લેખકની કલમે

યાદનો રાજ્યાભિષેક – માનવ સ્વરૂપે મળેલ ભગવાનની વાત , ખૂબ જ હૃદયસ્પર્શી કહાની છે એકવાર વાંચશો તો આંખ ભીની થયા વગર નહી રહે !!

યાદનો રાજ્યાભિષેક

જીવનમાં આનંદ ને ખુશીની દરેક પળ બધાને આકર્ષિત કરતી હોય છે. તે દરેક માટે બરાબર હોય છે. અમીર હોય કે ગરીબ હોય બધાના માટે પોતાની ખુશી જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. બધાને પોત- પોતાની ખુશીની પડી છે તો મે જ શું ગુનો કર્યો છે ? શું હું એક પાલક પિતા સાથે રહું છુ એ મારો ગુનો ? શું એકલા વ્યક્તિના જીવનમાં કોઈ જ ખુશી કે કોઈ જ સપના નથી હોતા ? શું મે મારી ઈચ્છાઓની અંતિમવિધી કરી છે આ સમાજ માટે ? મારે મારા વિચાર પ્રમાણે જિંદગી જીવવાનો કોઈ અધિકાર નથી ? ના..ના..હું મારી ઈચ્છા, મારા સપના, મારી ખુશીને કોઇની માટે કે આ સમાજ માટે અંતિમસંસ્કાર તો નહી જ કરવા દવ, હું મારા સુખનો, મારી ખુશીનો આજે જ રાજ્યાભિષેક કરું છું. ભસ્યા કુતરા કરડે નહી !! આવું મને મારા પિતા વારંવાર સમજાવે છે જ્યારે હું આ સમાજની વાતો સાંભળી તેમને કહેતી હોવ ત્યારે, અને જ્યારે હું દુખી હતી, રડી રહી હતી..ત્યારે ક્યાં ગયો હતો આ સમાજ ?
મનમાં આવું કશુક વિચારતા વિચારતા શ્યામલી ચાલતા ચાલતા અંધારી ગલીઓમાં જઈને અથડાઈ પડી..તેને ખ્યાલ જ ના રહ્યો કે તે ક્યાં પહોંચી ગઈ છે વિચારોના વમળમાં અટવાઈને…એ વિચારોની ભૂલભૂલમણીમાં સાચે જ અજાણી જગ્યા પર આવી ગઈ હતી.

વર્ષો પહેલાની એ જ ચિચિયારીભર્યા અવાજ એના કાને અથડાય છે. એ જ બધી જૂની મેડીઓ, એ જ ગંદગી ભરેલી ખંડેર ને અંધારી ગલીઓ…હોય તેવું તેને લાગ્યું….ત્યાં જ તેની નજર સામે બે ત્રણ છોકરીઓ સિગારેટનો ધુમાડો ઉડાડતી મેડીના બારણાં પાસે ઊભી નજર પડે છે..તો બીજી જ નજરે કેટલીક છોકરીઓ માથામાં ગજરો ને હાથમાં મહેંદી લગાવી સોળે સણગાર સજીને કોઇની રાહ જોઈ રહી હોય તેવું તેને આછા પ્રકાશમાં કશું આછું આછું દેખાયું.
ને કશુક યાદ કરવા મથે છે ત્યાં જ તેની સાથે કોઈ તકરાય છે. ને દારૂના નશામાં ધૂત એ યુવાન શ્યામલીને પકડીને બોલે છે, ઓય હોય યે જવાની હૈ મસ્તાની… તું બોલ ઉતના પૈસા દૂંગા..મુજે એક રાત કે લિયે એશ કરા દે ” દારૂની બદબૂ, સિગારેટના ધુમાડાની વાસ ને એણે પહેરેલ શર્ટના ઉપરના ત્રણ બટન ખુલ્લા ને એમાંથી દેખાતો સાત્ત આઠ તોલાનો સોનાનો ચેન..જોઈને જ લાગતું હતું કે પૈસાદાર બાપની બગડેલ ઓલાદ હશે.

