ગોધરામાં લિવ ઈનમાં રહેતી મહિલાએ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવતા મચી ગઈ ચકચાર, સુસાઇડ નોટમાં 5-6 લોકોના નામ લખ્યા

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ વધ્યું છે.ઘણા નાની ઉંમરના બાળકો કોઈ નાના એવા કારણના લઈને આપઘાત કરી રહ્યા છે તો ઘણા પુરુષો આર્થિક સંકટના કારણે મોતને વહાલું કરે છે, તો ઘણી મહિલાઓ સાસરિયા અને પતિના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

હાલ એવી જ એક ઘટના ગોધરામાંથી સામે આવી છે. ગોધરામાં બહારપુરાનો અને સપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામી જે મહિલા સોનલબેન સાથે મૈત્રી કરાર બાદ  ફૂલહાર કરીને સાથે રહેતા હતા તે સોનલબેને આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી.

સોનલબેન સાથે મૈત્રી કરાર અને ફૂલહાર કરી લીધા ત્યારથી સોનલબેન ભરતભાઇ સાથે પત્ની તરીકે રહેતી હતી. ત્યાર બાદ સોનલબેન તથા તેનો પતિ ભરતભાઇ મંગળભાઇ સોલંકી આજથી દોઢેક વર્ષથી બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતું લીધેલા મકાનમાં રહેતાં હતાં. ભરતભાઇ પ્રણામી તેની પત્નીને અવારનવાર ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યું છે.

ભરતભાઈ સોનલબેનને કહેતો હતો તું મને છૂટાછેડા આપી દે, મકાન મને સોંપી દે, મારે બીજી પત્ની લાવવાની છે, આમ કહી તેમને પરેશાન કરતો હતો જેના બાદ પત્નીને લાગી આવતાં ઘરમાં જ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી હતી. બનાવ અંગેની જાણ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને એફ એસ એલની મદદ લઈ માનસિક ત્રાસ આપનાર પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તો બીજી તરફ મૃતક સોનલબેનનાં પરિવારજનોએ સોનલબેનની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસને સોનલબેન દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે.  જેમાં પતિ તથા અન્ય વ્યક્તિઓ ધ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે નોટમાં 5થી 7 લોકોના નામો પણ હોવાનું પોલીસે જણાવ્યું છે.

Niraj Patel