પાવાગઢ : પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી, એક મહિલાનું મોત- 10 ઈજાગ્રસ્ત ! લોહીમાં લથપથ લોકોની ચિચિયારીઓથી ગુંજ્યો પાવાગઢ

ગુજરાતમાંથી ઘણીવાર દુર્ઘટના બન્યાની ઘટના સામે આવે છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી ખાતેથી દુર્ઘટના સર્જાઈ હોવાનુ સામે આવ્યુ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ખબર છે. મામલાની જાણ પોલીસને કરાતા પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

MLA જયદ્રથસિંહ પરમાર પહોંચ્યા ઘટના સ્થળે:

ઘટનાની જાણ થતાં જ MLA જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાવાગઢના માચી ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી છે. આજે બપોરના સમયે વરસતા વરસાદથી બચવા કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા અને અચાનક જ ઘુમ્મટ ધરાશાયી થયો, જેને કારણે ભારે ભરખમ પથ્થરો કેટલાક શ્રદ્ધાળુઓ પર પડ્યા અને તેના કારણે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મામલાની જાણ થતાં પહોંચી પોલીસની ટીમ :

આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા. મામલાની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી ગઇ હતી અને ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો અને 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે.

10 ઈજાગ્રસ્તોમાં 2 બાળકો અને 3 મહિલાઓ:

10 ઈજાગ્રસ્તોમાં 2 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણને પગલે લોકો અહીં રોકાયેલા હતા અને મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હોવાથી દુર્ઘટના સર્જાઇ હોવાનું જણાવાઇ રહ્યુ છે.

Shah Jina