ગુજરાત સમેત દેશ અને વિદેશમાંથી ઘણીવાર અકસ્માતોની ઘટના સામે આવે છે ત્યારે 3 માર્ચ 2024ના રોજ અમેરિકામાં દારૂ પીને ગાડી ચલાવનાર એક ગુજરાતી યુવતિએ બે લોકોને ઉડાવી મારવાના કેસમાં સરન્ડર કર્યુ છે. 23 વર્ષિય ડિમ્પલ પટેલે 3 માર્ચ 2024ના રોજ ફિલાડેલ્ફિયાના ઈન્ટરસ્ટેટ 95 પર રાતે સવા ત્રણ વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જ્યો હતો, જેમાં 28 ઓગસ્ટે તેની સામે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા અને પુરાવા સાથે છેડછાડ ઉપરાંત બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાનો અને વાહન દ્વારા કોઈનું મોત નીપજાવવા સહિતના ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા.
ત્યારે પાંચ મહિના જૂના આ કેસમાં ડિમ્પલે પોતાના પર ગંભીર ચાર્જ લાગ્યા બાદ 3 સપ્ટેમ્બરના રોજ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. ડિમ્પલ પટેલ પ્રી-મેડિકલની સ્ટૂડન્ટ હોવાનું સામે આવ્યુ છે. કેટલાક મીડિયા રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે જ્યારે ડિમ્પલે અકસ્માત કર્યો ત્યારે તેની કાર 70 માઈલ પ્રતિ કલાકથી પણ વધુની સ્પીડે દોડી રહી હતી. ડિમ્લપ ત્યારે ફોર્ડ મશટાગ મેક-ઈ કાર ચલાવી રહી હતી.
પોતાની ઈલેક્ટ્રીક કારમાં ડિમ્પલે ત્યારે બ્લૂક્રુઝ હેન્ડ્સ-ફ્રી ડ્રાઈવિંગ ફીચર તેમજ અડેપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ સિસ્ટમ્સ એક્ટિવ કરેલા હતા. જ્યારે આ ફીચર ઓન હોય છે ત્યારે કાર એક પ્રકારે સેલ્ફ ડ્રાઈવ મોડમાં આવી જાય છે, જો કે ડ્રાઈવરનું એલર્ટ રહેવું જરૂરી છે. ડિમ્પલ જે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યાં એક કારમાં કોઈ ખામી સર્જાવાને કારણે ડાબી સાઈડ ઉભી હતી અને તે કારચાલકને હેલ્પ કરવા માટે બીજો એક કારવાળો પોતાની કાર સાઈડમાં ઉભી રાખીને ગાડીમાંથી નીચે ઉતર્યો હતો.
બંને કારચાલક રસ્તા પર ઉભા હતા ત્યારે રાત્રે સવા ત્રણ વાગ્યા આસપાસ ડિમ્પલ પટેલની કાર 71-72 માઈલ પ્રતિ કલાકની ઝડપે ત્યાંથી પસાર થઈ હતી અને તેણે ત્રણ કાર અને બે યુવકોને અડફેટે લીધા. આ અકસ્માતને પગલે ગંભીર રીતે ઘાયલ બંને યુવકોના મોત થયા. પોલીસ સમક્ષ સરેન્ડર કરનારી ડિમ્પલ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યાં તેને બોન્ડ પર છોડવી કે નહીં તેનો નિર્ણય જજ લેશે.