દિલધડક સ્ટોરી લેખકની કલમે

રોંગ નંબર – ક્યારેય લોહીના સંબંધ કરતાં પણ વધારે ગાઢ હોય છે લાગણીથી જોડાયેલા સંબંધ, વાંચો એવા જ માં – દીકરાની કહાણી..તમારી આંખ પણ ભીંજાય જશે !!

રોંગ નંબર

“ હેલ્લો, મમ્મી મને પેટમાં બહુજ દૂ:ખે છે,” કહેતાં કહેતાં નવ વરસનો જય રડી પડ્યો.ત્યાં સામેથી અજાણી સ્ત્રીનો અવાજ આવ્યો “હેલ્લો,કોણ ?”
જય વિચારમાં પડી ગયો.આ વળી કોને નબર લાગી ગયો,વિચારીને જય ફોન મૂકવા જતો હતો ,ત્યાં સામેથી ફરી અવાજ આવ્યો.”બેટા,રડે છે કેમ? તારું નામ શું છે?”

“આન્ટી મારૂ નામ જય છે,મને વીસ મિનિટથી પેટમાં બહુજ દૂ:ખે છે, એટ્લે શું કરવું,તે પૂછવા મે મારી મમ્મીને ફોન લગાવ્યો હતો” જયે રડતાં રડતાં જવાબ આપ્યો.

“બેટા એક કામ કર, તારા ઘરમાં હિંગ પડી હોય તો, તે પાણીમાં પલાળીને પેટ ઉપર લગાવી દે,આરામ પડી જશે.” આંટીએ ઉકેલ આપ્યો.
જય ખુશ થઈ ગયો.આંટીએ જેમ કહયુ તેમ કરવાથી તેનો પેટનો દૂ:ખાવો પાંચ મિનિટમાં ગાયબ થઈ ગયો.
ફોનમાંથી તેજ નંબર રીડાયલ કર્યો.”થેંક્યું આન્ટી ,મને હવે પેટમાં ખુબજ આરામ છે.”

“બેટા,તારે ઘેર કોઈ નથી ? તું ક્યાંથી બોલે છે?” સામેથી આંટીએ પૂછ્યુ .

“ના મારા પપ્પા બેંકમાં મેનેજર છે.અને મમ્મી સરકારી ઓફિસમાં નોકરી કરે છે. મારે સવારની સ્કુલ હોવાથી, બપોરના હું એકલો જ ઘેર હોઉ છુ .હું અહી અમદાવાદમા નારણપુરાથી બોલું છુ.” જયે વિગતવાર ફોડ પાડતાં કહયું.

પછી તો આન્ટી જોડે જયને દોસ્તી થઈ ગઈ.તેણે આંટોનો નંબર સેવ કરીને તેમાં નામ લખ્યું “રોંગ નંબર આન્ટી”.
બોપોરે જય ઘેર એકલો હોય એટ્લે જય આંટીને ફોન જોડીને વાતો કર્યો કરે. આન્ટી તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો?” જયે પૂછ્યુ .

“બેટા મારૂ નામ જ્યોતિ છે. હું અહી વરોદરામાં રાવપુરામાં રહું છુ.”

“આન્ટી,તમારે કોઈ છોકરા નથી?” “બેટા,મારે પણ તારા જેટલોજ નવ વરસનો મુન્નો હતો,પણ…..”કહેતાં આંટીનો અવાજ ભારે થઈ ગયો.

