લેખકની કલમે

એક ગરીબ કુટુંબમાં જન્મેલા આ યુવાનને મળ્યો છે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર, જાણો આ અદ્દભુત યુવાન અને તેના સ્વપ્ન વિશે…

આજકાલ લોકો સમાજ સેવા પ્રસિદ્ધિ માટે કરતાં હોય છે પણ નાના ગામમાંથી આ યુવાને એ કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. આ વ્યક્તિ એટલે હરચંદ ચૌહાણ. NSSમાં આપવામાં આવતો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર આશરે બે વર્ષ પહેલાં માન. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીના હસ્તે હરચંદ ચૌહાણને પ્રાપ્ત થયો. હરચંદના જીવન વિશે વાત કરીએ તો હરચંદ ચૌહાણનો જન્મ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું અને ભારત પાકિસ્તાન સરહદની નજીક આવેલ ઢીમા ગામમાં થયો હતો. ઢીમામાં ભગવાન શ્રીધરણીધરનું મંદિર આવેલું છે તેથી તેને પવિત્ર યાત્રાધામ તરીકે પણ ગણવામાં આવે છે. હરચંદે ૧ થી ૩ ધોરણનો અભ્યાસ આ ગામમાં જ કર્યો હતો. ત્યારબાદ હરચંદ ચૌહાણે ૪થી ૭ ધોરણ સુધીનો અભ્યાસ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કુડા જામપર ગામમાં કર્યો. ૨૦૦૧ ની ૨૬મી જાન્યુઆરીના રોજ હરચંદ ચોથા ધોરણમાં હતો અને ધ્વજવંદન સમયે ભૂકંપમાં કેટલાક મિત્રો મોંતને ભેટ્યા અને પોતે અદ્ભૂત રીતે બચી ગયો. ત્યાર પછી સમગ્ર દેશમાંથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવ સેવાની સરવાણી શરૂ થઇ હતી. હરચંદ પ્રાથમિક શાળાએથી જ ઇતરપ્રવૃત્તિઓમાં ભાગ લેતો હતો અને પ્રાથમિક શાળામાં જ હરચંદે પોતાની આગવી શૈલી સાબિત કરી હતી. ભૂકંપ બાદ હરચંદ ચૌહાણે માનવ સેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આ સાથે જ હાઇસ્કુલમાં તેઓ NSSમાં જોડાયા અને અભ્યાસની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી. ઉચ્ચ અભ્યાસ અર્થે પાલનપુરની જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ.એ. નો અભ્યાસ કર્યો. કોલેજ સમયમાં પણ એન.એસ.એસ.માં જોડાયેલો રહીને અભ્યાસની સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ કરતો રહ્યો. દરેક પ્રવૃત્તિમાં દિલથી કામ કરવાની અને કંઈક નવું શીખવાની કળા વિકસાવી. આમ કરતાં કરતાં હરચંદે ઘણા પુરસ્કારો પ્રાપ્ત કર્યા.
હરચંદ ચૌહાણે પ્રાપ્ત કરેલા પુરસ્કારોમાં વિશેષ પુરસ્કારરૂપે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સ્વયં સેવક પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા દેશના શ્રેષ્ઠ સ્વયં સેવક પુરસ્કારથી દેશના ભૂતપૂર્વ માનનીય મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના વરદ્દ હસ્તે દિલ્હીના રાષ્ટ્રપતિભવનમાં પિતાશ્રી શંકરભાઈ લાધાભાઈ ચૌહાણ અને હેમ.ઉ.ગુ.યુનિ. એન.એસ.એસ.ના કૉ-ઓર્ડિનેટર શ્રી ડૉ. જે.ડી.ડામોર સાહેબ અને માનવંતા મહેમાનોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યો. સરહદના સીમાડે આવેલા નાનકડા ગામડાના ખેતરમાં મજૂરી કરતા ખેડૂત પિતાએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એમનો દીકરો એક દિવસ દિલ્હીના રાષ્ટ્રપતિભવનમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિના વરદ્દ હસ્તે સન્માનિત થશે.હરચંદ ચૌહાણનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો પણ આ વ્યક્તિએ હંમેશ પોતાનું છોડીને બીજાની મદદ કરવાની ભાવના રાખી છે. હરચંદની સામે ઘણા પડકારો હતા અને આ બધા પડકારોનો સામનો કરીને હરચંદ ચૌહાણ આપણા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. હરચંદે અભ્યાસ દરમિયાન સિવિલમાં દાઝેલા દર્દીઓની સેવા કરતી વખતે રાત રોકાવુ પડે તો રોકાતા હતા. ઝુપડપટ્ટીના બાળકોને વિનામુલ્યે શિક્ષણના પાઠ ભણાવ્યા. અશક્તો અને વિધવા બહેનો માટે સામાજીક ઉત્થાનના કામો ઉપરાંત, ગામડાઓમાં જઇ વાર્તાઓ, ઉદાહરણો દ્વારા અંધશ્રદ્ધા હટાવવાની મથામણ કરી રહ્યાં છે. હરચંદે પોતાના જન્મદિનની ઉજવણી સામાજિક કાર્ય કરીને કરે છે. ગતવર્ષે હરચંદે પોતાના છત્રાલયમાં વિચાર ગોષ્ઠિ અને પુસ્તકમેળો અને રક્તદાન કેમ્પ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. હરચંદથી પ્રેરણા લઈને એમના ઘણા મિત્રોએ પોતાનો જન્મદિવસ કોઈ ક્રાંતિકારી વિચાર સાથે ઉજવવાનો નિર્ણય લીધો અને એમના ઘણાં મિત્રો સમાજ સેવામાં જોડાયા છે.જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા પણ ક્યારેય હિંમત હારી નહીં, અડગ મનથી હંમેશા જીવનના તમામ સંઘર્ષને સહર્ષ સ્વીકારી અને આગળ વધવાની કોશિશ કરીને સૌના સાથ અને સહકારથી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. હરચંદ ચૌહાણ અત્યારે લેખક, પ્રેરક વક્તા અને સ્વંય સેવક તરીકેની કામગીરી કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી ૧૫૦ સ્કૂલ, કોલેજ તેમજ અન્ય સંસ્થાઓમાં વક્તવ્ય આપ્યું છે. હરચંદ ચૌહાણે પોતાના જીવનમાં “પ્રથમ રાષ્ટ્ર, પછી માનવ સમાજ અને પછી જ હું” નામનું સૂત્ર આપ્યું છે અને સાર્થક કર્યું છે. હરચંદના જીવનનો અંતિમ ધ્યેય એ છે કે “આપણે સૌ રાષ્ટ્રનું પ્રેરણા રૂપ સંતાન બનીએ.”ખરેખર, જ્યારે આપણાં દેશના યુવાનો હરચંદ જેવું વિચારશે ત્યારે જ આપણો દેશ યુવાઓનો દેશ કહેવાશે.

લેખક: પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks