વડોદરામાં અઢી વર્ષના બાળકને નોધારું મૂકીને પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળે ટુંપો ખાઈ જીવન ટૂંકાવ્યું, ભાઈએ કર્યો ધડાકો

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ગુજરાતમાંથી પણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલી આવી ઘટનાઓએ ચકચારી મચાવી છે, ત્યારે થોડા દિવસ પહેલા જ વડોદરામાંથી પણ એક એવી ઘટના સામે આવી હતી,  જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ અપાર્થીની પત્ની 25 વર્ષીય અંકિતા અપાર્થીએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો.તો મૃતક અંકિતાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે તેની બહેને આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. મૃતકના ભાઈએ વડોદરા જિલ્લા પોલીસ તંત્રના DySPને આ અંગે તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે.

અંકિતાના લગ્ન 6 વર્ષ પહેલા પાદરા તાલુકાના મોભા ગામે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા ચિરાગ સાથે સાથે થયા હતા. લગ્ન બાદ અંકિતા સાસરીમાં સયુંકત પરિવારમાં રહેતી હતી. અઢી વર્ષ પહેલા જ તે બંને એક દીકરીના માતા-પિતા પણ બન્યા હતા. પરંતુ અંકિતાના આપઘાત કર્યા બાદ હવે અઢી વર્ષની દીકરી પણ નોધારી બની છે.

અંકિતાના આપઘાત કરી લેવાના કારણે સમગ્ર મોભા ગામની અંદર ચકચારી મચી ગઈ હતી, પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું, વડું પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. અંકિતાના આપઘાત કર્યા બાદ તેનો પોલીસ કોન્સ્ટેબલ પતિ પણ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો.

અંકિતાના મોતની જાણ થયાના તરત બાદ તેનો ભાઈ અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જેના બાદ અંકિતાના ભાઈએ જિલ્લા ડીવાયએસપીને મળીને બહેનના મોત અંગે શંકા પણ વ્યક્ત કરી અને તેના સાસરિયા વિરુદ્ધ રોષ પણ ઠાલવ્યો હતો. અંકિતાના પરિવારજનોએ અંકિતાના શબની પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવાની માંગણી પણ કરી અને અંકિતાને ન્યાય અપાવવા માટે રજુઆત પણ કરી હતી.

Niraj Patel