આગલા દિવસે થયુ દાદાનું અવસાન, હિંમત અને જુસ્સો દાખવી પોલીસ ભરતીમાં ધ્રાંગધ્રાના યુવાને દાદાની ઇચ્છા પૂરી કરવા 19.42 મિનિટમાં દોડ કરી પૂરી

એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, ઘણા લોકો પોતાના સપના સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, તો ઘણા લોકો પોતાના પરિવારના સપના સાકાર કરવા માટે કોઇ પણ હદ સુધી મહેનત કરતા હોય છે. પોતાના લક્ષ્ય પ્રત્યે એવા ઘેલા બની જાય છે કે જ્યાં સુધી તેઓ સફળતાના શિખર ઉપર ના પહોંચી જાય ત્યાં સુધી જંપતા પણ નથી. આવી ઘણી કહાનીઓ આપણી આસપાસ આપણે જોઈ અને સાંભળી પણ હશે. આવી જ થોડી કહાની સુરેન્દ્રનગરના ધ્રાંગધાના એક યુવકની છે. એક યુવકની ગોંડલ ખાતે પોલીસની શારીરીક પરીક્ષા ગત સોમવારના રોજ હતી.પરંતુ આગલા દિવસે દાદાના અચાનક મોતના સમાચાર સાંભળી તે ભાંગી પડ્યો હતો.

આ યુવક તેના પરિવાર સાથે સતત મોબાઇલથી સંપર્કમાં હતો અને તેણે સાંત્વના અને હિમ્મત પણ મેળવી હતી. આ .યુવકે તેના દાદાની ઇચ્છા પૂરી કરવા 19 મિનિટ 42 સેંકન્ડમાં દોડ પૂરી કરી હતી. આ દરમિયાન સુખ અને દુખ બંનેની લાગણી મિશ્ર બની હતી. આ યુવકનું નામ મામાણી મોહીનુદ્દીન મુસ્તાકભાઇ હતુ, તે રવિવાર સાંજના રોજ ગોંડલ પહોંચ્યો હતો અને આ દરમિયાન તેને અચાનક સમાચાર મળ્યાં કે તેના દાદાનું અવસાન થયું છે. આમ અચાનક આવેલા આ દુઃખદ સમાચારથી યુવાનને આધાત લાગ્યો હતો. પરંતુ તે સતત મોબાઈલ દ્વારા ઘરવાળા અને સંબંધીઓના સંપર્કમાં રહ્યો હતો. દાદાના અવસાનના બીજા દિવસે ગ્રાઉન્ડ પરીક્ષા હતી.

યુવાન દાદાના મોતના સમાચાર સાંભળી ખૂબ દુઃખી હતો.પરંતુ પરિવારે તેને સાંત્વના અને હિમ્મત આપી હતી અને દાદાની પોલીસની પરીક્ષા પાસ કરવાની ઇચ્છા પૂરી કરવા જણાવ્યું હતું. તે બાદ યુવાને ગોંડલના ગ્રાઉન્ડમાં પરીક્ષા આપવા ઉતર્યો. તેણે હિંમત જુસ્સો દાખવી, દાદાનું સપનું પૂરું કરવા 5 કિમી દોડ લગાવી અને આ દોડ 19 મિનિટ અને 42 સેકંડમાં પૂરી કરી હતી. આ અંગે યુવાને જણાવ્યું કે મેં દાદાનું સ્વપ્ન પૂર્ણ તો કર્યું પરંતુ હું દોડ પાસ કરી આવ્યોના સમાચાર તેમને ન આપી શક્યાનો વસવસો રહેશે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina