પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલમાં દાખલ કરાયેલ મહિલાનું સિઝેરિયન બાદ મોત, પરિવારનો તબીબની નિષ્કાળજીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ
ગુજરાતમાંથી ઘણા એવા કિસ્સા સામે આવે છે જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. ત્યારે હાલમાં મહેસાણાના સતલાસણાની અનેક પ્રસૂતાઓને 108માં જ નોર્મલ પ્રસૂતિ કરાવનારાં સરતાનપુરનાં નિલમબેન ચૌધરીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે, જે ઘણુ ચોંકાવનારુ છે. નિલમબેનને પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમણે તબીબે સિઝેરિયન દ્વારા બેબીને જન્મ અપાવ્યો.
પણ સિઝેરિયન બાદ નિલમબેનનું મોત થતાં મૃતકના પરિવારે તબીબની નિષ્કાળજીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો અને ભારે હોબાળો પણ મચાવ્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે પોલિસ દોડી આવી અને તેમણે નિલમબેનનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી. સતલાસણાના નવાવાસની નિલમબેનના લગ્ન સરતાનપુરમાં થયા હતા. તેઓ છેલ્લા 11 વર્ષથી 108માં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતાં હતાં.
તેમને હાલમાં જ પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને ત્યાં તબીબે તેમની સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાવી. જો કે, બાળકના જન્મ બાદ તેમનું મોત નિપજતા પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને તબીબ પર આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માગણી કરી અને પોલિસે સતલાસણા સિવિલમાં લાશનું પીએમ કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી.