ભગવાન જેવા ડોક્ટરની ઘોર બેદરકારીએ મહિલાનો જીવ લીધો, પથરીની જગ્યાએ ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું, મોત થયું, જુઓ
Chittorgarh News : ગુજરાત સહિત દેશભરમાંથી કેટલીકવાર ડોક્ટરોની કે હોસ્પિટલની બેદરકારીના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાકના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં ચિત્તોડગઢમાંથી એક ખાનગી હોસ્પિટલનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગત મંગળવારના રોજ રાત્રે ત્યારે હોબાળો મચી ગયો જ્યારે સારવાર માટે આવેલી એક મહિલાનું ઓપરેશન દરમિયાન મોત થયું. મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર ખોટા ઓપરેશનનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો.
હોસ્પિટલની બહાર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. જાણકારી મળતા પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારે કાયદાકીય કાર્યવાહી સિવાય 25 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. પોલીસની સામે બંને પક્ષો વચ્ચે લગભગ 11:30-11.45 વાગ્યા સુધી વાતચીત ચાલી અને હોસ્પિટલ પ્રશાસને પીડિતને 11 લાખ રૂપિયાનું આશ્વાસન આપ્યું, જે બાદ મામલો થાળે પડ્યો. રાશમી નિવાસી હજારી ગાડરી તેની પત્ની રત્ની સાથે ચિત્તોડગઢ શહેરની લક્ષ્ય હોસ્પિટલમાં આવ્યો હતો,
જ્યાં તેને પથરીનું ઓપરેશન કરાવવાનું હતુ, 2 દિવસ પહેલા લડ્ઢા ક્લિનિકમાં ટેસ્ટ પણ કરાવ્યા હતા અને કિડનીમાં પથરી જોવા મળી હતી. મહિલાને ઘણી પીડા થઈ રહી હતી. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટર પણ આ વાત કહીને તેને ઓપરેશન માટે લઈ ગયા પરંતુ ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યુ અને થોડા સમય બાદ જ મહિલાનું મોત થયું. મહિલાના મોત બાદ તમામ તબીબો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો.
પતિ હજારી ગાડરીનું કહેવું છે કે મૃત્યુ બાદ ડોક્ટરોએ અચાનક કહ્યું કે 1500 રૂપિયા લો અને લાશ અહીંથી લઈ જાઓ. આ સાંભળીને સંબંધીઓ ગુસ્સે થઈ ગયા. જે બાદ પીડિતાએ તેના પરિવારના સભ્યો અને ગ્રામજનોને સ્થળ પર બોલાવ્યા હતા. રાત્રે લગભગ 9 વાગ્યે હંગામો શરૂ થયો હતો, જે મોડી રાત્રે 11:45 સુધી ચાલુ રહ્યો હતો. મહિલાના સંબંધીઓ અને ગ્રામજનોએ હોસ્પિટલની બહાર ઉભા રહીને કાયદેસરની કાર્યવાહી સાથે વળતરની માંગણી શરૂ કરી હતી.
સેંકડોના ટોળાને જોઈને સદર પોલીસ સ્ટેશનના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે વાતચીત શરૂ થઈ. પીડિત પક્ષે 25 લાખનું વળતર માંગ્યું હતું, જે 11 લાખમાં છેલ્લે નક્કી થઉ. પીડિતોનું કહેવું છે કે આ ઓપરેશન માટે હોસ્પિટલે 25 હજારની માંગણી કરી હતી, તેના બદલામાં હજારી ગડારી માત્ર 15 હજાર જ જમા કરાવી શક્યા હતા, 10 હજાર રૂપિયા હજુ જમા કરાવવાના હતા.

હજારી ગાડરીએ જણાવ્યું કે ચારેય ડોક્ટર સ્વાતિ સિંહ, અશોક ધાકડ, નિધિ જોશી અને વિકાસ અંજનાએ સાથે મળીને ઓપરેશન કર્યું હતું. તે માત્ર કિડની સ્ટોનનો મામલો હતો. તે જ રીતે, હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી ડો. અશોક કુમાર સોની કહે છે કે મહિલાને વધુ પડતું લોહી વહી રહ્યુ હતું. તેણે ગર્ભાશય પર જ ઓપરેશન કરવાનું કહ્યું હતું. મહિલાને બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેમનું ઓપરેશન સાંજે 4 વાગ્યે શરૂ થયું હતું. પરંતુ લગભગ 5:15 વાગે બીપી વધી ગયું જે કાબૂમાં ન રહી શક્યું અને તેનું મોત થયું.