ગુજરાત સમેત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ અંગત અદાવતમાં તો કોઇ પ્રેમ સંબંધમાં હત્યા કરી દેતુ હોય છે. ઘણીવાર સંપત્તિની લાલચમાં પણ કોઇની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેણે ચકચાર જગાવી મૂકી છે. મિલકત માટે પોતાની માતાની હત્યા કરવાના આરોપમાં પોલિસે એક મહિલાની ધરપકડ કરી છે.

કેરળના ત્રિશૂર જિલ્લાના કુન્નમકુલમ વિસ્તારનો આ કિસ્સો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આરોપીએ તેની માતાની ચામાં ઉંદરનું ઝેર ભેળવ્યું હતું. કુન્નમકુલમ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહિલાની ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. 18 ઓગસ્ટના રોજ આરોપીની માતાએ ચા પીધી ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. બે હૉસ્પિટલમાં તેને કયો રોગ છે તે જાણી શકાયું નથી.

ત્રીજી હોસ્પિટલમાં ઝેરની આશંકા હતી, પરંતુ તેની કોઇ સારવાર થઇ શકે તે પહેલા જ આરોપીની માતાનું મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે ગત બુધવારે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે મૃતકના શરીરમાં ઝેર હતું. આ પછી દીકરીની પૂછપરછ કરવામાં આવી અને તેણે આ દરમિયાન તેનો ગુનો કબૂલી લીધો. તેણે કહ્યુ કે, તેણે મિલકત માટે તેની માતાની હત્યા કરી હતી. વસિયતનામા મુજબ માતા-પિતાના મોત થયા પછી જ મહિલાને મિલકત મળી શકતી હતી. મહિલા પરિણીત છે અને તેને બે બાળકો પણ છે.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ કહ્યુ હતુ કે, તે દેવામાં ડૂબેલી હતી અને તેને કારણે તેણે આ ગુનાહિત પગલું ભર્યું. આરોપીના પિતાએ કહ્યું કે તેને ચાનો સ્વાદ અલગ લાગતો હોવાને કારણે પીધી ન હતી. મહિલાનો પતિ ખાડી દેશમાં નોકરી કરે છે, જેથી તે છેલ્લા 12 વર્ષથી તેના માતા-પિતા અને બાળકો સાથે રહેતી હતી.