દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

અમીર કોણ? કામવાળી કે શેઠાણી? વાંચો એક સરસ મઝાની વાર્તા… તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે, દરેક વર્ગના લોકોએ વાંચવા જેવી વાત

સ્કૂલબસની હડતાલ ચાલુ હતી, મારા પતિને તો તેમના કામથી નવરાશ જ ના હોય એટલે એ દિવસો દરિમયાન મારે જ મારા 5 વર્ષના દીકરાને શાળાએ મુકવા અને લેવા માટે એક્ટિવા લઈને જવું પડતું હતું.

સાંજે જયારે હું મારા દીકરાને શાળાએથી લઈને આવી રહી હતી ત્યારે અચાનક એક ખાડામાં એક્ટિવાનું પૈડું પડવાના કારણે હું બેલેન્સ ગુમાવી બેઠી અને રોડ ઉપર હું અને મારો દીકરો બંને પડી ગયા.

Image Source

આસપાસના લોકો અમને નીચે પડેલા જોઈને મદદ માટે આવી પહોંચ્યા ત્યારે એજ વિસ્તારમાં રહેતી મારી કામવાળી મંજુલા અમને જોઈને દોડતી આવી ગઈ. મને સાધારણ છોલાઈ ગયું હતું પરંતુ ભગવાનની કૃપાથી મારા દીકરાને કંઈજ  થયું નહોતું.

મંજૂલાએ બીજી બે મહિલાઓની મદદથી મને પકડીને ઉભી કરી, મારા દીકરાને પણ એક મહિલાએ ઊંચકી લીધો. મારા એક્ટીવાને કોઈ ઓળખીતા વ્યક્તિ દ્વારા પાસે જ રહેલી એક દુકાનની બહાર મુકાવી દીધું.

Image Source

મંજુલા મને એના ઘરે લઇ આવી. તેના બે બાળકો અમને જોઈને સામે આવી ઉભા રહી ગયા. મને ઘરની અંદર એક પલંગમાં બેસાડી, પોતાના પાલવના છેડામાં બાંધેલી 50ની નોટ કાઢી તેના દીકરાને તેને દૂધ, ઘા ઉપર લગાવવાની ક્રીમ અને પટ્ટી મંગાવી. તેની દીકરી રાધાને તેને પાણી ગરમ કરવા માટે કહ્યું અને મને પીવા માટે માટલાનું ઠંડુ પાણી આપ્યું.

પાણી ગરમ થઇ ગયું અને તેનો દીકરો મંગાવેલો સામાન પણ લઈને આવી ગયો હતો ત્યારે તે મને બાથરૂમમાં લઇ ગઈ અને ત્યાં મને જ્યાં વાગ્યું હતું તે ઘાને તેને ગરમ પાણીથી સાફ કર્યા, ઘા ઉપર ક્રીમ તેમજ પટ્ટી લાગવી, મને થોડી રાહત થઇ. જમીન ઉપર પડવાના કારણે મારા કપડાં થોડા ફાટી ગયા હતા ને ગંદા પણ થઇ ગયા હતા. મંજૂલાએ આ જોયું અને તરત તેના કબાટમાંથી નવો રૂમાલ અને નવું ગાઉન લાવી મને પહેરવા માટે આપ્યું. આજ સુધી મેં કોઈ દિવસ આવું હલકું ગાઉન પહેર્યું નહોતું. હું લેવામાં સંકોચ કરી રહી હતી ત્યારે મંજૂલાએ મને કહ્યું કે “મેડમ, આ નવું જ ગાઉન છે, મેં કેટલાય દિવસથી લીધું છે પરંતુ પહેર્યું જ નથી. તમે પહેરી લો.” મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો મેં ગાઉન પહેર્યું અને બાથરૂમની બહાર આવી.

Image Source

રાધાએ નવી ચાદર પલંગમાં બિછાવી મને આરામ કરવા માટે કહ્યું. હું પલંગમાં બેઠી અને તરત જ તેની દીકરી રાધા હળદરવાળું ગરમ દૂધ લઈને આવી. મંજૂલાએ કહ્યું “મેડમ આ હળદરવાળું ગરમ દૂધ પી લો, તમને રાહત મળશે” દૂધનો ગ્લાસ હાથમાં પકડી હું મંજુલાના ઘરને નિહાળી રહી હતી, મારી અને મંજુલાની તુલના કરવા લાગી. મારા મનમ જ વિચાર આવ્યો કે: “જે મંજુલાને હું મારા જૂના કપડાં આપતી હતી એ મંજૂલાએ મને નવો ટુવાલ અને ગાઉન આપ્યા, જેને હું ક્યારેય પલંગમાં બેસવા નહોતી દેતી એને આજે મારા માટે નવી ચાદર બિછાવી.” મને મંજુલા માટે આ સમયે માન જન્મવા લાગ્યું, તેની કિંમત મારી નજરમાં ઊંચી થવા લાગી.

