ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપમાં જીત હાંસિલ કરી, પરંતુ આ પાકિસ્તાની ટેણકીએ જીતી લીધું ટીમ ઇન્ડિયાનું દિલ, જુઓ

ક્રિકેટનો ક્રેઝ આખી દુનિયામાં છવાયેલો છે. ત્યારે હાલમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ છે, જેમાં ભારતે રવિવારે (6 માર્ચ) માઉન્ટ મૌનગાનુઇ ખાતે જીત સાથે ICC મહિલા વિશ્વ કપમાં તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 107 રનથી જીતી લીધી હતી, પરંતુ એક પાકિસ્તાની છોકરીએ ભારતીય મહિલા ટીમની ક્રિકેટરોનું દિલ જીતી લીધું હતું. પાકિસ્તાની કેપ્ટન બિસ્માહ મારૂફ પોતાની દીકરી સાથે મેચમાં પહોંચી હતી. ભારતીય મહિલા ટીમ તેની નાની દીકરી સાથે રમતી જોવા મળી હતી.

ICCએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓ મારૂફ અને તેની પુત્રી સાથે તસવીર માટે પોઝ આપતાં જોઈ શકાય છે. પાકિસ્તાની ટીમને હરાવ્યા બાદ એકતા બિષ્ટ પહેલા પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં ગઈ હતી. એકતાએ મારૂફની સાત મહિનાની દીકરીને લાડ લડાવી અને તેની સાથે રમવા લાગી. ત્યારબાદ ધીરે ધીરે ઘણી ભારતીય મહિલા ખેલાડીઓ ત્યાં પહોંચી.

મારૂફની પુત્રી ફાતિમાની સાથે ભારતની સ્ટાર ખેલાડીઓ હરમનપ્રીત કૌર, ઝુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના અને વિકેટકીપર રિચા ઘોષ પણ હતા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે મેન્સ વર્લ્ડ કપ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાની ઓપનર મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યો હતો. આ પછી બંને ટીમના ખેલાડીઓ લાંબા સમય સુધી એકબીજાની વચ્ચે વાતો કરતા જોવા મળ્યા. ત્યારબાદ મેચ હારવા છતાં ભારતીય ખેલાડીઓની આ ભાવનાના વખાણ કરવામાં આવ્યા હતા.

મહિલા વિશ્વ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 50 ઓવરમાં સાત વિકેટે 244 રન બનાવ્યા હતા. ટીમ તરફથી પૂજા વસ્ત્રાકરે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. સ્નેહ રાણાએ અણનમ 53 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 52 અને દીપ્તિ શર્માએ 40 રનનું યોગદાન આપ્યું હતું. આ ચાર સિવાય કોઈ પણ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહોતા.

245 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની આખી ટીમ 43 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે ચાર વિકેટ લીધી હતી. ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાને બે-બે સફળતા મળી. ભારતીય ટીમની આગામી મેચ 10 માર્ચે હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે થશે.

Niraj Patel