આ દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ હોય છે જેના રહસ્યો આજે પણ આપણને વિચારમાં મૂકી દે. આજે અમે તમને એવા જ એક રહસ્યમય આઇલેન્ડ વિશે જણાવવાના છીએ જેના ઉપર એક સમય 1.6 લાખ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

આ આઇલેન્ડ ઇટલીમાં આવેલો છે જ્યાં જવા ઉપર પણ ઈટલી સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કારણ કે આ આઇલેન્ડ ઉપર જે પણ ગયું છે તે ક્યારેય પાછું નથી આવ્યું. આ આઇલેન્ડનું નામ જ “ડેથ આઇલેન્ડ” છે.

આ ખુબ જ ડરામણો આઇલેન્ડ વેનિસિયા ઝીલના નોર્થમાં આવેલો છે. આ રહસ્યમય અને ખતરનાક આઈલેન્ડને પોવોગલિયા આઇલેન્ડના નામે પણ ઓળખવામાં આવે છે. આ આઇલેન્ડ સાથે એક દર્દનાક કહાની પણ જોડાયેલી છે.

એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા આ આઇલેન્ડ ઉપર પ્લેગના દર્દીઓને રાખવામાં આવતા હતા અને અહીંયા લાવી તેમને મરવા માટે છોડી દેવામાં આવતા હતા. મૃત્યુ પામનાર વ્યક્તિઓને પણ અહીં જ દફન કરી દેવામાં આવતા હતા. ધીમે ધીમે અહીંયા પ્લેગના દર્દીઓની સંખ્યા પણ વધતી ગઈ.

એવું પણ કહેવાય છે કે આ આઇલેન્ડના એક સનકી અધિકારીએ પ્લેગના આ દર્દીઓથી છુટકારો મેળવવા માટે એક ખુબ જ ભયાનક પગલું ભર્યું. લગભગ 1 લાખ 60 હજાર જેટલા દર્દીઓને અહીંયા જીવતા સળગાવી દેવામાં આવ્યા. ત્યારબાદથી જ આ આઈલેન્ડને ભૂતિયા આઇલેન્ડ માનવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે ઉજ્જડ બની ગયો.

ઈટલીની સરકાર દ્વારા આ જગ્યા ઉપર 1922માં એક મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી. પરંતુ થોડા સમય બાદ જ તેને બંધ કરવી પડી. એવું પણ કહેવામાં આવે છે કે આ મેન્ટલ હોસ્પિટલના ડોકટરો, નર્સ અને દર્દીઓને અહીંયા અલગ અલગ પ્રકારની ભૂતિયા વસ્તુઓ દેખાતી હતી અને તેમને અજીબો ગરીબ અવાજ પણ સંભળાતા હતા. દર વખતે તેમને એમ લાગતું હતું કે કોઈ અહીંયા ચીસો પાડી રહ્યું છે, ક્યાંક કોઈ રડી રહ્યું છે, ક્યાંકથી કણસવાનો અવાજ આવતો હતો, આ ઉપરાંત તેમને ડરામણા અને ભયાનક અવાજો પણ સંભળાતા હતા.

મેન્ટલ હોસ્પિટલ બંધ થયા બાદ વર્ષો સુધી આ આઇલેન્ડ વિરાન જ પડી રહ્યો. વર્ષ 1960માં ઈટલીની સરકારે તેને કોઈને વેચી દીધો. તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે અહીંયા રહેવા માટે આવ્યો. પરંતુ વધારે સમય સુધી તે પણ અહીંયા રહી ના શક્યો. તેની સાથે પણ અહીંયા વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગી. એવું પણ કહેવાય છે કે ભટકતી આત્માઓએ તેનું અહીંયા રહેવું પણ મુશ્કેલ બનાવી દીધું હતું. તે પણ જલ્દી જ પોતાનો જીવ બચાવીને અહીંયાથી ભાગ્યો.

હવે આ આઇલેન્ડ સંપૂર્ણ રીતે વિરાન પડેલો છે. અહીંના સમુદ્રમાં માછીમારો માછલી પકડવા પણ નથી આવતા. પહેલા ઘણીવાર તેમની જાળમાં માણસોના હાડકા પણ ફસાયા છે.