આજનો યુગ ભાગદોડ ભરેલો છે, સારું જીવન બનાવવા માટે માણસ દિવસ રાત મહેનત કરે છે. આજના માનવી પાસે બે ટાઈમ શાંતિથી જમવા માટેનો પણ સમય નથી. જે સમયે જે મળી જાય એ ખાઈને પેટ ભરતો હોય છે. ત્યારે બહારનું વધુ કોલેસ્ટ્રોલ વાળો ખોરાક ખાવાના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલેલનું પ્રમાણ વધી જવાનો હંમેશા ભય રહે છે.

વધતું જતું કોલેસ્ટ્રોલ શરીર માટે ઘણું જ નુકશાન કારક છે. શરીરની મોટાભાગની બીમારીઓનું કારણ પણ વધતું જતું કોલેસ્ટ્રોલ જ છે. વધારે કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવવાનો ખતરો પણ વધી શકે છે.

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જેમાં એક સારો કોલેસ્ટ્રોલ અને બીજો ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકશાન દાયક છે. જયારે સારો કોલેસ્ટ્રોલ શરીર માટે ફાયદાકારક છે. કેટલીક વસ્તુઓના ખાન-પાન દ્વારા તમે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી અને સારા કોલેસ્ટ્રોલને વધારી શકો છો.

તો ચાલો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશું જેના કારણે તમે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડી શકશો.

ડ્રાયફ્રુટ:
ડ્રાયફ્રૂટમાં વધુ માત્રામાં ફાયબર હોવાના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે તેમજ પેટ સંબંધિ અને હૃદય સંબંધી કેટલીક સમસ્યાઓ પણ દૂર થતી હોય છે. આ સિવાય અલગ અલગ ડ્રાયફ્રૂટમાં ઘણાબધા વિટામિન, મિનરલ્સ અને એંટીઓક્સીડેંટ્સ હોવાના કારણે શરીરમાં થતા ગંભીર રોગોથી આપણને બચાવે છે. કોલેસ્ટ્રોલ યોગ્ય માત્રામાં જાળવી રાખવા માટે તમે કાજુ, બાદમ, અખરોટ અને પિસ્તા ખાઈ શકો છો. આ સિવાય સૂકું નારિયેળ પણ તમારા માટે ફાયદાકારક રહેશે. બદામ અને અખરોટને રાત્રે પલાળી રાખી અને સવારે ખાવામાં આવે તો પણ તે ઘણા અંશે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકે છે. જમ્યા બાદ અખરોટ ખાવામાં આવે તો પણ હૃદયની બીમારીનો ખતરો ઓછો રહે છે.

સોયાબીન:
સોયાબીન પણ તમારા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાવવામાં મદદ રૂપ થઇ શકે છે. સોયાબીનને જો રોજ ખાવામાં આવે તો શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને 6% સુધી ઘટાડવામાં મદદ કરે છે. સોયાબીનની બનેલી કેટલીક વસ્તુઓ પણ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લીંબુ તેમજ ખાટ્ટા ફળો:
લીંબુ તેમજ ખાટ્ટા ફળોમાં ઓગળી શકે તેવા ફાયબર રહેલા હોય છે જે પેટમાંથી જ રક્તવાહિનીઓમાં જતા ખરાબ કોલેસ્ટ્રોલને રોકી દે છે. આવા ફળોમાં રહેલું વિટામિન સી પણ રક્તવાહિનીઓની સફાઈ કરે છે અને તેનાથી જ પાચનતંત્ર દ્વારા શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જાય છે. સવારે થોડા ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.

ઓલિવ ઓઇલ:
કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ તેલ હોય છે. બહાર મળતી મોટાભાગની વસ્તુઓ તેલમાં જ બનાવવામાં આવે છે જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. તમારા ઘરે જો તમે ઓલિવ ઓઇલમાં બનાવેલું જમવાનું રોજ જમો છો તમારા શરીરમાંથી તમે 8% સુધી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી શકો છો.

લસણ:
વૈજ્ઞાનિકો દ્વારા કરેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો રોજ લસણની બે કળીઓ ખાવામાં આવે તો શરીરમાંથી 9 થી 15% સુધી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. આ સિવાય લસણ હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

ઓટ્સ:
આજકાલ સવારે નાસ્તામાં ઓટ્સ ખાવાનું ચલણ વધ્યું છે જે શરીર માટે ખુબ જ સારું છે. ઓટ્સમાં બીટા ગ્લુકેન રહેલું છે જે આંતરડાની સફાઈ કરે છે અને કબ્જને પણ દૂર રાખે છે. રોજ રોજ ઓટ્સ ખાવામાં આવે તો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને 6% સુધી ઘટાડી શકાય છે.

અળશી:
અળસીનું સેવન પણ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે. આજે અળસીનો મોટાભાગે મુખવાસમાં ઉપયોગ કરવામાં આવે છે. અળસીનું નિયમિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર રાખે છે.

ગ્રીન ટી:
ગ્રીન ટી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. તેમજ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાવે છે. બસ ગ્રીન ટીની અંદર દૂધ અને ખાંડ ના ઉમેરવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક છે.

લાલ ડુંગળી:
વધતા જતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે પણ લાલ ડુંગળી ઘણી જ ફાયદાકારક છે. જો રોજ એક ચમચી ડુંગળીના રસમાં મધ ઉમેરી પીવામાં આવે તો ઘણો જ ફાયદો થઇ શકે છે.

બાફેલા કઠોળ:
બાફેલા કઠોળ ખાવા શરીર માટે ઘણા જ ફાયદા કરાક હોય છે. જેનું રોજ સેવન કરવામાં આવે તો શરીર મજબૂત પણ રહે છે સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટી શકે છે.