કોરોનાનો આવો ખૌફનાક ડર ! મહિલા પોતાના દીકરા સાથે 3 વર્ષ ફ્લેટમાં થઇ કેદ, પતિની એન્ટ્રી પણ કરી બેન, 3 વર્ષ બાદ રેસ્ક્યુ

કોરોનાથી મા-દીકરાના ખૌફની કહાની : 3 વર્ષમાં રૂમમાં કચરાનો ઢગલો, સિલિન્ડર ના મંગાવી હીટર પર પકાવ્યુ ખાવાનું, પતિની પણ એન્ટ્રી હતી બેન

કોરોના મહામારીએ ઘણા લોકોના જીવનને બદલી નાખ્યુ હતુ અને ઘણા લોકોની આદતોમાં પણ ફેરફાર થઇ ગયો હતો. ત્યારે કેટલાક લોકો એવા હતા જેના મગજ પર કોરોનાની એવી અસર થઇ કે તેઓ માનસિક રીતે થોડા હચમચી ગયા. હરિયાણાના ગુરુગ્રામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના ડરથી એક મહિલાએ તેના 8 વર્ષના પુત્ર સાથે પોતાને ત્રણ વર્ષ સુધી એક મકાનમાં કેદ કરી. મળતી માહિતી મુજબ, પતિ તેમને જરૂરી વસ્તુઓ આપતો રહ્યો, પરંતુ મહિલાએ તેને ઘરમાં પ્રવેશવા દીધો નહીં. મહિલાની ઓળખ મુનમુન માઝી તરીકે થઈ છે.

મંગળવારે આરોગ્ય અને બાળ કલ્યાણ વિકાસ અધિકારીઓની એક ટીમ પતિની ફરિયાદ પર મહિલા અને તેના 8 વર્ષના બાળકને ઘરની બહાર લઈ ગઈ હતી. મહિલાના પતિનું નામ સુજન માઝી છે, તે વ્યવસાયે એન્જિનિયર છે. તમને જણાવી દઈએ કે 2020માં જ્યારે સરકારે પ્રથમ લોકડાઉન પછી નિયંત્રણો હળવા કર્યા, ત્યારે મહિલાના પતિ કામ કરવા માટે બહાર ગયા હતા. જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે મહિલાએ તેને ઘરમાં પ્રવેશવા દીધા નહિ, જે બાદ સુજને તે જ વિસ્તારમાં ભાડે મકાન લીધું.

મહિલાના પતિએ જણાવ્યું કે તેણે ઘણી વખત પત્નીને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેની પત્ની સમજી શકતી ન હતી. પતિએ જણાવ્યું કે તેનું માનસિક સંતુલન એટલું બગડી ગયું હતું કે તેણે મારો ઘરમાં પ્રવેશ પણ બંધ કરી દીધો હતો. સુજને પોલીસને જણાવ્યું કે થોડા સમય માટે તેને લાગ્યું કે પત્ની ડરના કારણે તેને ઘરની અંદર આવવા દેતી નથી, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેને પત્નીની માનસિક સ્થિતિ પર શંકા થવા લાગી. આ પછી તેણે પત્નીના માતા-પિતા સાથે વાત કરી.

માતા-પિતાએ સમજાવ્યું પણ મુનમુને એમ કહ્યું કે કોરોના હજુ પણ ફેલાઈ રહ્યો છે તે ન તો ઘરની બહાર નીકળશે અને ન તો બહારથી કોઈને પ્રવેશવા દેશે, પછી ભલે તે તેનો પતિ પણ કેમ ન હોય. સુજને જણાવ્યું કે જ્યારે પણ તે ઘરે આવવાની જીદ કરતો ત્યારે પત્ની તેને વીડિયો કોલ પર વાત કરવાનું કહેતી. તે દરરોજ તેના પુત્ર અને પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. આ પછી તે ઘર પાસે ભાડે રૂમ લઈને રહેવા લાગ્યો. તે બંનેને સવાર-સાંજ બારીમાંથી જોતો હતો. પતિ સુજને કહ્યું કે તેને તેના બાળકના ભવિષ્યની ચિંતા થવા લાગી.

તેના અભ્યાસમાં ખલેલ પડી રહી હતી. શાળાઓ પણ ચાલુ થઇ ગઇ હતી પણ પત્ની પુત્રને ઘરની બહાર જવા દેતી ન હતી. અભ્યાસ પર અસર થતી જોઈને મેં મારી પત્નીના ખાતામાં પૈસા નાખ્યા અને શાળા સાથે વાત કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરાવ્યો. અઢી વર્ષમાં મુનમુને એક પણ વાર ગેસ સિલિન્ડર બુક કરાવ્યો નથી. તેને ડર હતો કે ગેસ સિલિન્ડર આપનાર કર્મચારી આવી જશે તો તેને અને તેના પુત્રને કોરોના થઇ જશે. તે સિલિન્ડર ન હોવાને કારણે હીટર પર ભોજન બનાવતી હતી.

ઘરના ખર્ચને પહોંચી વળવા તે તેના પતિના ખાતામાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતી હતી. તમને જણાવી દઈએ કે પતિએ પોલિસને ફરિયાદ કર્યા બાદ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે બંનેને ઘરમાંથી બચાવી લીધા હતા અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં મનોચિકિત્સકો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. સિવિલ સર્જન ગુરુગ્રામ અનુસાર, મહિલાને કેટલીક માનસિક સમસ્યાઓ છે. બંનેને પીજીઆઈ, રોહતકમાં રેફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર માટે મનોચિકિત્સક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

Shah Jina