સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાય સમયથી હત્યા અનેઆત્મહત્યાના કેસોમાં ખુબ જ વધારો થયો છે. ઘણા લોકો અંગત અદાવતમાં એકબીજાની હત્યા કરી દેતા હોય છે, તો ઘણીવાર પતિ પત્ની વચ્ચે પણ અણબનાવના કારણે કોઈની હત્યા કરી દેવાના મામલા સામે આવતા રહે છે.

હાલ એવો જ એક મામલો રાજકોટના જસદણમાંથી સામે આવ્યો છે, જ્યાં પતિએ જ તેની પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો જેના કારણે જ પતિએ લગ્ન થયાના ચોથા મહિને જ પત્નીની હત્યા કરી નાખી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જસદણમાં રહેતા આસિયાના મહેમદશા પઠાણ અને મહમદસા બચુસા પઠાણના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા. 26 જાન્યુઆરીના રોજ તેમના લગ્નને ચાર મહિના પૂર્ણ થવા જઈ રહ્યા હતા. એ પહેલા જ પતિએ રાત્રે 3 વાગે પત્નીની હત્યા કરી નાખી અને પોતે પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.

આ બાબતે મીડિયાને મૃતકના સાસુ યાસ્મિનબેને જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ હતો જેને લઈને બંને અવાર નાવર ઝઘડતા હતા. તેમના દીકરાએ પત્નીની હત્યા કેમ કરી તે અંગેની તેમને કોઈ જાણ ના હોવાનું જણાવ્યું હતું. મૃતકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે જસદણની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આરોપી પતિએ પોલીસ સામે હાજર થઈને સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલામાં આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધીને વધુ તાપસ હાથ ધરી છે. આ મામલામાં હજુ પણ બીજી વધુ વિગતો સામે આવી શકે છે. આ હત્યાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.