શું જેલમાંથી બહાર આવશે આસારામ ? રાજસ્થાન હાઇકોર્ટમાં થઇ સુનાવણી, અરજી પર સામે આવ્યુ મોટુ અપડેટ
Asaram news : પોતાના ગુરુકુળની સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણના કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ અને તેના અનુયાયીઓ માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર બાદ આસારામની જેલમાંથી બહાર આવવાની આશાને ફરી એકવાર પાંખો મળી છે અને આસારામના સમર્થકોમાં આશા જાગી છે. આસારામે અગાઉ પેરોલ માટે અરજી કરી હતી. પેરોલ કમિટીએ તેની પેરોલ માટેની અરજી ફગાવી દીધા બાદ આસારામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સોમવારે જોધપુર સેન્ટ્રલ જેલની પેરોલ કમિટીને પેરોલ નિયમો, 1958 હેઠળ આસારામની અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પેરોલ કમિટીને 6 સપ્તાહમાં નિર્ણય લેવાનો નિર્દેશ
ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઈ અને યોગેન્દ્ર કુમાર પુરોહિતની ખંડપીઠે આસારામની અરજી નકારી કાઢવાના પેરોલ સમિતિના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો અને છ અઠવાડિયામાં નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. 81 વર્ષીય આસારામ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવા બદલ જોધપુરની જેલમાં છે. 20 દિવસ માટે પેરોલની માંગ કરતી આસારામની અરજી જિલ્લા પેરોલ સલાહકાર સમિતિ દ્વારા અગાઉ ફગાવી દેવામાં આવી હતી, એમ કહીને કે તે રાજસ્થાનના કેદીઓની મુક્તિ પર પેરોલ નિયમો, 2021 હેઠળ પેરોલ માટે હકદાર નથી. આ અસ્વીકારને પડકારતાં આસારામ બાદમાં હાઈકોર્ટમાં ગયા હતા.
આસારામના વકીલે આ દલીલો કરી હતી
આસારામના વકીલે દલીલ કરી હતી કે અરજદારને 25 એપ્રિલ, 2018ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને સજા કરવામાં આવી હતી, જ્યારે 2021ના નિયમો 30 જૂન, 2021ના રોજ અમલમાં આવ્યા હતા. આ સાથે તેમણે દલીલ કરી હતી કે આવી સ્થિતિમાં અરજદાર વતી દાખલ કરાયેલી અરજી 2021ના નિયમોને બદલે 1958ના નિયમોની જોગવાઈઓ હેઠળ ધ્યાનમાં લેવા યોગ્ય છે. ત્યાં એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશીએ પેરોલની મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો.
પેરોલ કેમ ન મળી ?
આસારામને પેરોલ મળવાની વચ્ચે નવા-જૂના નિયમો મુસીબત બની ગયા છે. હકીકતમાં, 20 જૂને આસારામ તરફથી કોર્ટમાં 20 દિવસની પેરોલની માંગ કરવામાં આવી હતી, પરંતુ પેરોલ સમિતિએ ના પાડી દીધી હતી. પેરોલ પર છૂટવાના 2021ના નવા નિયમ મુજબ પેરોલ મંજૂર કરવી શક્ય નથી એમ કહીને તેણે મુક્ત કર્યો ન હતો. આના પર આસારામ વતી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો , જેના પર સોમવારે અરજી પર સુનાવણી થઈ હતી. આસારામના વકીલે કહ્યું કે આ મામલો 2021 પહેલાનો છે, આવા કેસમાં જૂના નિયમો જ લાગુ થશે અને આસારામને પેરોલ મળવી જોઈએ. જો કે, રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશીએ જણાવ્યું હતું કે નવા નિયમ મુજબ, સમિતિએ પેરોલ નામંજૂર કરી છે.
આ કેસોમાં આસારામ છે દોષિત
તમને જણાવી દઈએ કે આસારામને આ વર્ષે 31 જાન્યુઆરી 2023ના રોજ રેપ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ગુજરાતની સેશન્સ કોર્ટે આ મામલે સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો. આસારામ અગાઉ બળાત્કારના અન્ય એક કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. આસારામ વિરુદ્ધ બળાત્કારનો આ કેસ 2013માં નોંધવામાં આવ્યો હતો. જો કે પીડિતા પર બળાત્કારની ઘટના 2001થી2006 વચ્ચે બની હતી. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામને જે કેસમાં 31મી જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવી હતી તેની FIR અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 2013માં દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ પીડિત મહિલા પર 2001 થી 2006 દરમિયાન અમદાવાદ શહેરની બહારના એક આશ્રમમાં ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.