“પછી શું થયુ ?” જયને પણ હવે વાતમાં રસ પડી ગયો.”બેટા,તારા અંકલ અને મારો લાલો એક દિવસ સ્કૂટર ઉપર રાવપુરાથી ન્યાયમંદિર જતાં હતા,ત્યાં પાછળથી એસ.ટી.બસે જોરદાર ટક્કર મારી અને મારો લાલો ત્યાંજ દેવલોક પામ્યો.અંકલને માથામાં બ્લીડિંગ થવાથી કોમામાં રહ્યા પછી એ પણ મને છોડીને જતાં રહયા.” કહેતાં કહેતાં આન્ટી રડી પડ્યા.
“આન્ટી,તમે રડશો નહિ,મને પણ તમારો મુન્નોજ માનજો.હું તમને એકલાં નહિ પાડવા દઉં.” જયે પોતાની બાલભાષામાં આંટીને સમજાવ્યા. પછી તો લગભગ બન્ને વચ્ચે દરરોજ વાત થવા લાગી. જય તેની ભાષામાં આંટીને તેના મમ્મીને લેશન કરવા કેવો ધમકાવ્યો,ટીચરે તેણે કેવી સજા કરી વિગેરે વાતો કરતો .જ્યોતિ ખાંડેકરને પણ આમદવાદના જય સાથે વાત કરવાની મજા આવતી હતી. અમદાવાદ તો તેનું પિયર હતું. તેને કોલેજકાળના સોનેરી દિવસો યાદ આવી ગયા. લાલ દરવાજામાં મહારાષ્ટ્ર સોસાયટીમાં તેનું ઘર,અને દિનભાઇ ટાવર સામે આર્ટ્સ કોલેજ ચાલતાજ પાંચ મિનિટમાં કોલેજ પહોંચી જાય. તેને ગ્રૂપના છ છોકરાઓ અને પાંચ છોકરીઓ સાથે સૌથી વધારે બનતુ.
તેને યાદ આવી ગયો ફાઇનલયરનો વેલેન્ટાઇનડે. ખગેશે સામેથી તેને ફૂલોનો બુકે અને “આઇ લવ યુ “ કહયું,ત્યારે તે પાણી પાણી થઈ ગઈ,અને પછીતો બન્ને એકેમેકમાં ખોવાઈ ગયા.

ગ્રેજ્યુએટ થયા પછીનો એ મનહૂસ દિવસ પણ તેનાથી ભૂલતો નહોતો.ખગેશ તેના હાથ માટે તેને ઘેર આવેલ,પણ તેના પપ્પા જુનવાણી વિચારના હતા.તેમણે ગુજરાતી છોકરા સાથે લગ્નની સ્પષ્ટ ના જ પાડી દીધી,અને ઝડપથી જ્યોતિના લગ્ન મરાઠી યુવક સાથે કરી, વડોદરા સાસરે વળાવી દીધી.

પછી તો કેટલા બધા વરસો વીતી ગયા? શું કરતો હશે ખગેશ? કોને ખબર ?? પછીના વરસો તો જ્યોતિના મનમાંથી કેલેન્ડર ના પાનાની જેમ ફરફરી ગયા.મુન્નાનો જન્મ તેને સ્કુલે મૂકવો,તેના પપ્પા અને મુન્નાનો પ્રેમ એક સાથે મગજમાંથી પસાર થઈ ગયા.
યાદ આવીએ મનહૂસ સાંજ જ્યારે આજ મોબાઇલમા રાવપુરાથી પોલીસનો ફોન આવ્યો હતો.”જલ્દી આવો,તમારા પતિને અકસ્માત થયો છે.” પછી તો બન્નેના મોત અને સાવ એકલવાયું જીવન! વાર જીંદગી પણ કેટલા રંગ બદલે છે? સુખ પછી દૂ:ખ અને પાછું વળી સુખ અને દૂ:ખ.

પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તેને રોજ બપોરે કંપની આપનાર જય મળી ગયો હતો, તેથી તે ખુશ હતી. પંદર દિવસ સુધી જાણો ફોનના આવતા તે ચિંતાતુર બની ગઈ,અને વિચારતી હતી કે હું સામેથી ફોન કરું કે ના કરું ?

ત્યાં તો અચાનક તેના મોબાઇલમાં જય તો ફોન રણકી ઉઠ્યો.” આન્ટી,સોરી હું પંદર દિવસે ફોન કરું છુ,પણ બહુ ખરાબ સમાચાર છે.” જયે રડતાં રડતાં કહયુ.
“શું થયું બેટા? કેમ પંદર દિવસથી ફોન નહતો કરતો? જ્યોતિ આન્ટી પણ ચિંતામાં બોલી “આન્ટી મારી મમ્મીને સ્વાઇન ફ્લૂ થયો હતો.દશ પંદર દિવસ હોસ્પીટલમાં દાખલ કરી મહેનત કરી પણ…. મમ્મી અમને છોડીને ચાલી ગઈ.” જયે રડતાં રડતાં કહયુ .

“”બેટા રડીશ નહિ,સારા માણસોને ભગવાન વહેલા બોલાવી લે છે.”કહેતાં કહેતાં જ્યોતિ પણ રડી પડી. બીજા દિવસે બોપોરે સાવ નિરાશ જયને ફોન આવ્યો .”આન્ટી,હવે મને જીવવાનું ગમતુજ નથી.પપ્પા પણ સૂનમૂન થઈ ગયા છે.અમે બન્ને એ ગઇકાલથી કાઇં ખાધુજ નથી.”