મહામુશીબતે શ્યામલીએ એના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો…આ વાતાવરણમાં તેનો દમ ઘૂંટાઈ રહ્યો હતો…તેને આ વાતાવરણમાથી જલ્દી બહાર નીકળવું હતું પરંતુ તેના પગ તેને સાથ આપતા ણ હતા…ચારેકોર સિગારેટના ધુમાડા, દારૂની બદબૂ, મોટે મોટેથી વાગતા ફિલ્મી ગીતોનો અવાજ ને જ્યાં જુઓ ત્યાં રૂપલલનાઓ અપ્સરા જેવી તૈયાર થઈને ઊભી હતી..કોઈ દરવાજા ખુલ્લા હતા તો કોઈ દરવાજા બંધ..કોઈ પોતાનું કામ પતાવી સારા ઘરના મર્દો પોતાનું મોઢું છૂપાવી જઈ રહ્યા હતા તો કોઈ આવી રહ્યા હતા.
આ બધાની વચ્ચેથી માંડ માંડ શ્યામલી પસાર તો થઈ ગઈ…પણ આજે તેને સુખનો, ખુશીનો રાજ્યાભિષેક કરવાની જગ્યાએ યાદોનો રાજ્યાભિષેક કર્યો હોય તેવું લાગ્યું.

માંડ માંડ ઘરે પહોચી ને શાંતિથી બેસે છે. તે નથી ઇચ્છતી કે તેને કોઈ ભૂતકાળ તયાદ આવે..પરંતુ આ શું ? જેમ જેમ વધારે મન મક્કમ કરતી હતી એમ એમ તેનો ભૂતકાળ પણ એ જ ગતિએ એને યાદ આવી રહ્યો હતો.
વર્ષો પહેલા માત્ર બારમાં ધોરણમાં તે ભણતી હતી ને તેને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે ને તે ભાગીને એ છોકરા સાથે લગ્ન કરે છે. સાવ આટલી નાની ઊંમરમાં જ તેને આટલું મોટું સાહસ કર્યાનું ગર્વ અનુભવતી હતી. પણ લગ્ન પછી ખયાલ આવ્યો કે આ ગુજરાતી ભલે બોલતો પણ કોઈ ગુજરાતી છોકરો નથી..મને ફસાવી છે…મારા નાનપણ ને ભોળપણનો ફાયદો ઉઠાવ્યો છે. હવે કરે તો કરે પણ શું ?

નથી એ કોઈ કામ ધંધો કરતો કે મને રાખી શકે…સાચવી શકે…આવી જ રીતે સારા ઘરની છોકરીઓને ફસાવવાનું કામ કરે છે બસ ને જલ્સા કરે છે…માત્ર 300 રૂપિયાના ભાડે રૂમ રાખી એ શ્યામલીને એ રૂમમાં રાખવા લાગ્યો.

ના ઘરમાં કોઈ વસ્તુ કે ના સારી વ્યવસ્થા..માતા પિતાના ઘરે લાડથી ઉછરેલ શ્યામલી તો આવા દગાબાજ સાથે ભાગીને લગ્ન કરીને ના ઘરની રહી કે ના ઘાટની..! આખો દિવસ ઘરની બહાર ભટક્યા કરે ને રાત્રે દારૂ ઢીંચીને ઘરે આવે ને શ્યામલી પાસે રોજ કલાકોના કલાકો સુધી પગ દબાવડાવે….પોતે તો ક્યારેય ઘરે જમે નહી ને શ્યામલી માટે કોઈ દિવસ રસોઈ બનાવવાની વસ્તુ પણ ના લાવી દે…આમ ને આમ એક મહિનો થયો…જેવુ તેવું ખાઈ પીને દિવસ પસાર કરે..આ તો શહેર પણ નવું ને લોકો પણ નવા શ્યામલીને કોણ મદદ કરે, કોણ આ ગંદગીમાંથી બહાર કાઢવામાં મદદ કરે ને કોણ આનું દુખ સાંભળે ? તે તો મનમાં ને મનમાં મુંજાયા કરતી..કયારેય એ નાનકડી રૂમની બહાર પણ જોવાની હિંમત નહોતી કરતી એટલી બધી તે એ દગાખોરથી ડરી ગઈ હતી. એ ના હોય તો પણ એના આવ્યાના જ ભણકારા વાગ્યા કરે મનમાં ને મનમાં.
શ્યામલીનું વ્યક્તિત્વ નાની ઉંમરે જ દબાઈ ગયું ને ચીમળાઈ ગયું..હવે એ બિચારી કરે તો પણ શું કરે.

