ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી. અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. બાદમાં પ્રેમીએ બે શખ્સો સાથે મળી યુવકને કારમાં ગળેટૂંપો આપી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. જેમાં, મૃતક યુવક ગાંધીનગર પત્નીને લેવા માટે ગયો હતો તે દરમિયાન ભાવિક ચુનારાનું અપહરણની ઘટના બની હતી.
પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્પોટ થયો છે. મહત્વનું છે કે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અડાલજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણ – હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો એ જાણવા સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.
આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન
આજે અડાલજ પોલીસે અપહરણ અને હત્યા પ્રકરણમાં પાયલના પ્રેમી કલ્પેશ ચુનારાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં કલ્પેશે કબુલાત કરી હતી કે, શૈલેષ અને સુનીલ સાથે ગાડીમાં આવતાં હતા. ત્યારે સામેના રોડ પર પાયલનો પતિ ભાવિક એક્ટિવા લઈને મળ્યો હતો. બાદમાં પોતાની ગાડીથી એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી ભાવિક નીચે પડી ગયો હતો.
દવાખાને લઈ જવાના બહાને ગાડીમાં બેસાડ્યો
અકસ્માત સર્જી ભાવિકને દવાખાને લઈ જવાનું કહી ગાડીમાં બેસાડયો હતો. જે બાદ કલ્પેશ અને શૈલેષે મફલરથી ગળું દબાવ્યું હતું અને સુનિલે હાથ પકડી રાખ્યા હતા. ત્યારબાદ ભાટ ટોલ ટેક્ષ થઈ ચીલોડા ચોકડી તરફ જઈ કેનાલ તરફ ગયા હતા અને ત્યાં ગાડીનો દરવાજો ખોલીને ભાવિકને કેનાલમાં ફેંકી દીધો હતો.
આરોપીને કડકમાં કડક સજાની માંગ
બીજી તરફ અમદાવાદમાં પરિવારજનોએ હાથમાં બેનરો સાથે ભાવિકની અંતિમ યાત્રા કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. પરિવારજનો અંતિમ યાત્રામાં પ્રેમાંધ પાયલ અને તેના પ્રેમી સહિતના ફોટા સાથેના બેનરો લઈને નીકળ્યા હતા.