નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે

આ કારણોના લીધે બળાત્કારીઓને ડર નથી લાગતો સજાનો, બસ હવે બહુ થયું, વાંચીને તમે પણ કહેજો, શું કરવું જોઈએ?

થોડા દિવસથી આપણો દેશ ન્યાયનો વાટકો પકડી અને સરકાર સામે આરોપીઓને મૃત્યુ દંડની સજા થાય એ માટે ભીખ માંગી રહ્યો છે. આવું જ કંઈક આપણે જૂના વર્ષોમાં પણ જોતા આવ્યા છે અને હજુ આગામી વર્ષોમાં જોઈશું તો પણ એમાં નવાઈ નથી.

Image Source

મનમાં પ્રશ્ન પણ થાય કે આવી ઘટના બાદ જ દેશ જાગે છે અને પછી ટોળે વળીને ન્યાયની ભીખ માંગે છે. બાકીના દિવસ તો પોતાના કામમાં અને પરિવાર સાથે જ વિતાવવાના, રસ્તે જતી કોઈ સ્ત્રીને જોઈને મિત્રો સાથે મળી કોમેન્ટ પાસ કરવી, ઓફિસમાં કે પોતાના વિસ્તારની સ્ત્રીના કેરેક્ટર ઉપર આંગળીઓ ઉઠાવવી, પોતાની પત્ની ઉપર વગર વાંકે પણ અત્યાચાર કરવો એજ મોટાભાગના પુરુષોની આદત હોય છે. ખરું ને? હા, પણ માનવા કોઈ તૈયાર નહિ થાય, કારણે કે મનમાં એમ જ થાય કે: “ભલે હું ગમે તેવો હોઈશ, હું નિર્ભયા સમયે પણ આંદોલનમાં જોડાયો હતો, આસીફાના સમયે પણ મેં કેન્ડલમાર્ચમા ભાગ લીધો હતો અને આજે પ્રિયંકા માટે પણ પોસ્ટર લઈને રોડ ઉપર ઉતર્યો છું.” શાબાશ…!!

Image Source

ચાલો જવા દો એ વાત! એ તો જેવી જેની માસિકતા. પણ હરહંમેશ મનમાં પ્રશ્ન થાય કે કેમ બળાત્કાર જેવી ઘટનાઓ અવાર-નવાર થતી રહી છે? કેવી રીતે લોકોની હિંમત ચાલે છે આવું દુષ્કૃત્ય કરવા માટેની, શું એમને સજાનો ડર નહિ લાગતો હોય? શું તેમને એમ નહિ થતું હોય કે મારા ઘરે પણ એક બહેન, દીકરી, મા છે.. તો હું જે બીજાની બહેન દીકરી સાથે કરી રહ્યો છું તે મારી બહેન, દીકરી, મા સાથે પણ થઇ શકે છે?

Image Source

આ બધા પ્રશ્નોનો એક જ જવાબ મળે છે કે જો તેને આવો કોઈ ડર હોતો તે આવું દુષ્કૃત્ય કરતા પહેલા જ હજાર વાર વિચાર કરતો. ના તેને કાયદાનો ડર છે! ના સજાનો! કે ના આબરૂનો! બસ તેની અંદર જાગેલી વાસનાની આગ એટલી તીવ્ર હોય છે કે તે વ્યક્તિને સાવ આંધળો જ બનાવી દે છે અને આ આગમાં હોમાઈ જાય છે એક નિર્દોષ દીકરી, એક બહેન, એક સ્ત્રી, એક કુમળું ફૂલ.

Image Source

શા કારણે તેમને ડર નથી લાગતો? આ વાતને દિમાગ ઉપર બરાબર વિચારતા મને નિર્ભયા યાદ આવી. નિર્ભયા સમયે પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. દેશવાસીઓ ન્યાયની માંગણી કરતા રહ્યા, આરોપીઓ પકડાયા પણ ખરા.. પણ પછી? પછી શું થયું? એક આરોપીએ તો જેલમાં આત્મહત્યા કરી લીધી, એક નાબાલિક હોવાના કારણે છૂટી ગયો અને બીજા હજુ જેલની અંદર આરામ ફરમાવી રહ્યા છે. શું એ લોકો જેલમાં છે એટલે ન્યાય મળી ગયો? અપરાધો રોકાયા? ના.. હજુ પણ એજ દશા છે. હજુ પણ હેવાનો એમ જ ફરી રહ્યા છે. એ પછી પણ 8 વર્ષની આસિફ ભોગ બની અને હવે પ્રિયંકા. આ તો બસ જાહેર થયેલા મોટા નામો છે. આ સિવાય દેશની કેટલી દીકરીઓ આવી વાસનાના ભૂખ્યા વરૂઓનો શિકાર બનતી હશે? જેના આંકડા પણ સામે નથી આવતા.

Image Source

આ બધું જોતા આપણી ન્યાય પાલિકા ઉપર પણ ભારોભાર ગુસ્સો આવે. કારણ કે આપણી ન્યાય પાલિકામાં એક નિયમ છે. “ભલે સો આરોપીઓ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ના થવી જોઈએ” બસ આ વાતનો ફાયદો ઉઠાવી લોકો આવા કામ કરતા હજુ પણ ડરતા નથી, તેમને તો એમ જ છે કે આ દેશમાં ક્યાં ફાંસી મળવાની છે? જેલમાં પણ આલીશાન જીવન જીવવા મળી જ જવાનું છે ને? થોડા વર્ષો બાદ મોટી રકમ આપી અને જામીન ઉપર છૂટી પણ શકાશે, વાર તહેવારે પેરોલ ઉપર બહાર પણ નીકળી શકાય છે, તો પછી શાનો ડર? કોનો ડર?

Image Source

ભ્રષ્ટાચાર પણ આપણા દેશમાં એટલી હદ સુધી વધી ગયો છે કે મોટામોટા અધિકારીઓ પણ તોડપાણિમાં માનતા થઇ ગયા છે. તેમના માટે દેશની દીકરીની આબરૂ કોઈ મહત્વની નથી, તેમને તો બસ પૈસાની ભૂખ છે અને એટલે જ બળાત્કાર કરનારા નરાધમો પૈસાના જોર ઉપર પણ પોતાની વાસનાની ભૂખ સંતોષતા રહે છે.

Image Source

આવા કિસ્સાઓને રોકવા માટે ન્યાયતંત્રે એ સજાગ થવું પડશે, લોકોએ જાગૃત થવું પડશે ત્યારે જ આવા લોકોને સજા મળશે. નહિ તો પ્રિયંકાના સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે આજે આપણે જે સજા માંગી રહ્યા છીએ એવી સજાની માંગણી આપણા કોઈ અંગત માટે પણ માગીશું એવા દિવસો પણ દૂર નથી.

Image Source

ક્યાંકને ક્યાંક દીકરીઓને સંસ્કાર આપવાની હોડમાં આ દેશ દીકરાઓને સંસ્કાર આપવાનું જ ભૂલી ગયો છે જેના કારણે જ આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.

Image Source

આ દેશની ન્યાય વ્યવસ્થા જ્યાં સુધી નહિ બદલાય, જ્યાં સુધી આરોપ સાબિત થવાની સાથે જ આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં નહિ આવે, જ્યાં સુધી બીજી કોઈ એવી સજાનું પ્રાવધાન કરવામાં નહીં આવે જેનાથી આવું કરનારા થરથર કાપે, ત્યાં સુધી આવી ઘટનાઓને કોઈ રોકી નહીં શકે. એ વાત સત્ય છે અને આપણે સ્વીકારવી જ પડશે.

Image Source

ટોચ ઉપર બેઠેલા લોકો પણ જાણે છે કે આ આગ થોડા દિવસ ઝળહળશે અને પછી નિર્ભયાની જેમ, આસીફાની જેમ, પ્રિયંકા પણ ક્યાંય ઇતિહાસના પાનામાં ખોવાઈ જવાની છે. તેના કારણે જ એમના પેટનું પાણી પણ હાલતું નથી. પરંતુ આ દેશ જો આઘટના બાદ એક થઈને જાગશે, ન્યાય માટે નહિ પણ બળાત્કારીઓને આરોપ સાબિત થતા જ તાત્કાલિક સજા થાય એવી માંગણી માટે જાગશે ત્યારે જ આ દેશમાં આવા અપરાધો ઓછા થશે. નહિ તો આ આગ આજે પ્રિયંકાના ઘરે લાગી, કાલે આપણા ઘરે પણ લાગી શકે છે..!!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.