હિંમતનગરમાં યુવાન ઓચિંતા જ ઢળી પડ્યો, હાર્ટ એટેકને લીધે થયું મોત
Youth dies of heart attack in Himmatnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા નાની ઉંમરના લોકો પણ હવે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ઘણા કિશોરોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે તો 20-30 વર્ષના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે મોતને ભેટતા હોય છે. રોજ બરોજ એકાદ આવા હાર્ટ એટેકની ઘટના સમયે આવતી હોય છે, ત્યારે હાલ એક મામલો હિંમતનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે.
હાલમાં જ ખરીદ્યુ હતું નવું મકાન :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરમાં આવેલા પોગલુ ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના આત્મા વિભાગમાં ફરજ બજાવી રહેલા 35 વર્ષીય યુવક પરીક્ષિત પટેલે કાંકણોલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં નવું મકાન લીધું હતું અને તેઓ ત્યાં જ રહેતા હતા. નવું મકાન ખરીદવાના કારણે પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ગત સોમવારના રોજ આ નવા મકાનનો દસ્તાવેજ કરાવવા માટે પરીક્ષિત હિંમતનગરના બહુમાળી ભવનમાં રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યો હતો.
દસ્તાવેજ કરાવ્યા બાદ જ ઢળી પડ્યો :
કચેરીમાં સાંજે 4 વાગે દસ્તાવેજનું કામ પૂર્ણ થયું અને પછી અચાનક જ યુવક ઢળી પડ્યો. જેના બાદ તાત્કાલિક 108ને કોલ કરવામાં આવ્યો હતો. 108ને આવવામાં 10 મિનિટ જેટલું મોડું થવાના કારણે યુવકને રિક્ષામાં જ હ્ર્દયમ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો અને ત્યાંથી તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.
પરિવાર માથે તૂટ્યો દુઃખોનો ડુંગર :
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા પોલીસને જાણ કરવાં આવતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાર પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જેના બાદ તેના ગામ પોગલુમાં મંગળવારના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુવકના આમ અકાળે નિધન બાદ પરિવારમાં પણ ઊંડો આઘાત જોવા મળી રહ્યો છે. તેને નવું મકાન ખરીદ્યુ પરંતુ તેમાં રહેવા માટે તે હવે હયાત ના હોવાનું પરિવારને ખુબ જ દુઃખ છે.