“બેટા,આવું ના કરાય,દુનિયામાં આવ્યા છીએતો જીવવુતો પડશેજ ને !” આંટીએ સમજાવતાં કહયુ “મારે તારા ઘેર અમદાવાદ આવવું પડશે.”
જયે રડતાં રડતાં ઘરનું સરનામું લખાવ્યુ . જ્યોતિએ તરતજ આમદવાદની બસ પકડી. સાંજે અમદાવાદ પહોંચી સીધી રિક્ષા દોડાવી નારણપુરા જયના ઘર તરફ.

ગ્રાઉંડફ્લોર પર આવેલ એક નંબરના ફ્લેટમાં દરવાજા ખુલ્લાં હતા. બહાર બે ત્રણ માણસો સફેદ કપડામાં આંટામારી રહયાં હતા. ઘરની અંદર સ્મશાનવન શાંતિ હતી.

સફેદ કપડામાં ખગેશ તેની પત્નીના ફોટા સામે સૂનમૂન બેઠો હતો. દુરથી ખગેશને જ્યોતિ ઓળખી ગઈ.ખગેશ પણ તેને જોઈ અચરજથી ઊભો થઈ ગયો.

“અરે! ખગેશ તું અહી ક્યાંથી ?” જ્યોતિએ નવાઈ પામતાં પૂછ્યુ.

“આ મારૂજ ઘેર છે,મારી પત્નીનું સ્વાઇન્ ફ્લુથી મોત થય છે. પણ તું અહી કેમ જ્યોતિ?” ખગેશ બધુ સમજાવતાં કહયુ.

“હું તો જય ને મળવા આવી છુ,તેની જ્યોતિ આન્ટી છું. પણ તું તો શહેરમાં પોળમાં રહેતો હતો ને? જ્યોતિને અનેક પ્રશ્ન મનમાં થવા લાગ્યા.
“એ ઘર તો અમે દશ વરસ પહેલા વેચીને આ ફ્લેટમાં રહેવા આવી ગયા છીએ.” ખગેશે ફોડ પાડતાં કહયુ ,તેને મનમાં ખ્યાલ આવી ગયો કે આ એજ જ્યોતિ આન્ટી છે,જેની સાથે જય દરરોજ વાતો કરે છે,કે જેના પતિ અને મુન્નો અકસ્માતે મૃત્યુ પામેલ છે, અને સાવ એકલવાયુ જીવન જીવે છે.અંદરથી મુન્નાને ખબર પડતાં દોડતો આવી, “જ્યોતિ આન્ટી જ્યોતિ આન્ટી” કહી વળગી પડ્યો. રડતાં રડતાં બોલ્યો. “આન્ટી અમને છોડીને મમ્મી વહેલી ભગવાનને ઘેર પહોંચી ગઈ.”

જ્યોતિ તેને સાંત્વન આપતી ફોટા સામે હાથ જોડીને બેસી ગઈ. દશ મિનિટ સુધી ત્રણેની આંખોમાંથી ટપક ટપક આંસુ પડી રહયાં હતા.
છેવટે જ્યોતિ ઊભી થવા ગઈ,અને જયે તેનો હાથ પકડી લીધો.”આન્ટી,અમને એકલાં મૂકીને તમારે ક્યાંય જવાનું નથી.”

ખગેશે તેનો બીજે હાથ પકડી લીધો અને કહયુ “જ્યોતિ હવે તો તારા પપ્પા ના નહિ પાડે ને ! અહીજ રોકાઈ જા.”

જ્યોતિને તો જાણે મુન્નો અને તેના પપ્પા એક સાથે મળી ગયા.તે અવાક બનીને વિચારીને બોલી.” ચાલો તમારે માટે જમવાનું શું બનાવું?”
જય ને રોંગ નંબર આન્ટી ફળી ગઈ.તેણે ડાયરીમાં રોંગ નંબર આન્ટી નામ સુધારીને નવી મમ્મી કરી નાખ્યુ.

લેખક : ડો.હર્ષદ વી. કામદાર

એમડી.ડી.પેડ,ડી.સી.એચ(મુંબઈ)

એફ.આઈ.સીએ(યુએસએ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks