ગુજરાતમાંથી એક બાદ એક મહિલાઓ પર અત્યાચાર અને તેમની હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, આ ઉપરાંત સગીરાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. રોજે રોજ ગુનાહિત પ્રવૃત્તિઓના એવા એવા કિસ્સા સામે આવે છે જેના કારણે ચકચાર મચી જાય છે. હાલમાં સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ ઘણો ચર્ચામાં છે, ત્યાં સુરતમાંથી ગઇકાલના રોજ એક બીજી ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાએ એક તરફી પ્રેમીના ત્રાસને કારણે અગ્નિસ્નાન કરી લીધુ હતુ અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ, ત્યારે હવે વધુ એક ચકચારી જગાવે તેવી ઘટના સામે આવી છે. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
કેટલાક દિવસ પહેલા ગાંધીનગરમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે હવે સુરત અને ગાંધીનગર બાદ સોમનાથના વેરાવળમાંથી પણ ચકચારી જગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળમાં ઘરમાં એકલી રહેતી યુવતિ પર કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. હાલ આ યુવતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્થળ પરથી હથોડી અને એસિડની બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે..
ઘટનાની વિગત તપાસીએ તો, વેરાવળશના ટાગોર સોસાયટીમાં આવેલ મકાનમાં ગઇકાના રોજ સાંજનાં સમયે ઘટના બની હતી, જયારે યુવતિ ઘરમાં એકલી હતી ત્યારે અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. પરંતુ યુવતિએ બૂમાબૂમ કરી હતી જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ઘટનાસ્થળેથી એસિડની બોટલ મળી આવી હોવાથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એસિડ હુમલાના ઇરાદે વ્યક્તિ આવ્યો હશે. જો કે, એસિડની બોટલ સિવાય હથોડી પણ મળી આવી છે. ઘટનાની જાણ થતા પોલિસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલિસ અજાણ્યા વ્યક્તિ એટલે કે હુમલાખોરની શોધ કર રહી છે. પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હુમલાખોર કોણ હતો તેની પણ તપાસ હાથ ધરી છે.

મીડિયા રીપોર્ટ અનસાર, ભાવેશ જોશી અને તેમની પત્ની કે જેઓ વેરાવળના ટાગોરનગર-2માં હરભોલે નજીક રહે છે તેઓ કોઇ કારણસર બહાર ગયા હતા ત્યારે તેમની દીકરી કે જે લગભગ 22 વર્ષની છે તે ઘરે એકલી હતી. સાંજના સમયે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તે કંઇક સમજી શકે તે પહેલા જ તે વ્યક્તિએ યુવતિ પર હથિયારથી વાર કરી દીધો હતો. આ દરમિયાન યુવતિની નાની બહેન આવી ગઇ હતી અને ત્યારે તે વ્યક્તિ ભાગી ગયો હતો. ઘરમાં આવા દ્રશ્યો જોઇ નાની બહેન હેબતાઇ ગઇ હતી અને તેણે બૂમાબૂમ કરી મૂકી હતી જેના કારણે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને તે બાદ યુવતિને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ મામલે કાર્યવાહી કરતા પોલિસે હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. યશ કારીયા છેલ્લા કેટલાક વર્ષથી આ યુવતિ સાથે પ્રેમ સંબંધમાં હતો પરંતુ અણબનાવને કારણે તે ઉશ્કેરાઇ ગયો અને તેણે યુવતિ પર હુમલો કર્યાનું તપાસમાં સામે આવ્યુ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એમકોમનો અભ્યાસ કરતી યુવતિ રજા હોવાને કારણે તેના ઘરે ગઇ હતી અને સાંજે જયારે યુવતિ એકલી હતી ત્યારે તે એસિડની બોટલ લઇને આવ્યો હતો પરંતુ યુવતિ કંઇ સમજે તે પહેલા જ તેના પર હુમલાખોરે છરી વડે હુમલો કરી દીધો હતો. જો કે, પોલિસે આ ઘટનાની તપાસ ઝડપી હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ હુમલાખોરને ઝડપી પાડ્યો હતો.