દુઃખદ સમાચાર: પોરબંદરમાં ફુલસ્પીડમાં આવેલી કારની ટક્કરે મહિલા TRB જવાનનું મોત, બે લોકો પુલથી નીચે પડ્યા
ગુજરાતમાંથી ઘણીવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. પોરબંદરમાં એક પૂરપાટ કારે અકસ્માત સર્જયો, જેમાં ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા અને આ અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું. એવું કહેવાઇ રહ્યુ છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હતો.
પોરબંદરમાં હિટ એન્ડ રન
જો કે, અકસાત બાદ કાર ચાલક સહિત કારમાં બેઠેલા અન્ય લોકો ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે આવતી કારે સોમવારે રાતે ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા.
પૂરપાટ કારે ત્રણ વાહનોને અડફેટે લીધા
આ અકસ્માતમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણીનું મોત નીપજ્યુ અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માત સર્જનાર કારના નંબર અને સીસીટીવીના આધારે પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી છે. લોકો વચ્ચે એવી ચર્ચા છે કે કારનો ચાલક દારૂના નશામાં હતો અને તેને કારણે તેણે સ્પીડ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
મહિલા TRB જવાનનું મોત
લોકોના જણાવ્યા અનુસાર, કારમાંથી દારૂ સહિતની નશાની વસ્તુઓ પણ મળી આવી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ત્રણ જેટલા ટુ વ્હીલરને અડફેટે લેતા બે લોકો (માતા-પુત્ર) પુલની નીચે ખાબક્યા હતા, જો કે પાણીમાં પડેલા માતા-પુત્રને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.