ગુજરાતમાંથી પોતાના વતન જતા કોરોનાગ્રસ્ત પતિનું થયું મોત, સસરાએ ગામમાં પગ મુકવાની પાડી દીધી ના, ઘરેણાં વેચીને ચૂક્યું એમ્બ્યુલન્સનું ભાડું

કોરોના મહામારીની વચ્ચે એક પછી એક ચોંકાવનારી અને પીડા આપનારી ખબરો આવતી રહે છે. ત્યારે કચ્છમાં કામ કરતા અને મૂળ ઓડિશાના વતની એક યુવકનું ઓડિશા જતી સમયે કોરોનાને કારણે નિધન થયું હતું. જેના બાદ પત્ની અને દીકરીઓ માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પતિના મોત બાદ પત્નીએ સસરા પક્ષનો સંપર્ક કર્યો ત્યારે તેમના તરફથી તો તેને ગામમાં આવવાની જ ચોખ્ખી ના પડી દીધી હતી.જેના બાદ પત્ની અને બંને પુત્રીઓએ સાથે મળી અને પતિનો અગ્નિ સંસ્કાર કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભચાઉ શહેરમાં છેલ્લા 17 વર્ષેથી રહેતો જયકિશન પ્રધાન નજીકના મીઠા ઉદ્યોગમાં કામ કરતો હતો, જે બે સપ્તાહ અગાઉ કોરોના સંક્રમિત થયો હતો, જેની ભચાઉ, ગાંધીધામના તબીબો પાસે સારવાર કરાવવામાં આવી હતી, જે યોગ્ય પુરવાર ન થતાં અંતે જી.કે. જનરલમાં દાખલ થયો હતો. આ હોસ્પિટલમાં આસપાસના ચાર જેટલા દર્દીઓના કોરોનાથી મોત થવાના કારણે જયકિશન ગભરાઈ ગયો હતો અને અડધો કલાક ઓક્સિજન મળ્યા બાદ કોઈ તપાસ માટે આવતું ન હોવાનું તેણે પત્નીને જણાવ્યું હતું, એવો આક્ષેપ તેની પત્નીએ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પતિને લઈને ઓડિશા ચાલ્યા જવાનો વિકલ્પ સુઝ્યો હતો.

આ બાતે પત્નીએ લાંબા રૂટમાં જતી એમ્બ્યુલન્સની તપાસ કરતાં એક સજ્જન દ્વારા ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ ગાંધીધામથી મગાવી આપી. ભુજથી 15 એપ્રિલના બપોરે પતિને સાથે લઈ ભચાઉ આવ્યા, ત્યાંથી બન્ને પુત્રીઓને લઈ ઓડિશા જવા રવાના થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર બોર્ડર પર સવારે 5.30 કલાકે પતિ જયકિશનનું મૃત્યું થયું હતું.

દિવ્ય ભાસ્કર મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે જયકિશનનાં પત્ની સુકાન્તિ પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ગુજરાતથી આગળ વધી રહ્યાં હતાં અને મહારાષ્ટ્ર બોર્ડર પાસે જ પહોંચ્યાં હતાં ત્યારે જ તેમનાં પતિએ દમ તોડી દીધો હતો. પત્નીએ હિંમત રાખી એમ્બ્યુલન્સ દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોકટરે જયકિશનને મૃત જાહેર કર્યો હતો.

જયકિશનની પત્ની  સુકાન્તિએ તેના સસરાને ફોન કર્યો હતો. સુકાન્તિનું માનીએ તો તેમણે પણ આશ્વાસનની જગ્યાએ અહીં તમારું કાઈ કામ નથી, હવે યાદ કરો છો? એમ જેમ તેમ બોલીને ફોન કાપી નાખ્યો હતો. કચ્છથી ઓડિશા જવા માટે સુકાન્તિએ 80 હજાર રૂપિયામાં એમ્બ્યુલન્સનુ ભાડું નક્કી કર્યું હતું. ઓડિશા પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પરત જવાની ઉતાવળ હોઈ સુકાન્તિએ ભાડાની ઘટતી રકમ ચૂકવવા માટે દાગીના વેચવાની ફરજ પડી હતી. બાદમાં બંને પુત્રી અને પોતે જાતે જ સ્મશાનમાં જઈ પતિના અંતિમસંસ્કાર કર્યા હતા.

સુકાન્તિનું માનીએ તો કોરોનાને કારણે તેને અને તેની બંને પુત્રીઓએ તો ભોગવવાનો વારો આવ્યો છે, પણ સાથે તેના પિયરપક્ષના લોકોની મુશ્કેલી પણ વધી છે. તેની હાલત જાણી તેનાં માતા-પિતા અને ભાઈ તેમને મળવા આવ્યા હોઈ, તેના ગામલોકોએ તેનો બહિષ્કાર કરી દીધો છે. કોઈ દુકાન પરથી હાલ તે લોકોને કોઈ ચીજવસ્તુઓ પણ નથી આપતા.

કોરોના સંક્રમિત પતિને લઈ ઓડિશા જવા નીકળેલી પત્ની ત્યાં પહોંચે એ પહેલા જ પતિનું મોત નીપજ્યું હતું. હવે તેનો પોતાનો અને એક પુત્રીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં હાલ સેવાભાવી લોકોની મદદથી પોતાના ગામની નજીક છુપાઈને રહેતાં હોવાની વાત કરી હતી.(સાભાર: દિવ્ય ભાસ્કર)

 

Niraj Patel