જ્યારે મન પડે ત્યારે ઘરે આવે શ્યામલીનો પતિ ને જયારે મન પડે ત્યારે ને એટલીવાર શ્યામલીને વસ્તુ સમજી તેની ભૂખ મીટાવી તેને પાટુ મારી ઊભી કરે…બિચારી ઊભી પણ ના થઈ શકે તેવી તેની હાલત થઈ જતી. ને જ્યારે એ નજીક આવતો ત્યારે એના બદનમાંથી આવતી દારૂ ને સિગારેટના ધુમાડાની બદબુથી જ શ્યામલીને ચીતરી ચડતી..પણ હવે એ કરી પણ શું શકે ? કેટલુય રડે ટાયરે માંડ માંડ ઘરમાં ખાવાની ને રસોઈ બનાવવાની વસ્તુ ને થોડું શાક આવતું..એમાંથી થોડું શ્યાલમી કાચું રાશન સંતાડતી ને જ્યારે એ ઘરે ણ હોય ત્યારે તેના પૂરતું બનાવી ને જમતી ને પોતાના પેટની ભૂખને સંતોષતી.

આ ગંદગીમાંથી એ બહાર આવવાનું વિચારતી..પણ જવું તો કઈ રીતે ? તેને પૂરીને જ જતો એનો વર..એને બહાર નીકળવું હોય તો પણ તે નહોતી નીકળી શકતી..

એક દિવસ એની રૂમની સામે જ એક બારી એણે ખુલ્લી જોઈ..ત્યાં એક સ્ત્રી ઊભી હતી..આજે પહેલીવાર એ બારી ખુલ્લી જોઈ ને પહેલીવાર ત્યાં તેણે એ સ્ત્રીને જોઈ…

પહેલા તો એ ડરી ગઈ ને તેણે તેની બારી બંધ કરી દીધી ને પછી પછી હિંમત કરી ખોલી,,જોયું તો પેલી સ્ત્રીએ શ્યામલી સામે સ્માઇલ આપી……ને શ્યામલીએ પણ સ્માઇલ આપી…રોજ આવી રીતે તે બારીમાંથી એ સ્ત્રી સાથે મૌન ભાષામાં વાત કરવા લાગી..પછી ધીરે ધીરે તે થોડી વાતચીત કરવા લાગી..ને પછી તે સ્ત્રી શ્યામલીની મિત્ર બની ગઈ…શ્યામલી ભૂખી હોય તો તે બારીમાંથી તેના ઘરે વધેલી રસોઈ પણ આપી જતી…ને તેની સાથે થોડી હસીને વાત પણ કરતી.
એક દિવસ શ્યામલીએ પોતાની સાથે જે બન્યું એ બધુ કહીને ખૂબ રડી..પછી એ બાઈને શ્યામલીપર દયા આવી ને તેણે જ્યારે શ્યામલીનો વર ઘરે ણ હોય ત્યારે બહારથી બંધ કરેલ રૂમને ખોલી શ્યામલીને તેના ઘરે બેસવા બોલવાથી ને જ્યારે શ્યામલીનો વર ઘરે આવવાનો સમય થાય કે તરત જ તે શ્યામલીને તેના રૂમ પર મૂકી પાછું હતું એમ જ બહારથી દરવાજો બંધ કરી દેતી.

એ બાઈ પણ શ્યામલી જેવી જ કરમની કઠણાઇ અને નસીબની મારી હતી. એ પણ કોઈ મોટા બિઝનેસમેનની રખાત હતી..જ્યારે એ બિઝનેસમેનને મન થાય ત્યારે આવીને તેની સાથે મોજ મસ્તી કરી જાય ને એનો બધો ખર્ચો એ ઉઠાવતો…પણ એને ક્યારેય કોઈ જગ્યાએ બહાર જવાની મનાઈ હતી…કેમકે પેલો ગમે ત્યારે, ગમે તે સમયે આવે તો એને એની માટે તૈયાર જ રહેવું પડતું..એ શ્યામલીનું દુખ સારી રીતે સમજતી હતી. એટ્લે શ્યામલીને થોડી હૂંફ આપતી.

એક દિવસ તેણે શ્યામલીને આ નરકમાથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો…તેણે કહ્યું કે, મારા જેવો કોઈ પૈસાદાર માણસ ગોતી આપું એ તારો બધો ખર્ચ ઉપાડશે ને તારે એની રાખેલ બની રહેવાનુ.

