદીજુદી પ્રજાતિનાં કેટલાય સાપ રહે છે સાપ જેને ડસી જાય, તેને એક ડગલું પણ આગળ ભરવા દેતો નથી. હા, જેને સાપ ડસી ગયો હોય અને વાંસગી દાદાનું નામ લઇ ડંસવાળી જગ્યા ઉપર કચકચાવીને દોરો બાંધી દો, તો દાદાની દુહાયથી ઝેર આગળ ચડતું નથી પણ તાત્કાલિક વાસંગીદાદાને મંદિરે, પ્રેમદાસ પાસે લઇ જવો પડે છે.પ્રેમદાસે એવા કેટલાય કડવા ઘૂંટડા પીધા છે.

પ્રેમદાસ જેને સાપ ડસી ગયો હોય એ ડંખ ઉપર મોઢું મુકીને ઝેર ચૂસી લે છે. સૌપ્રથમવાર જ ગામમાં એક વિધવાનાં છોકરાને કાળતરો આભડી ગયો. આશ્રમમાં કોઇએ આ સમાચાર આપ્યા ત્યારે પ્રેમદાસ ચાખડી પહેરવા પણ ઉભો રહ્યો નહોતો. એણે જઇને એ છોકરાનાં ડંખ ઉપર મોઢું મુકી દીધું, ઝેર ચૂસી લીધું. થોડી જ વારમાં એ આળસ મરડીને ઉભો થઇ ગયો અને પ્રેમદાસ આ પંથકમાં સૌ કોઇનો દેવતા બની ગયો.

પ્રેમદાસે કહ્યુ, ‘હું તો નિમિત માત્ર છું બાકીતો બધી વાસંગીદાદાની કૃપા છે ‘ સૌએ પ્રેમદાસનો જયજયકાર કર્યો. પ્રેમદાસ કહ્યું, ‘મારો નહી, આ મદિંરનો જયજયકાર કરી દો.’ અને મદિંરનો જીર્ણોધ્ધાર થઇ ગયો

કારતકની રાત સમસમ કરતી વહી રહી હતી. ટાઢ કોઇ પ્રિયાંગનાના આલિગન જેમ ભરડો લઇ રહી હતી. અહીં આવીને પસાર થઇ ગયેલા પાંચ પાંચ વરસો અને એની અગાઉનાં વરસો કોઇ ચલચિત્રની પટ્ટીની જેમ આંખો આગળથી પસાર થઇ રહીયા. કુટિયાની બહાર બેઠેલા પ્રેમદાસે બંધ આંખો ખોલી નાખી ભૂરા રંગનું આકાશ, ચન્દ્ર કોઇ પ્રિયજન જેવો લાગી રહ્યો હતો. અચાનક આકાશમાં તેજ લીસોટો થયો. ઘડીકતો પ્રેમદાસની આંખો પણ અંજાઇ ગયા જેવી થઇ ગઇ….પણ કોઇ તારો ખર્યાના તેજ લીસોટો હતો. પ્રેમદાસનાં હોઠો ઉપર સ્મિત આવ્યું. ખરી રહેલો તારો? તેને વિચાર આવ્યો, કહે છે કે જે ખરતો તારો જોએ છે તેની મનોકામના પૂર્ણ થાય… અને હૈયામાંથી ફળફળતો નિશ્વાસ સર્યો: અરે, મનવા, હવે કઇ મનોકામના?

રાત ઘણી વીતી ચૂકી હતી. એ ઉભો થઇ પોતાની કુટીયા તરફ ચાલતો થયો ત્યાં જ દરવાજે એક જીપ ઘરઘરાટી કરતી આવી. બહારથી અવાજ આવ્યો. ‘ એ બાપુ, જલ્દી ખોલજો…’એમણે અંદર રહ્યે પૂછયું ‘કોણ છે ભાઇ?’ ‘ ઇતો અમે રાજગઢથી આવ્યા છીએ.મારી ઘરવાળીને એરુ આભડી ગયો છે બાપુ…ઝડપથી ખોલો બાપુ…’ બહારથી કોઇ ગભરાયેલો આદમીનો અવાજ આવી રહ્યો. ‘એ હા ભાઇ.’ કરતા પ્રેમદાસ આશ્રમનો દરવાજો ખોલ્યોતો બે-ત્રણ આદમી અને બે-ત્રણ બૈરા ગભરાયેલી અવસ્થામાં ઉભા હતાં. ‘ બાપુ..’ કરતો એક જણ પગમાં પડી ગયો: ‘ બાપુ મારી ઘરવાળીને બચાવી લો…’ એ ક્યા છે? પ્રેમદાસે પૂછ્યું. જવાબમાં બૈરા બોલ્યા, અહીં બેભાન છે.’ ‘ સારુ, તમે એને કુટીયામાં લઇ ચાલો. ત્યાં સુધીમાં હું દાદાને ધૂપ દીવા કરતો આવું.’ કહી પ્રેમદાસ મંદિરમાં ગયો. આ શિરસ્તો હતો. વાસંગીદાદાને એક વાર ધૂપદીવા થઇ જાય એટલે દાદા એને બચાવી લે. આ એક માન્યતા કહો કે કૃપાદ્ર્ષ્ટિ! પણ સ્નેક બાઇટનો એક પણ કેસ અહીંથી ફેઇલ ગયો નહોતો.

