દરેક સ્ત્રી માટે માતા બનવું ખુબ જ ખુશીની વાત હોય છે, પરંતુ બાળકને જન્મ આપવો એ પણ કોઈ સહેલી વાત નથી, પોતાના બાળકને 9 મહિના ગર્ભમાં રાખ્યા બાદ પ્રસૂતિ સમયે પણ કેટલીય વેદના એક સ્ત્રીને વેઠવી પડે છે. ઘણી હોસ્પિટલની અંદર ડોક્ટર અને મહિલા નર્સ પ્રસૂતિનું કામ સાંભળતા હોય છે, મહિલા નર્સ પણ આ માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, પરંતુ હાલ એક એવી ખબર આવી રહી છે જે ખુબ જ દુઃખદ છે.
હોસ્પિટલની અંદર મહિલા નર્સ તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહેલી જ્યોતિ નામની નર્સે પોતાના કામ કાજ દરમિયાન 5000 જેટલી મહિલાઓની પ્રસુતિ કરાવી હતી. પરંતુ જયારે જ્યોતિનો પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે દાવ ઉલટો પડી ગયો અને બાળકને જન્મ આપવાની સાથે જ જ્યોતિનું નિધન થયું હતું.

આ દુઃખદ ઘટના બની છે મહારાષ્ટ્રના હિંગોલીમાં. જ્યાં જ્યોતિ નામની મહિલા નર્સ પોતાની પ્રસૂતિ દરમિયાન મોતને ભેટી હતી. 8 વર્ષીય જ્યોતિ ગવ્લી છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રના હિંગોલીમાં સરકારી હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં નર્સ તરીકે કામ કરતી હતી. અગાઉ, તે ગોરેગાંવની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી

જ્યોતિને પ્રસૂતિ માટે 2 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના હિંગોલીની આ જ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સીઝર દ્વારા તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. બાળક એકદમ સ્વસ્થ છે. પરંતુ તે પછી જ્યોતિની તબિયત ખરાબ થવા લાગી હતી. ડિલિવરી પછી લોહી વહેવાનું બંધ ન થયું હોવાથી તેને બીજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

બીજી સરકારી હોસ્પિટલમાં ગયા બાદ પણ તેની તબિયતમાં ખાસ સુધારો થયો ન હતો. જ્યોતિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પરિણામે તેને વધુ સારવાર માટે ઔરંગાબાદ લઈ જવાનું નક્કી કરાયું હતું. પરંતુ જ્યોતિની હાલત નાજુક હોવાથી તેને ત્યાંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંની સારવારમાં જ્યોતિના શરીરમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ રવિવારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેનું મોત નીપજ્યું હતું.