નવરાત્રીની હરેક પાવન રાત્રીની શરૂઆત માતા અંબાની આરતી વગર તો થાય જ નહી. ગુજરાત સિવાય ભારતમાં અને દુનિયાના કોઈ પણ ખૂણે નવરાત્રીના ગરબાની શરૂઆત તો ‘જય આદ્યાશક્તિ’ની આરતીથી જ થવાની. પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ આરતી લખી છે કોણે? જો કે, આરતીની છેલ્લી પંક્તિમાં એ વ્યક્તિનું નામ આવી જ જાય છે પણ છતાં આટલી પ્રખ્યાત આરતી લખનાર એ હતું કોણ એ વિશે થોડોક પણ ખ્યાલ હોવો જરૂરી ખરો કે નહી?
ભણે શિવાનંદ સ્વામી! —
નવદુર્ગાની, અંબાજીની કાલજયી આરતીના કર્તા છે: સુરતના શિવાનંદ સ્વામી! ‘જય આદ્યાશક્તિ’ની છેલ્લી પંક્તિમાં એનો ઉલ્લેખ પણ છે: “ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુ:ખ હરશે…!” શિવાનંદ સ્વામીનો જન્મ ૧૬મી સદીના અંત ભાગમાં થયો હોવાનું માનવામાં આવે છે. પિતાનું નામ હતું વાસુદેવ પંડ્યા. મૂળે તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા.

૧૨ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા જતી રહી —
શિવાનંદ સ્વામીના કુળમાં વિદ્વતાની પરંપરા પૂર્વેથી જ ચાલી આવતી હતી. એમના દાદા હરિહર પણ મોટાગજાના વિદ્વાન હતા. તાપી નદીના કિનારે આવેલ ‘રામનાથ ઘેલા’ નામનું મહાદેવનું મંદિર આ કુટુંબનું કુળદેવતાનું સ્થાનક. નાનપણથી જ શિવાનંદ સ્વામીને મહાદેવમાં અનન્ય આસ્થા. ૧૨ વર્ષની કુમળી વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. એ પછી તેઓ કાકા સદાશિવ સાથે રહેવા લાગ્યા. સદાશિવ પંડ્યાને પણ રામનાથ ઘેલા મહાદેવના આશિર્વાદથી જીભે સરસ્વતી પ્રાપ્ત થયાં હતાં. સંસ્કૃતગ્રંથો પર તેમનું પ્રભુત્ત્વ આશ્વર્યજનક હતું. ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં તેમની ગણતરી થતી.
કાકા! મને સરસ્વતી આપો —
સદાશિવ પંડ્યાની અંતઘડી નજીક આવી. એમણે પોતાના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવીને લક્ષ્મી કે સરસ્વતી માંગવા કહ્યું. ઘરની સમૃધ્ધિ પણ એ વખતના સુરતની જાહોજહાલી જેવી જ હતી. પંડ્યાજીના બંને પુત્રોએ તો લક્ષ્મીજી માંગ્યા પણ શિવાનંદે સરસ્વતીજી માંગ્યા! એ દિવસથી શિવાનંદ સ્વામીની જીભે અને કલમે સરસ્વતી દેવીએ વાસ કર્યો. તેઓ મહાવિદ્વાન તરીકે પંકાયા.

આરતી તો શિવાનંદ સ્વામીની! —
શિવાનંદ સ્વામીની વિદ્વતા પંડિતોની સમાન ગણાવા માંડી. તેમણે અંબાજીની આરતી તો લખી જ પણ એ ઉપરાંત હિંડોળાનાં પદ, શિવસ્તુતિનાં પદ, વસંતપૂજા સહિત અનેક પ્રકારનું સાહિત્યસર્જન કર્યું. પંચાક્ષરી મંત્ર તેમને સદાશિવ પંડ્યા તરફથી મળ્યો હતો. આ મંત્રની સાધનાએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે ગણપતિ, હનુમાનજી, ભૈરવદાદા અને જ્યોતિર્લીંગની પણ આરતીઓ લખી.
કવિ નર્મદની સાથે આ હતો સબંધ —
નર્મદે ‘કવિ ચરિત્ર’ નામક એમના પુસ્તકમાં શિવાનંદ સ્વામીનો ઉલ્લેખ ગુજરાતી ભાષાના મહાન કવિ તરીકે કર્યો છે. ઉલ્લેખનીય છે, કે નર્મદના બીજા પત્ની ડાહીગૌરી શિવાનંદ સ્વામીના વંશજ હતાં! સ્વામીની છઠ્ઠી પેઢીએ થયેલ ત્રિપુરાનાદના તેઓ પુત્રી હતાં.

‘સંવત સોળ સત્તાવન’નો અર્થ જાણો છો? —
કહેવાય છે, કે શિવાનંદ સ્વામી સાડા ત્રણ દાયકા સુધી નર્મદા-તાપીને કિનારે ભટક્યા હતા. માતાજીની આરાધના કરતા રહેલા. આખરે એક અંધારી રાતે, નર્મદાને કિનારે જગતજનની માં અંબાનાં તેમને દર્શન થયાં. આ ધન્ય ઘડી હતી. શિવાનંદ સ્વામીના જીવનની પરમ પળ કહી શકાય એવી ક્ષણને તે કેમ વિસરે? આદ્યશક્તિની આરતીમાં તેમણે ગાયું છે:

સંતવ સોળ સત્તાવન સોળસે બાવીસ મા,
સંતવ સોળે પ્રગટ્યાં;
રેવાને તીરે…મા ગંગાને તીરે…
જય હો! જય હો! મા જગદંબે.
વિક્રમ સંવત ૧૬૫૭ અર્થાત્ ઇ.સ. ૧૬૦૧માં શિવાનંદ સ્વામીને માતાજીનાં દર્શન થયાનો અહીઁ ઉલ્લેખ છે. શરૂઆતમાં આ આરતી ૧૭ કડીની હતી, બાદમાં નવી ચાર કડીઓ ઉમેરાય અને આજે ૨૧ કડીની આરતી ગવાય છે. આજે આ આરતીમાં લોકો ‘જ્યો જ્યો મા જગદંબે!’ બોલે છે તેનો કોઈ અર્થ જ નથી નીકળતો. એને સ્થાને ‘જય હો! જય હો! મા જગદંબે’ આવે છે.

[આશા છે કે, આ પૂર્વભૂમિકા જાણ્યા બાદ તમને આરતી ગાવામાં વધુ મજા આવશે. માતાજી પ્રત્યે વધારે શ્રધ્ધા જાગ્રત થશે. આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો અને તેમને પણ આ અજાણી માહિતીથી અવગત કરાવજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.