આ આંટીને સીધા સમજવાની ભૂલ ન કરતા, સેટેલાઈટના સોનાના શો રૂમમાં મોટા મોટા કાંડ કરતા પકડાઈ ગયા છે

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના કિસ્સાઓ સામે આવે છે. કોઇવાર પોકેટમાર કોઇ વ્યક્તિનું પોકેટ ચોરી કરી ભાગી જાય છો, તો ઘણીવાર મોબાઇલ ચોરીની ઘટના સામે આવે છે, કેટલીકવાર તો જ્વેલરી શોરૂમમાંથી પણ ચોરી થયાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક ઘટના સામે આવી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 23 ઓગસ્ટના રોજ એક જ્વેલરી શો રૂમમાંથી રૂપિયા 75 હજારની સોનાની બંગડીઓ સેરવી લેનારી મહિલા CCTV કેમેરામાં કેદ થઇ હતી અને પોલિસે હવે આ મામલે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી લીધી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

શનિવારે શહેર ક્રાઈમ બ્રાંચે નરોડાથી 56 વર્ષીય મહિલાની ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપી મહિલા તેના ભાઈ સાથે ચોરી કરતી અને ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈ-બહેનને ઝડપી લીધા છે. પૂનમ રંગવાણી નામની મહિલાની ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ધરપકડ કરી તેને જેલ હવાલે મોકલી છે. મહિલા પંદરેક દિવસ પહેલા તેના ભાઈ ચંદ્રકાન્ત સાથે સેન્ટ્રો ગાડીમાં શિવરંજની ચાર રસ્તા પાસે હરિત ઝવેરી શૉ રૂમની અંદર આવી હતી અને સોનાની બંગડી અને અન્ય દાગીના બતાવવાનું કહી નજર ચૂકવી બંગડીની ચોરી કરી હતી.

જ્યારે સેલ્સમેન તેને દાગીના બતાવી રહ્યો હતો. આ દરમિયાન તે નજર ચૂકવીને બંગડી સાડીના પાલવમાં છુપાવી ચોરી ગઇ હતી અને પછી ત્યાંથી નીકળી ગઈ હતી. જ્યારે શો રૂમના કર્મચારીઓ તપાસ કરી તો તેમને ખબર પડી કે, 75000 રૂપિયાની કિંમતની બંગડી ગાયબ છે. જે બાદ તેમણે સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે મહિલા પૂનમ રાઘવાનીએ બંગડીની ચોરી કરી હતી. જે બાદ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ જમા કરાવવાાં આવ્યા અને ફરિયાદ પણ નોંધાવવામાં આવી.

તે પછી શહેર ક્રાઈમ બ્રાંચને આ કેસ સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમણે પૂનમ રાઘવાનીને તેના ઘરેથી જ ઝડપી પાડી. પોલિસ અનુસાર, આ પહેલીવાર નથી કે પૂનમે ચોરી કરી હોય, તેણે 2020માં એલિસબ્રિજ વિસ્તારમાં ચોરી કરી હતી. આ ઉપરાંત સાણંદમાં પણ તે ચોરી કરી ચૂકી છે. ક્રાઈમ બ્રાંચ અનુસાર, રાજસ્થાનના બિકાનેર, ભિલવાડા અને જયપુર તેમજ કોલકાતા, દિલ્હી, ગ્વાલિયર અને મુંબઈમાં પણ ચોરીના કેસમાં પૂનમ રાઘવાનીની સંડોવણી હતી. હાલ તો ક્રાઈમ બ્રાંચે પૂનમ રાઘવાનીને સેટેલાઈટ પોલીસના હવાલે કરી છે.

Shah Jina