ડાયમંડ સીટી સુરતની આ મહિલાએ મૃત્યુ બાદ પણ આપ્યું 7 લોકોને નવું જીવન, મહેંકાવી માનવતા

દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ કેળવાઈ છે, ઘણા લોકો પોતાના મૃત્યુ બાદ અંગદાનનો નિર્ણય લેતા હોય છે. તેમાં પણ સુરત અગ્રેસર બન્યું છે. ત્યારે હાલ 43 વર્ષીય કોળી પટેલ સમાજની બ્રેઈનડેડ અસ્તિકા જીજ્ઞેશભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 277 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. મુંબઈનું 295 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી 32 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી 25 વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી 25 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું.

રાજપૂત ફળીયુ, ભીનાર ગામ, તા.જલાલપોર, જી.નવસારી ખાતે રહેતા અને નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પટેલ રવિવાર, તા. 12 ડિસેમ્બરના રોજ તેમની પત્ની આસ્તિકાની સાથે મોટરસાઈકલ ઉપર પોતાના ઘરે ભીનારથી તેમના સંબંધીને મળવા નવસારી જતા હતા ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તિકા અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી.

જેના બાદ તેને તાત્કાલિક નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.મનોજ સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

મંગળવાર તા. ૧૪ ડિસેમ્બરના રોજ INS હોસ્પીટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. આસ્તિકાના પતિ જીજ્ઞેશે જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. જીવનમાં અમે કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી આજે જયારે મારી પત્ની આસ્તિકા બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો.

વધુમાં તેઓએ જણાવ્યુ કે અમે વારંવાર વર્તમાનપ્રત્રોમાં અંગદાનના સમાચાર વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. BAPS સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અમે આ નિર્ણય લીધો. તેમનો પુત્ર વંદન ધોરણ-10 માં અભ્યાસ કરે છે.

Niraj Patel