ભોગ બનનાર એક સ્ત્રી હતી. સંબંધિતોએ એને કુટીયામાં પથારી ઉપર સૂવડાવી અને મંદિરે પ્રાર્થના કરવા બેસી ગયા. પ્રેમદાસે કુટિયાનું બારણું બંધ કર્યુ અને પેલી સ્ત્રીનાં ચેહરા ઉપરનું ઓઢણાનું આવરણ હટાવ્યું અને ચોંકી ગયો…. અરે આ તો વિલાસ હતી. જે વિલાસ પોતાનાં ગળાડૂબ પ્રેમમાં હતી અને પોતે પણ… બન્ને જુવાન હૈયા સાથોસાથ જીવવા-મરવાના કોલ આપી બેઠેલા પણ સમાજનાં બંધનો આગળ લાચાર થઇ ગયા વિલાસનાં કાકાએ પ્રેમને કહેલું: ‘અગર તું મારી ભત્રીજીને લઇને ભાગ્યો, તો તારે બે બહેનો છે, એ તું યાદ રાખજે.’ આખરે વિલાસને છોડી દેવી પડી. વિલાસે તેને કહ્યું: ચાલ પ્રેમજી, કુવો પૂરી લઇએ. ગાડી હેઠે કપાઇ જઇએ. કાં કપાસમાં છાંટવાની દવા પી લઇએ.’

પ્રેમજીએ તેના મોઢે હાથ દઇ દીધા હતા. ‘નહીં વિલાસ જિંદગીથી હારવું નથી. ભલે આ ભવે નહીં તો આવતા ભવે પણ મળીશું એ ચોક્કસ.’ એ, આ વિલાસ! હજી પણ એ જ રૂપ, એ જ ચેહરો અને એવું જ યૌવન…. પ્રેમદાસે ઝેર ચૂસવા માંડ્યું અને વિલાસ ધીમે ધીમે ભાનમાં આવવા લાગી આખરે એણ્રે આંખો ખોલી. ‘ હુ ક્યાં છું.? પ્રેમદાસે અથથીઇતિ કહી સંભળાવી. એ પ્રેમદાસને ઓળખી ગઇ, ‘ પ્રેમ..તું અહીં? તેને અળગી કરતા પ્રેમદાસે કહ્યું, ‘હા…હવે હું અહીં મારું જે કંઇ ગણો તે….અહીં.’ ‘પ્રેમ…’ કહેતી વિલાસે પ્રેમદાસને ભરડો લીધો…ક્ષણ, બે ક્ષણ અને ત્રણ ક્ષણ…. આખરે એક પુરૂષ, સ્ત્રીને તાબે થઇ ગયો…!!

વહેલી સવારે, જયારે શિવદાસ આવ્યો ત્યારે આશ્રમ ખુલ્લો ફાટક હતો અને કુટિયામાં પ્રેમદાસનું નિશ્વેતન શરીર પડ્યું હતું. શિવદાસનું હ્રદય થડકો ચૂકી ગયું. અચાનક તેની નજર એક ચીઠી પર પડી. તેમાં લખ્યું હતું. ચિ. શિવદાસ મને ખ્યાલ છે કે સૌથી પહેલાં તું જ મારા સુધી પહોંચીશ પણ ત્યારે હું ઘણો દૂર પહોંચી ગયો હોઇશ. તે એક કહેલું કે ભૂલ થઇ ગઇ છે મારી. આજે હું તને કહું છું કે આજ મારી ભૂલ થઇ ગઇ છે. જે ભેખની લાજ મારે રાખવાની હતી એ ભેખમાં આજે ડાઘ લાગી ચૂકીયો છે. કોઇ જીવતરના ઘૂંટડા મીઠા કરતાં મારા જ જીવતરના ઘૂંટ કડવા થઇ ગયા. શીશીનું ઝેર સારું. એક જ ઘૂંટડે પાર…પણ મીઠા ઘૂંટ જયારે કડવાં બની જાય, એ ઘૂંટડા ન તો મારે, કે ન જીવાડે! એ ઘૂંટડાથી જિંદગી આખી રિબાવા,તડપવા કરતા પેલા ઝેરનો જ ઘૂંટડો ભરી લીધો છે! – પ્રેમદાસનાં ઝાઝેરા જૂહાર…- સજ્ળ નેત્રે શિવદાસે જોયું તો એક શીશી ઢોળાઇ રહી હતી! એના ઉપર POISON લખેલું હતું.

લેખક : યોગેશ પંડ્યા 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks