એક દિવસમાં ૧,૦૦,૦૦૦ માણસોનું ખૂન કોઈ વ્યક્તિ કરી શકે? આપણે ઘસીને ના પાડી દઈએ કે, ના! આટલો ક્રૂર કોઈ માણસ ના જ થઈ શકે. પણ અહીં જ આપણી ભૂલ છે. આવું એક માણસે ઉર્ફ રાક્ષસે કરેલું છે! અહીં દુનિયાના સૌથી નિર્દયી હત્યારા વિશે વાત કરવી છે, જે તમારાં મગજને ઘડીભર માટે વિચારતું બંધ કરી દેશે!

આ માણસ હતો : તૈમૂર! ભારતવાસી હિન્દુઓ માટે કાળ બનીને ત્રાટકેલો સમરકંદનો તૈમૂર! જેણે ભારતમાં મચાવેલી કત્લેઆમમાં લાખો લોકોનાં ઘર ઉજ્જડ બન્યાં, લાખો સ્ત્રીઓ પર અમાનુષી બળાત્કારો થયા અને કંઈ કેટલુંય થયું! પહેલી ચોખવટ અહીઁ એ કરવી જરૂરી છે કે, તૈમૂરને માણસ તો ના જ કહી શકાય, એ ‘રાક્ષસ’ની પરિભાષાને પણ લજવે એવો હતો!
કોણ હતો તૈમૂર?:
ભારતને વ્યાયવ્ય ખૂણે આવેલા દેશ ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદમાં તૈમૂરનો જન્મ થયો હતો. વાત ચૌદમી સદીની છે. કોઈ કારણસર એ એક પગે લંગડો થઈ ગયેલો. આથી ઇતિહાસે એને ‘તૈમૂર લંગ’ તરીકે ઓળખ્યો. લાખોની સેના એકઠી કરીને તેણે ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાનની ભૂમિ જીતી લીધી. રશિયા સુધી તૈમૂરના વાવટા ફરક્યા. જાતનો એ તુર્ક હતો, તુર્કી મુસલમાન. મોંગોલિયાના ચંગીઝખાન જેવો સમ્રાટ બનવા તે ઇચ્છતો હતો. પોતાને તે ચંગીઝખાનનો વંશજ કહેવડાવતો પણ ખરેખર હતો નહી. હા, ક્રૂરતામાં તે ચંગીઝખાનને બેશક આંટી જાય તેવો હતો.

તૈમૂરનું ભારત પર આક્રમણ:
તૈમૂરે પોતાની આત્મકથા લખી છે, ‘તુઝુકે તૈમૂરી’ નામથી. એમાં તેણે ઠેકઠેકાણે લખ્યું છે, કે ભારત પર તેનાં આક્રમણનું મકસદ ‘કાફર’ હિન્દુઓને મોતને ઘાટ ઉતારવાનું હતું! ઇસ્લામને ના માનનારા દરેક કાફર લોકોને ફાડી ખાવા તે તરસ્યો બન્યો હતો. તેને વાવડ મળ્યા હતા, કે હિન્દુસ્તાનનો બાદશાહ મુહમ્મદ તુલઘક જોઈએ એટલો પ્રજા પર જુલ્મ નથી ગૂજારી શકતો, થોડો કાચો પડે છે! ૧૩૯૮માં લાખોની અશ્વારોહી સેના લઈને તૈમૂરે ભારત ભણી કૂચ આદરી.
સિંધુ નદી ઓળંગીને આ સેનાએ જે કર્યું એ નિર્દયતાની ચરમસીમા હતી. જે રસ્તેથી એ દિલ્હી આવ્યો એ આખો પટ ખલાસ થઈ ગયો. વીણી-વીણીને લોકોને સાફ કર્યાં. નાના બાળકોનાં ગળે પણ એની તલવારો ફરી વળી! ચોતરફ ઉજ્જડ પાદર બન્યાં. ખેતરોમાં આગ ચંપાઈ, કૂવાઓ લોહી ભીના બન્યા, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓની લાશો ઠેર-ઠેર રઝળવા માંડી. આ બધું તૈમૂર પોતે નોઁધે છે હો! ભારતમાં વસતી હિન્દુ પ્રજાનો સર્વનાશ કરવાનું અને તેની પાસે રહેલી દોલત લઈ પોતાની સેનાને વિશાળ બનાવવાનું તેનું ધ્યેય હતું.

