આજે શુક્રવારે વહેલી સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મધ્યપ્રદેશ તરફ જતી ઔરંગાબાદથી ટ્રેન પકડવા ચાલીને જઈ રહેલા પ્રવાસી મજૂરો થાકને લીધે રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા. સવારે આશરે ૬ વાગ્યે ગુડ્સ ટ્રેન તેમના પર ફરી ગઈ! ૧૪(કે ૧૫) મજૂરોનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી આ દારૂણ ઘટનાનાં દ્રશ્યો કંપાવી જાય તેવાં છે. લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારનાં કહેવાથી વિવિધ રાજ્યોની સરકારો મજૂરોને પોતપોતાનાં રાજ્યમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવા ગોઠવણ કરી રહી છે ત્યારે રોજીરોટીની ચિંતામાં આ મજૂરોએ હિજરત કરી હોવાનું જાણવામાં આવે છે.
મળતા અહેવાલ આ મજૂરો મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. વહેલી તકે તેમને ઔરંગાબાદથી જતી ટ્રેન પકડવાની હતી એટલે ચાલીને જ રસ્તો કાપતા હતા. રેલ્વે ટ્રેકની પાસેથી જ તેઓ પંથ કાપતા હતા. રાત્રે થાકીને રેલ્વેના પાટા પર જ સૂઈ ગયેલા. વહેલી સવારે ટ્રેક પરથી પસાર થતી માલગાડી તેમના પર ફરી વળી અને ૧૪ મજૂરોનું મૃત્યુ થયું.

મળતી માહિતી મુજબ, આ મજૂરો સ્ટીલની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સવારે ટ્રેક પર રોટલીઓ, ચપ્પલો વગેરે વસ્તુ અહીંથી તહીં વેરાયેલ જોવા મળી હતી!
બદનાપુર અને કરમાડની વચ્ચે આ ભયાવહ ઘટના ઘટી છે. સવારમાં ગાઢ નીંદરમાં પોઢી રહેલા આ મજૂરોને ટ્રેનનો અવાજ નહી સંભળાયો હોય અને એ જ ટ્રેન તેનાં મોતનું કારણ બની! ઘટના સ્થળ પર સ્થાનિક પ્રશાસનીય બળોની હાલ મોજૂદગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ખેદ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું છે આ જાનહાનિથી તેઓ ભારે વ્યથિત છે. રેલ્વેમંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી છે અને તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના
Author: કૌશલ બારડ- GujjuRocks Team