મમ્મી પપ્પા મને માફ કરજો, આ કારણે હું આત્મહત્યા કરું છું, લગ્નના 15 દિવસ પહેલા વંદનાએ મોતને વહાલું કરી દીધું

વડોદરામાં લગ્ન ગીત ગવાતા હતા ને દીકરીની ડોલીના બદલે અરથી ઉઠી, વંદના એક્ટિવામાં ચિટ્ઠી રાખતી ગઈ, દર્દનાક ખુલાસો થયો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ વડોદરાના વાઘોડિયા રોડ પરથી આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિએ લગ્નના 15 દિવસ પહેલા જ ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું છે. આ ઘટનાએ સમગ્ર વડોદરામાં ચકચારી જગાવી દીધી છે. યુવતિએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે, જે સામે આવી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી વંદના રોહિત નામની યુવતીએ સુસાઇડ નોટમાં પોતાની આપવીતી વર્ણવી હતી અને તેણે તેના ભાઇ-બહેનનો ઉલ્લેખ કરી તેના માતા-પિતાનું ધ્યાન રાખવા અને ખૂબ પૈસા કમાવવાનું લખ્યુ હતુ.

વાઘોડિયા રોડ સિંધવાઇનગરમાં ઝવેરભાઇ રોહિત તેમની પત્ની અને બે દીકરીઓ વંદના (અકું) અને દિવ્યા તેમજ પુત્ર મિહીર સાથે રહે છે. વંદના (અકું) વાઘોડિયાના ખટંબા ગામ પાસે આવેલ ગોકુલેશ સોસાયટીમાં રહેતા જ્ઞાતીના તેજસ ચૌહાણ સાથે પરિચયમાં આવી અને ઘણા સમયથી બંને એકબીજાના પરિચયમાં હોવાથી ત્રણેક મહિના અગાઉ વંદના અને તેજસના પરિવારજનોએ ભેગા મળી બંનેના લગ્ન કરી અપાવવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત લગ્નની તારીખ પણ 26 એપ્રિલ નીકળી હતી.

પરિવારજનો લગ્ન કરાવી આપવા તૈયાર થતા વંદના (અકું) અને તેજસ ખુશ પણ હતા અને બંનેના લગ્નને ત્રણ મહિના જેવો સમય બાકી હોવાથી વંદના (અકું)એ તેજસને કહ્યુ કે, 18 એપ્રિલના રોજ તેનો જન્મદિવસ હોવાથી કોર્ટમાં રજિસ્ટર કરાવી દઇએ. ત્યારે તેજસ અને તેના પરિવારજનોએ પણ વંદનાની ઇચ્છા પૂરી કરવાની તૈયારી બતાવી હતી. જો કે, લગ્નના પંદરેક દિવસ પહેલા જ વંદનાએ આપઘાત કરી લેતા પરિવાર માથે તો આભ તૂટી પડ્યુ હતુ.

વંદનાના પિતા કામ પર ગયા હતા અને ત્યારે વંદનાની બહેને તેના પિતાને ફોન કરીને કહ્યું કે, બહેન વંદનાને તેના સાસરીવાળાએ ફોન કરીને વૈકુંઠ ચાર રસ્તા બોલાવી છે અને કંઇક અજુગતુ લાગી રહ્યું છે. તમે આવો. જો કે, વંદના (અકું) તેની માતા વૃંદાવન ચોકડી પહોંચ્યા અને બાદમાં તેના પિતા પણ આવી પહોંચ્યા હતા. વૈકુંઠ ચોકડી ખાતે વંદનાનો ભાવિ પતિ, તેની માતા, પિતા, બહેન, જીજાજી બધા હતા. ત્યાં વંદના (અકું) અને તેના માતા-પિતાને જોઇ તેજસ અને તેના પરિવારજનોએ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું અને કાનના પડદા ફાટી જાય તેવા અપશબ્દો બોલતા વંદનાની માતા સ્થળ પર જ બેભાન થઇ ગઇ.

જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને આ દરમિયાન તેજસના પરિવારજનોએ વંદનાને જણાવ્યું કે, તેજસ સાથે લગ્ન કરવાનું ભૂલીજા. ત્યારે વંદનાએ કારણ પૂછતા તેજસના બનેવી અને તેના માતા-પિતાએ જણાવ્યું કે, તેજસ સાથે લગ્ન કરવાની તમારી ઔકાત નથી. તમે ઘર-બાર વગરના છો. જો કે, તે બાદ વંદના નાસીપાસ થઇ ગઇ અને ચોંધાર આંસુએ આખી રાત તેણે પસાર કરી. 4 એપ્રિલના રોજ તેના માતા-પિતા શંકરપુરા ગામ પાસે આવેલા રામાપીરના દર્શન કરવા માટે ગયા ત્યારે વંદનાના ભાઇએ ફોન કરીને પિતાને જણાવ્યું કે, વંદના (અકું) દીદીએ પંખાના હુક પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો છે.

વંદનાએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું- મમ્મી-પપ્પા મને માફ કરી દેજો, મારાથી તેજસ વગર જીવવું મુશ્કેલ છે. તેણે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, મારા ફોનમાં બધું જ છે. જોઇ લે જો. આ સાથે તેણે પાસવર્ડ પણ લખ્યો હતો. તેણે તેના ભાઇને ઉલ્લેખી લખ્યુ કે, મારા ભાઇ હવે તું મમ્મી-પપ્પાને સાચવજે. બહું રૂપિયા કમાજે. પૈસા હશે તો બધા સબંધ રાખશે. તેની બહેનનું નામ લખી તેણે લખ્યુ- મારી બહેન હવે તારે મમ્મીનું ધ્યાન રાખવું પડશે. મમ્મી-પપ્પાને સપોર્ટ કરજો. ધ્યાન રાખજો. મમ્મી-પપ્પાને ખૂશ રાખજો. અને ખૂબ પૈસા કમાજો. તારી બહેનની છેલ્લી ઇચ્છા પૂરી કરજો. સુસાઇડ નોટના અંતમાં વંદનાએ લખ્યુ- મારું મરવાનું કારણ એક જ છે કે અત્યાર સુધી તેજસ લગ્ન કરવાનું કહેતા પણ હવે તે ના કહે છે. ત્યારે દીકરીના મોત બાદ તેના માતા-પિતા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.

Shah Jina