સલામ છે ભાવનગરના આ લોકોને, જેમને કોરોનાથી મોતને ભેટેલા યુવકની પત્નીને પિયર પહોંચાડ્યા બાદ શબને વિમાન મારફતે વતન પહોચાડ્યું

ભાવનગરમાં રોજગાર માટે આવેલા યુવાનને ભરખી ગયો કોરોના, તો ભાવનગરના લોકો બન્યા તેનો સાચો સહારો.. પત્નીને પિયર..

વધતા જઈ રહેલા કોરોના સંક્ર્મણ વચ્ચે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો ઘણા લોકો પરિવાર વિહોણા પણ બની ગયા છે. આવા સમયે સગા સંબંધીઓ પણ દૂર રહેતા હોવાના ઘણા કિસ્સાઓ પણ આપણે જોયા છે, પરંતુ ભાવનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને માનવતાને મહેકાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિમાચલ પ્રદેશથી રોજગારી માટે આવેલા યુવાનને કોરોનાએ પોતાની ચપેટમાં લઇ લીધો હતો. જેના બાદ આ યુવાનનું અવસાન થવાના કારણે તેની પત્ની નિરાધાર બની હતી. આવા સમયે કોઈ સગા સંબંધીઓ તેની પાસે નહોતા ત્યારે ભાવનગર વાસીઓ તેની પાસે પરિવારની જેમ ઉભા રહ્યા. અને એટલું જ નહીં કોરોનાથી મોતને ભેટેલા આ યુવકની પત્નીને તેના પિયર છોડ્યા બાદ ફ્લાઈટમાં યુવકના મૃતદેહને તેના વતન પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ભાવનગરની અંદર રોજગાર માટે આવેલા સામાન્ય પરિવારના  અજય ઠાકુર અને તેની પત્ની વર્ષા  ભાડાના મકાનમાં રહેતા હતા. આ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને આવા સમયે ઓછા રોજગારમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આ પરિવારની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહોતી.

પરંતુ કાળ જાણે તેમનો પીછો કરી રહ્યો હોય તેમ અજય કોરોનાના સંક્ર્મણમાં ફસાયો, તેને સામાન્ય જ લક્ષણ હોવાના કારણે ઘરશાળા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલા અજયની તબિયત વધારે બગડવા લાગી જેના બાદ તેને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોતાના પતિની બીમારીમાં તેની પત્ની વર્ષા તેની સાથે રહેતી હતી. તે હોસ્પિટલની બહાર બેસી રહેતી. આ સમયે ઘરશાળા સંસ્થા અને તેના પૂર્વ વિદ્યાર્થીઓ સતત તેની સાથે રહ્યા. ઘરશાળા સંસ્થા અને ઇસ્કોન ક્લબ દ્વારા આર્થિક રીતે પણ તેમને મદદ કરવામાં આવી.

પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. કોરોના સામે જંગ લડી રહેલા અજયનું સારવાર દરમિયાન નિધન થયું અને વર્ષા પડી ભાંગી હતી. આ સમયે ઘરશાળા સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા તેને સતત હિંમત આપવામાં આવી. જેના બાદ ફલાઇટમાં વર્ષાને તેના પિયર એક યુગલ સાથે મોકલવામાં આવી અને તેના પતિના મૃતદેહને હિમાચલ પ્રદેશ તેના વતન પણ ફલાઇટ દ્વારા મોકલવામાં આવ્યો.  ભાવનગર વાસીઓનાં આ સુંદર કાર્યની પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.

Niraj Patel