આ સાંભળી શ્યામલી તો આખી હલી જ ગઈ ને આંખે અંધારા આવી ગયા..જિંદગીથી હારેલી, નસીબની મારેલી હવે શું શું જોવાનું બાકી રહ્યું એ વિચારે તેને ઊભું રહેવા પણ દીવાલનો સહારો લેવો પડ્યો ને આંખમાં આંસુ આવી ગયા. ને એક જ શબ્દ બોલી હે ભગવાન, મારા જેવુ નસીબ મારા દુશ્મનને પણ ના આપતો.

આખરે આ નરક કરતાં તો પેલું નરક સારું , એમ વિચારી તેણે હિંમત કરી ને આ નરકને કાયમ માટે છોડી દેવા ને બીજા નરક માટે તૈયાર થઈ ગઈ.

પહેરવા માત્ર બે જોડી કપડાં જ હતા એ પણ ફાટેલા..બાકી તો એની પાસે કશું હતું નહી…એટ્લે એ પેલી બાઈ જ્યાં લઈ ગઈ ત્યાં જાય છે.

બધુ એકદમ નવું નવું…પરંતુ પેલી ગંદગી કરતાં તો સારું લાગ્યું ને અચાનક જ તેની સામે પચાસ વર્ષનો પુરુષ આવ્યો..તેને જોતાં જ તે ડઘાઈ જાય છે…માત્ર સતાર વર્ષની શ્યામલી તો આખી ધ્રુજી જ ગઈ ને પેલો સમજી ગયો કે આ છોકરી સારા ઘરની છે ને તેને આ પગલું કોઈ મજબૂરીના કારણે જ ભરવું પડ્યું છે ને તે કોઇની લાચારી ને મજબૂરીનો ફાયદો ઉઠાવવા નહોતો માંગતો. ને તેણે શ્યામલીને દીકરી તરીકે સંબોધી કહ્યું..

“દીકરી, એવી તે શું મજબૂરી છે આટલી નાની ઉંમરમાં કે તારે આવું પગલું ભરવું પડ્યું ? ”

ઘણા સમય પછી કોઈએ દીકરી કહ્યું, આ સાંભળી શ્યામલીને થોડો હાશકારો તહયો ને થોડું કોઈ પોતાનું મળ્યું હોય તેવો અહેસાસ થયો…ને તેણે તેના જીવનની બધી જ કહાની કહી સંભળાવી.

આ સાંભળી વર્ષો પહેલા તેમની પણ દીકરીએ સાસરે દુખના કારણે આપઘાત કર્યો હતો એ યાદ આવી જતાં….તેમણે શ્યામલીને દીકરી જ બનાવી લીધી ને કહ્યું કે , આજથી તું મારી દીકરી ને હું તારો બાપ….તું હજી ખૂબ નાની છે ને જિંદગી આખી બાકી છે…. તારે ભણવું હોય તો હું તને ભણાવીશ ને તને મારી દીકરી જેમ મારા ઘરે રાખીશ..જો તને મારા પર વિશ્વાસ હોય તો ? બાકી ભગવાને આપેલ બધુ જ છે મારી પાસે નથી તો દીકરી નથી ને આજે ભગવાને મને આપી છે.
ને ત્યારબાદ શ્યામલીએ પાછો અભ્યાસ શરૂ કર્યો, ભણી ને પોતાના પિતાનો જ કારોબાર સંભાળી રહી છે… આજે વીસ વર્ષ થયા….આ વાતને ક્યારેય એવો અહેસાસ એ વ્યક્તિએ નથી થવા દીધો કે શ્યામલી તેની સગી દીકરી નથી.ને શ્યામલીએ પણ એમની સેવા સગી દીકરી નહી પણ દીકરો બની કરી..ક્યારેય તેણે ફરી લગ્ન કરવાનું ના વિચાર્યું કે ના તેના સગા માબાપ પાસે જવાનો પ્રયત્ન કર્યો…માણસ સ્વરૂપે મળેલ ભગવાનની સેવા કરવામાં જ જીવન વિતાવવાનું તેણે નક્કી કર્યું હતું.
આખો ભૂતકાળ યાદ આવી ગયો ને એ માનવ સ્વરૂપે મળેલ ભગવાનના ચરણ સ્પર્શ કરી તેના રૂમમાં જઈને સૂઈ જાય છે. ને સાતેય જનમ આવા જ પિતા મળે એવી ભગવાન ને પ્રાર્થના કરી પોતાની ખુશી માટે જીવશે..પોતાના પિતાની ખુશી માટે જીવશે એવો મકકમ નિર્ણય કરી સૂઈ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.