એક દિવસમાં એક લાખ કેદીઓનો સામૂહિક સર્વનાશ:
દિલ્હી તરફ આગળ વધતા વધતા તૈમૂરની સેનાએ પકડેલા કેદીઓની સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ. આટલી મોટી સંખ્યામાં માણસોને સાથે લેવા પોસાતું નહોતું. આ લોકોને છોડી દેવા એ તો તૈમૂર માટે ‘મહાપાપ’ હતું. આથી એક ઠેકાણે કાફલો થોભ્યો. હુકમ અપાયો કે તલવારોની ધારો ચકમકતી કરી અને જામી પડો. પછી શું હતું? દિવસ આથમ્યો ત્યાં સુધીમાં ૧,૦૦,૦૦૦ કેદીઓનાં ધડ નિષ્પ્રાણ પડ્યાં હતાં!
૨,૦૦૦ ખોપરીઓની મિનાર બનાવી:
દિલ્હીમાં મુહંમદ તુઘલક અને તૈમૂરની સેના વચ્ચે યુદ્ધ થયું. થોડા જ વખતમાં તુઘલક હારી ગયો અને જંગલમાં નાસી ગયો. દિલ્હી સલ્તન્તનો એકેય સુલ્તાને પ્રજા માટે ક્યાં કદી વિચાર્યું જ હતું. પ્રજા મરે કે જીવતી સળગે એની એને પરવા નહોતી. દિલ્હીમાં તૈમૂર ૧૫ દિવસ રોકાયો. આ પંદર દિવસમાં શું થયું એનું વર્ણન પાનાંઓ ભરી-ભરીને કરી શકાય એમ છે. ટૂંકમાં એટલું કહી શકાય કે, દુનિયામાં ક્યાંય નહી થયો હોય તેવો નરસંહાર દિલ્હીમાં થયો. તૈમૂર અહીં પિશાચ બન્યો. પંદર દિવસ પછી એની સેના દિલ્હીની બહાર નીકળી ત્યારે દિલ્હી સ્મશાન બની ગયેલું. થોકેથોક દોલતનાં ગાડાં ભરીને તૈમૂર લઈ ગયો. દિલ્હીમાં એની સેનાએ જે ખૂનામરકી આદરેલી એના વિશે અક્ષરશ: શબ્દો નથી, બસ!
તૈમૂરને મિનારા બનાવવાનો બહુ શોખ હતો. (ઘણા ભારતીય બાદશાહોને પણ હતો!) પથ્થરના નહી પણ જીવતા માણસોની ખોપરીઓ તોડીને બનાવાતાં મિનારા! એક ઠેકાણે ૨,૦૦૦ ખોપરીનો મિનારો ચણીને એને ગાર-માટીની લીઁપ્યો હતો!

મેરઠમાં ત્રીસ હજાર લોકોનાં ખૂન:
દિલ્હી પછી તૈમૂરની સેનાએ મેરઠમાં પણ વીજળીક ઝડપે ૩૦,૦૦૦ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. તૈમૂર નોંધે છે, કે કશ્મીરને સીમાડે આવેલા કટોર નામના કિલ્લા પર આક્રમણ કર્યું અને અંદર રહેલા વૃદ્ધો, જુવાનો, સ્ત્રીઓ, બાળકો સમેત બધાને ચીરી નાખ્યાં! ભટનેરના કિલ્લામાં ૧૦,૦૦૦ લોકોની કત્લ કરી નાખી.
તૈમૂર ગયો એ પછી ભારતમાં વસ્તીનો ધરખમ ઘટાડો થઈ ગયો. તેની બર્બરતાનો ભોગ બનેલ પ્રજા હિન્દુ હતી. ઠેર-ઠેર રોગચાળો ફાટી નીકળ્યો. ખેતરો ફળદ્રુપ ન રહ્યાં. અનાજની પુષ્કળ ઘટ પડી. લોકો નિર્બળ બન્યા. ટૂંકમાં કહો તો ઉત્તર ભારત આખું ખાડે ગયું! આજે સમરકંદમાં તૈમૂરની કબર છે અને પાકિસ્તાન તૈમૂરનું નામ રાખીને મિસાઇલ બનાવે છે!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.