સરકારી કર્મચારી બનવાની ઇચ્છા આજે દરેક વ્યક્તિને હોય છે. જે કોઈનું જનરલ નોલેજ, વાંચન અને અંગ્રેજી-ગણિત-વિજ્ઞાન સારું હોય તે દરેક વ્યક્તિને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. પરીક્ષા આપનાર લોકોની સંખ્યા લાખોમાં હોય છે જ્યારે નોકરીની બેઠકોની સંખ્યા ત્રણ આંકડામાં! ગુજરાતમાં પણ આ ઘેલછા જેવીતેવી નથી. તલાટીની 2000 જેટલી જગ્યાઓ માટે 18 લાખ જેટલાં ફોર્મ ભરાય છે!
સરકારી નોકરી મેળવીને લાઇફ સેટ કરવાનું સપનું તો બધાનું હોય. પણ આ નોકરી મેળવવી એ ખાવાનો ખેલ નથી, ખાંડાનો ખેલ છે! શા માટે સરકારી નોકરી મેળવવા માટે આટઆટલું ઝઝૂમવું પડે છે? અહીં જાણીશું એ દરેક કારણો, જે ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરતા દરેક કેન્ડીકેટ્સને માટે લોઢાની મેખ જેવાં છે:

અધધ… સંખ્યામાં ભરાતા ફોર્મ —
ગુજરાતમાં વર્ગ-3ની ભરતીઓ જેવી કે પોલીસ, તલાટી, જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની જગ્યાઓની જાહેરાત થાય એટલે અઢળક ફોર્મ ભરવામાં આવે છે. આને પરીણામે મોટાભાગના લોકો હિંમત હારી જાય છે કે આટલામાં આપણો વારો ના આવે! પણ હક્કીકત જુદી છે. એટલું જરૂર કહી શકાય કે આજે ગુજરાતના દરેક ઇલાકામાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો છે. પણ જેટલી માત્રામાં ફોર્મ ભરાય છે એ બધા જ લોકો પરીક્ષાને લઈને સિરીયસ હોય પણ નહી. અમુક માત્ર ફોર્મ ભરે છે, પરીક્ષા આપતા નથી. જ્યારે અમુક પરીક્ષા પણ આપવા ખાતર આપે છે.

લક બાય ચાન્સ —
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી પાસે નોલેજ ભંડોળ હોવું તો જરૂરી છે જ. પણ એની સાથે ‘ભાગ્ય’નો સાથ પણ જરૂરી છે. કારણ, જનરલ નોલેજ એક પ્રકારનો મહાસાગર છે. એમાં વ્યક્તિ કદી સંપૂર્ણ બની શકતો નથી. બે-ત્રણ વર્ષથી તૈયારી કરતા હો પણ તમે વાંચ્યું જ ના હોય એવું પૂછાય તો શું કરવાનું?! એટલા માટે ભાગ્ય અને મહેનત બંને સાથે હોય તો ગવર્મેન્ટ જોબ મળવાની શક્યતાઓ વધી જાય છે.

લાગવગનું દૂષણ હજી પણ યથાવત્ —
હા, આ વાત સત્ય છે કે સરકારી નોકરીઓમાં હજુ પણ પુષ્કળ માત્રામાં લાગવગ થાય છે. જમાનો ભલે ડિજીટલ બની ગયો હોય, પણ હજુ સુધી લોકોનાં કાળા કામ ખુલ્લેઆમ જાહેર કરવાનું શક્ય બન્યું નથી. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં લાગવગશાહીનું મોટું કૌભાંડ વિદ્યાર્થીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું હોવાના સમાચાર છે. પૂરાવા આપવા છતાં ઉપરથી કોઈ એક્શન લેવામાં આવતી નથી એ વાત જ જણાવે છે કે ખાયકીનો રોગ ઉપરથી છેક નીચે સુધી છે.
આજે પણ ગુજરાતમાં પંચાયત તલાટીની નોકરીઓ લાખોમાં વેચાય છે એવી વાતો ઘણીવાર ઉડતી સંભળાય છે. કશુંક તો તથ્ય આ વાતોમાં હોવાનું જ! આમ, જે-તે સરકારી નોકરીની સીટો જાહેર થાય એટલે અમુક સીટો તો આવા વગદાર લોકો માટે ઓલરેડી બૂકિંગ છે એમ સમજીને જ ચાલવાનું! મધ્યપ્રદેશમાં ‘વ્યાપમ’ નામનું જે કૌભાંડ બહાર આવેલું તે સરકારી નોકરીઓ પર જ હતું.

જો કે, ગુજરાતમાં વર્ગ-2 અને વર્ગ-1ની પરીક્ષાઓમાં હવે સ્થિતી મોટાભાગે સુધરી ગઈ છે. ખાસ કરીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી એક્ઝામોમાં હવે લાગવગશાહીનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. GPSCના નવા ચેરમેન દિનેશ દાસા સાહેબને આ માટે ધન્યવાદ દેવા ઘટે. જો કે, વર્ગ-3ની પરીક્ષાઓમાંથી આ બધું ક્યારે નીકળે એ તો ભગવાન જાણે!
ધીરજની કસોટી —
ઘણીવાર અમુક ભરતી પ્રક્રિયાઓ બે-ત્રણ કે પાંચ વર્ષ સુધી ટલ્લે ચડી જતી હોય છે! હાઇકોર્ટમાં કેસ જવાને પરીણામે આવું થતું હોય છે. ઘણીવાર રિઝલ્ટ આપવામાં પણ બહુ વાર લગાડવામાં આવે છે અથવા નોકરીના ઓર્ડર મળવામાં પણ સમય કાઢી નાખવામાં આવે છે. આ બધી ઉપરની વાત હોઈ, એના અર્થો સમજવા મુશ્કેલ છે! જો કે, હાલમાં GPSC બોર્ડ એમના દ્વારા બહાર પડાતી જગ્યાઓમાં જે ઝડપથી આખી ભરતી પ્રોસેસ ચલાવે છે એ લોકોમાં પ્રશંસાનો મુદ્દો બની છે.

આમ, ઉપરની તમામ બાબતો વાંચીને તમને લાગ્યું હશે કે સરકારી નોકરી મેળવવાની ઇચ્છા હોય તો માત્ર મહેનત નહી, ધીરજ, સહનશક્તિ અને નસીબ પણ જરૂરી છે. ઘણીવાર એવી સલાહ પણ આપવામાં આવે છે, કે માત્ર સરકારી નોકરી મળવાને ભરોસે બેસી રહેવાને બદલે બીજી જોબ પણ ચાલુ રાખવી જ જોઈએ.
[આશા છે, કે આપને આ લેખ ગમ્યો હશે. આપના મિત્રોને પણ આ બાબતે લીંક શેર કરીને જાણ કરશો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.