રસોડાની ગેલેરીમાં બેસીને મોબાઈલ મચેડી રહ્યો હતો 22 વર્ષનો યુવક, અચાનક બન્યું એવું કે ચોથા માળેથી સીધો જ નીચે પટકાયો, મળ્યું દર્દનાક મોત, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે તો ઘણા લોકો કોઈ દુર્ઘટનાનો ભોગ બનીને પોતાનું જીવન ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાંથી એક મામલો હાલ સામે આવ્યો છે જેમાં એક યુવકના મોતનું કારણ મોબાઈલ ફોન બન્યો છે. યુવક ચોથા માળે ગેલેરીમાં બેસીને મોબાઈલ મચેડતો હતો ત્યારે જ અકસ્માતનો ભોગ બન્યો અને મોતને ભેટ્યો.
આજના સમયમાં મોબાઈલનું ચલણ ખુબ જ વધ્યું છે અને મોટાભાગના લોકોના હાથમાં આજે સ્માર્ટફોન છે. સ્માર્ટફોન દ્વારા લોકો પોતાનો સમય પસાર કરતા હોય છે. ત્યારે રસ્તામાં ચાલતા કે પછી સહેજ પણ સમય મળતા લોકો મોબાઈલની અંદર જ ડૂબેલા હોય છે. જે ઘણીવાર જોખમ કારક પણ સાબિત થાય છે. એવી જ એક ઘટનામાં સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા કિમ ગામમાં રહેતો જય પંચાલ પણ આ મોબાઈલની આદતના કારણે પોતાનો જવ ગુમાવી બેઠો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કિમ ગામના મેઈન બજારમાં આવેલ આર કે એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય જય પંચાલ નામનો યુવક રાત્રીના સમયે 10.30 કલાકે પોતાના ઘરમાં રસોડાની અંદર ગેલેરીમાં લોખંડની ગ્રીલ પર બેસીને મોબાઈલ મચેડી રહ્યો હતો. આ દરમિયાન જ ગ્રીલની જારી વાળી બારી ખુલ્લી હતી અને યુવકનું બેલેન્સ બગડતા જ તે ચોથા માળેથી નવકાર ગલીના સીસી રોડ પર નીચે પટકાયો હતો.

જય નીચે પટકાતા જ તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચ હતી. જેના બાદ તેને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર માટે કીમમાં આવેલી સાધના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત કહેર કર્યો હતો. યુવકના આમ અકાળે મોત બાદ પરિવાર અને મિત્રોમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.