મહેસાણાની આ મહિલાએ તો જોરદાર જુગાડ કર્યો, ઓસ્ટ્રેલિયા જઈ આવેલી મહેસાણાની મહિલા ઝડપાઇ

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીઓને વિદેશ જવાનો ભારે ચસ્કો ચઢ્યો છે, વિદેશ જવા માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. ઘણીવાર તેઓ ગેરકાયદેસર રીતે વિદેશમાં ઘૂસતા હોય છે, તો ઘણીવાર તેઓ ફેક પાસપોર્ટ બનાવડાવાનું કારનામું કરતા હોય છે. ત્યારે હાલમાં નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકિંગમાં પકડાઈ છે અને આધાર કાંડે આ કારનામાનો ભાંડો ફોડ્યો છે. મુંબઈની મહિલાના પાસપોર્ટમાં મહેસાણાની આ મહિલાએ પોતાનો ફોટો ચોંટાડ્યો અને પાસપોર્ટમાં ચેડાં કર્યા.

પ્રતિકાત્મક તસવીર

ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની તપાસમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું પણ સામે આવ્યું.આ મહિલાનું નામ ભારતી જયેશ પટેલ હોવાનું સામે આવ્યુ છે. તે મૂળ મહેસાણાના સાંથલની રહેવાસી છે. તપાસમાં એ સામે આવ્યુ છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં મુંબઈના એક એજન્ટ મારફતે મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ અમદાવાદ પરત આવતા આ મહિલા ઝડપાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં જે મહિલા આવી તે શંકાસ્પદ જણાઇ અને તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરવામાં આવતા પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર હતુ અને એડ્રેસ મુંબઈનું હતું. જ્યારે તેનું આધારકાર્ડ ચેક કર્યુ તો આ મહિલાનું નામ તેમાં ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું, જે બાદ તેની પૂછપરછ કરવામાં આવી અને પછી મહિલાએ કબૂલ્યું કે, તે નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે, તેને બે બાળકો પણ છે, જે મહેસાણામાં છે. પરંતુ પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકોને મળી શક્યા ન હોવાથી, મહિલા ખાસ તેના માટે અમદાવાદ આવી હતી. હાલ તો દંપતીના નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈના એજન્ટની શોધ શરૂ કરવામાં આવી છે અને મહિલાના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરાઇ રહી છે.

Shah Jina