ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણી ઘટનાઓમાં કેટલાક લોકો વ્યાજખોરોના ત્રાસના કારણે જીવન ટૂંકાવે છે તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણી મહિલાઓ પોતાના પતિ અને સાસરિયાના ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના સામે આવી છે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા પરવત ગામમાંથી. જ્યાં એક મહિલાએ પતિના ત્રાસના કારણે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મહિલાએ આપઘાત કરતા પહેલા તેના ડાબા હાથ પર હિન્દીમાં એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પતિના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે મહિલાના પરિવારજનો દ્વારા તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે જે અંતર્ગત પોલીસ દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.
મહિલાએ આપઘાત કરતા પહેલા પોતાના ડાબા હાથ પર હિન્દીમાં લખ્યું હતું, “મુજે મેરા પતિ બહુત પરેશાન કરતા હે… મેરી કોઈ ગલતી નહીં હૈ મેં જીના ચાહતી હું પર ઇતની પરેશાની મેં કૈસે જીઉંગી” આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મૃતક મહિલા મૂળ ઝારખંડની રહેવાસી છે. તેનું નામ સીતાબેન હતું અને તેના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામમાં રહેતા પ્રવીણ ગોસ્વામી નામના વ્યક્તિ સાથે થયા હતા.
હાલ આ દંપતી સુરતના પરવત ગામમાં રહેતું હતું. લગ્ન બાદ તેમને એક દીકરો અને દીકરી પણ છે. મહિલાનો પતિ પ્રવીણ રીક્ષા ચલાવે છે. આ દંપતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા પરંતુ લગ્નના 3 વર્ષ બાદ જ પતિ દહેજને લઈને મહેણાં ટોણા મારતો હતો અને પત્નીને હેરાન પરેશાન કરતો હતો. 2018માં મહિલાનો ભાઈ અને માતા સુરત આવતા પતિએ ઝઘડો કર્યો હતો અને તેમને રાત્રે ઘરમાંથી કાઢી મુક્યા હતા. આખરે પરણિતાએ પતિનો ત્રાસ સહન ના થતા આપઘાત કરી લીધો અને બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી.