ખબર

વિધવા પુત્રવધુના લગ્ન કરાવી સમાજને એક નવી પ્રેરણા આપતો પોરબંદરનો ગઢવી પરિવાર, વાંચીને તમે પણ તેમના આ કાર્યને બિરદાવશો

આજે આખો દેશ ભલે આધુનિકતા તરફ વળ્યો હોય છતાં પણ ઘણા સમાજમાં, ઘણા પરિવારોમાં કેટલાક એવા રૂઢિચુસ્ત નિયમોના કારણે આજે પણ ઘણી સ્ત્રીઓના જીવન અંધકારમાં ધકેલાઈ રહ્યાં છે. ઘણા સમાજમાં સ્ત્રી પોતાની મરજી પ્રમાણે જીવન પણ નથી વિતાવી શકતી તો ઘણા સમાજમાં કાચી ઉંમરે વિધવા થવા છતાં પણ એક સ્ત્રીને તેનું આંખુ જીવન વિધવા બની એજ પરિવાર પાછળ વિતાવી પણ દેવું પડતું હોય છે.

પરંતુ હાલમાં જ પોરબંદરના ગઢવી પરિવાર દ્વારા પોતાની જ પુત્ર વધુ વિધવા બનતા, થોડા સમય બાદ તેના બીજા લગ્ન ધામધૂમથી કરાવી સમાજ સામે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોરબંદરમાં જ જયુબેલી વિસ્તારમાં રહેતા અને ટાયર ટ્યુબના વ્યવસાય સાથે જોડાયેલા ભરતભાઈ દાંતી (ગઢવી)ના નાના ભાઈ કુંજને પોતાના પાડોશમાં જ રહેતી રેખા ગોસ્વામી સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ જન્મ્યો હતો, આ પ્રેમનું સુખદ પરિણામ તેમને લગ્ન કરીને આપ્યું હતું.

પરંતુ ઈશ્વરને જાણે એ બંનેનો સાથ મંજુર નહિ હોય તેમ કુંજ લાંબા સમયની બીમારી બાદ લગ્નના 10 જ મહિના પછી મૃત્યુ પામ્યો હતો. કુંજના અકાળે થયેલા અવસાનના કારણે સમગ્ર પરિવાર તેમજ રેખા ઉપર જાણે આભ જ તૂટી પડ્યું હતું.

આ કારમાં આઘાતમાંથી સમગ્ર પરિવાર પરાણે બહાર આવ્યો, કાચી ઉંમરમાં જ વિધવા બનેલી રેખાને કુંજના પરિવારજનો એક દીકરીની જેમ જ સાચવવા લાગ્યા હતા. પરંતુ રેખાની ઉંમર હજુ નાની હતી અને આ ઉંમરે તે વિધવા બની પોતાનું જીવન વિતાવે તે તેના સાસરિયાને પણ મંજુર નહોતું જેના કારણે રેખા માટે યોગ્ય છોકરો શોધવાની પણ શરૂઆત રેખાના પિયરપક્ષના લોકો સાથે મળીને કરી.

પોતાની જ્ઞાતિમાં જ રેખાના લગ્ન થાય તેવી રેખાના સાસરીપક્ષના લોકોની ઈચ્છા હતી. ઉયોગય મુરતિયાની શોધ કરતા પોરબંદરના ખાંભોદરમાં રહેતા અને ટૂર્સ અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશકુમાર નામના યુવકની પસંગી ઉપર મહોર વાગી હતી.

રેખાને પણ તે યુવક પસંદ આવતા તાજેતરમાં જ હિતેશ સાથે રેખાના લગ્નનું આયોજન આર્યસમાજમાં કરવામાં આવ્યું હતું.

રેખા અને હિતેષના લગ્નમાં બંને પરિવારો સહર્ષ જોડાયા હતા તેમજ રેખાના જૂના સાસરીપક્ષ તરફથી રેખાને દીકરીની જેમ વળાવી કરિયાવર પણ આપવામાં આવ્યો હતો.

પોરબંદરમાં ગઢવી પરિવાર દ્વારા કરવામાં આવેલા આ ઉત્તમ વિચારને ઘણા જ લોકો દ્વારા પ્રસંશા મળી રહી છે તેમજ સમાજ માટે અને એવા લોકો માટે એક પ્રેરણા ઉભી કરી આપી છે જે કાચી ઉંમરમાં વિધવા થતી દીકરીઓનું આખું જીવન વિધવા બનીને વિતાવવા ઉપર મજબુર કરે છે.

ફોટો સૌજન્ય: પોરબંદર ટાઈમ્સ

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.