હું વિચારી જ રહી હતી ત્યાં મંજુલા મારા માટે એક થાળીમાં ગરમ રોટલી અને બટાકાનું શાક લઈને આવી. રાધા પણ એક થાળીમાં ગરમ ગરમ રોટલી અને શાક મારા દીકરાને ખુબ જ પ્રેમથી ખવડાવી રહી હતી. મંજુલાને ખબર હતી કે મારા દીકરાને બટાકાનું શાક ખુબ જ ભાવે છે અને ગરમ રોટલી જ તે ખાય છે. મારુ મન પાછું વિચારોમાં ચાલ્યું ગયું: “જે મંજુલાનો દીકરો રાજુ મારા ઘરે આવતો ત્યારે હું તેને એક ખૂણામાં બેસાડતી, નફરતની આંખે જોતી અને આજે મારા દીકરા માટે પણ એ લોકોના દિલમાં કેટલો પ્રેમ છે.”

Image Source

એટલામાં જ રાજુ પણ ઘરની અંદર આવ્યો, તે થોડું લંગડાઈને ચાલી રહ્યો હતો મેં મંજુલાને પૂછ્યું: “શું થયું છે રાજુને? કેમ તે આ રીતે ચાલે છે? દવા નથી કરાવી?”

મંજૂલાએ કહ્યું: “મેડમ ડોક્ટર ઓપરેશન કરવાનું કહે છે, અને ઓપરેશન માટે 10 હજારનો ખર્ચો કહ્યો છે, મેં અને રાજુના પપ્પાએ ભેગા થઇ 5000 તો જમા કરી લીધા છે, પણ હજુ બીજા 5000 ખૂટે છે. અમે બધે જ પ્રયત્નો કર્યા પણ ક્યાંયથી મળ્યા જ નહિ.”

ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મંજૂલાએ એક સમયે મારી પાસે 5000 રૂપિયા માંગ્યા હતા પરંતુ મેં આપ્યા નહોતા, આજે મંજુલાએ પોતાની પાસે રહેલા 50 રૂપિયા ખુશી ખુશી અમારી પાછળ ખર્ચ કરી નાખ્યા અને એ સમયે મારી પાસે પૈસા હોવા છતાં પણ મેં એને 5000 આપ્યા નહોતા. મને પછતાવો થઇ રહ્યો હતો. આજે મને સમજાઈ રહ્યું હતું કે એ સમયે મંજુલાને પૈસાની કેટલી મોટી જરૂરિયાત હશે.

Image Source

પરંતુ હવે મેં નક્કી કરી લીધું કે અત્યાર સુધી મેં જે ભૂલો કરી છે એ હવે નહિ દોહરાવું. હવે મંજુલાને હું કામવાળી નહિ મારી બહેન જ માનીશ. સાંજે મારા કપડાં સુકાઈ ગયા હતા, મંજૂલાએ જે જગ્યાએ ફાટી ગયા હતા ત્યાં સિલાઈ પણ કરાવી દીધી, મારા કપડાં પહેરી હું ઘરે જવા માટે નીકળી પરંતુ મંજુલાને તેનું ગાઉન મેં પાછું આપ્યું નહિ, મેં તેને કહ્યું કે આ તારા તરફથી એક ભેટ હું રાખું છું, મંજુલાએ એમ પણ કહ્યું કે: “આ ખુબ જ હલકું છે.” છતાં પણ હું એ લઇ આવી.

ઘરે આવીને મેં મારા એક ઓળખીતા હાડકાના ડોક્ટરને ફોન કર્યો અને રાજુની એપોઇમેન્ટ લખાવી દીધી, બીજા દિવસે મારે એક પાર્ટીમાં જવાનું હતું પરંતુ મેં એ પાર્ટીમાં જવાને બદલે મંજુલાના ઘરે જરૂરિયાતનો સમાન ખરીધી તેમજ તેની માટે અને તેના બાળકો માટે કપડાં ખરીદીને પહોંચી ગઈ.

Image Source

મંજુલા એ લેવાનું ના કહેતી હતી પરંતુ મેં તેને કહ્યું કે: “આ બધું તારે લેવું જ પડશે અને તારે હવે મેડમ નહીં દીદી કહેવાનું, હવેથી તું મારી બહેન છે અને આ હું મારા ભાણીયા માટે જ લાવી છું, આજે સાંજે 5 વાગે રાજુને લઈને મારી સાથે ડોક્ટર પાસે આવવાનું છે, રાજુની દવાનો બધો જ ખર્ચ હવે હું ઉપાડીશ.”

મંજુલાની આંખમાં આંસુઓ હતા, તે કહેતી હતી કે “અમે તો ખુબ જ નાના માણસો છીએ.” પરંતુ આજે મને સમજાઈ રહ્યું હતું નાનું કોણ છે અને મોટું કોણ છે, મારી પાસે સર્વસ્વ હોવા છતાં હું કોઈને મદદ કરી શકતી નહોતી અને હજુ વધારે ભેગું કરવાની ઈચ્છા રાખતી હતી જયારે મંજૂલાએ પોતાની પાસે જે કંઈપણ હતું એ મારા માટે ખર્ચી નાખ્યું.”

Image Source

વાર્તાની શીખ:

“માણસ ક્યારેય પૈસાથી મોટી નથી બનતો, તેના વિચારો, તેની ભાવના, તેની ઉદારતા તેને મોટો બનાવે છે. તમે ભલે કરોડપતિ હોય પરંતુ જો તમારા દિલમાં ઉદારતા ના હોય તો તમારા લાખ રૂપિયા પણ રાખ બરાબર છે.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.