રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને કારણે યુવાને જીવન ટૂંકાવ્યું, આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

10 ગણી રકમ ચૂકવી, સોનુ અને મકાન પડાવી લીધું છતાં પણ ના ઓછો થયો વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણીથી પરેશાન થઈને વેપારીએ જીવન ટૂંકાવ્યું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલો સામે આવ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક પણ વધ્યો છે અને તેમાં ત્રાસને લઈને પણ ઘણા લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

ત્યારે હાલ તાજો જ મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી પરેશાન થઈને એક કોલસાના વેપારી યુવકે આપઘાત કરીને પોતાના જીવનનો અંત લાવી દીધો. આપઘાત કરતા પહેલા વેપારીએ સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં ત્રણ વ્યક્તિઓનો નામજોગ ઉલ્લેખ પણ તેને કર્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વિનાયક નગરમાં રહેતા અને મોટામવામાં કોલસાનો વેપાર કરતા રવાભાઈ ઝપડાએ પોતાની જ દુકાનમાં ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું. આપઘાત અંગેની જાણ આસપાસના દુકાનદારોને થતા જ તેમને પરિવારને જાણ કરી હતી અને પરિવાર તાબડતોબ ત્યાં પહોંચી ગયો હતો.

ઘટનાની જાણ તથા પોલીસ પણ ત્યાં પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. જ્યાં પરિવારે આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. આ મામલે પોલીસે રવાભાઈ દ્વારા લખવામાં આવેલી એક સુસાઇડ નોટ પણ કબ્જે કરી છે. જેમાં તેમને ત્રણ વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ મામલે રવાભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે વ્યાજખોરોએ રવાભાઈનું સોનુ અને મકાન પચાવી પાડ્યું હતું. આ ઉપરાંત જેટલી રકમ રવાભાઈને વ્યાજે આપી હતી તેના કરતા 10 ગણી રકમ વસૂલવા છતાં પણ તે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. પરિવાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે રવભાઈની 15 વર્ષની દીકરીનું હવે કોણ ? આ ઉપરાંત વ્યાજખોરોને સજા મળવી જોઈએ તેવી માંગ પણ પરિવારે કરી હતી.

Niraj Patel