દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

“મોં ઉઘાડ! મારે તારા દાંત ગણવા છે!” સિંહને આવું કહેનાર બાળક ‘ભરત’ કોણ હતો? આ વાત આજના દરેક ભારતીય નાગરિકને વાંચવાની છે

આ લેખ દરેક ભારતીય નાગરિકે (ખાસ કરીને યુવાનોએ) એકવાર વાંચવાનો છે. આજે એ જાણી લો કે જેના વિશે તમે અંધારામાં જ હતા:

આપણા દેશનું નામ ‘ભારત’ પડ્યું એની પાછળ એક પરાક્રમી રાજવીનો સિંહફાળો છે. ભારત નામનો જન્મ ‘ભરત’ નામના રાજવીના નામ પરથી થયો છે. એક ઉપખંડ જેવડા દેશનું નામ કોઈ એક વ્યક્તિ ઉપરથી પડે એ માણસ કેવો હશે? – આવો સવાલ થવો સ્વાભાવિક છે. અહીં આપણે જાણીશું એ ભરત વિશે જેણે સિંહના દાંત ગણવાની હામ ભીડી હતી!

જન્મ સમયે માતાનાં દુ:ખનો પાર નહોતો!:

મહાકવિ કાલીદાસનાં ચિરંજીવ કાવ્ય ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુન્તલા અને દુષ્યન્ત રાજાના પ્રણય-વિરહની વાત કરે છે. શકુન્તલા મહર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી હતી. તે નાનપણથી જ કણ્વ મુનિના આશ્રમમાં મોટી થઈ હતી. યુવાન વયમાં પ્રવેશતા તેને આશ્રમની મુલાકાતે આવેલા હસ્તિનાપુરના રાજવી દુષ્યન્ત સાથે સ્નેહ બંધાય છે અને આશ્રમમાં જ બંનેના વિવાહ થાય છે. એ પછી દુષ્યન્ત રાજા વિદાય લે છે અને પાછળથી શકુન્તલાને તેડી જવાનું વચન આપે છે.

જતી વખતે દુષ્યન્તે એક અંગૂઠી(વીંટી) શકુન્તલાને નિશાની તરીકે આપી હોય છે. રખે ને સમય જતા શકુન્તલા ન ઓળખાય તો આ વીંટી દેખાડે એટલે રાજાને ભૂલેલી વાત યાદ આવી જાય! એ પછી દુષ્યન્ત રાજકાર્યમાં વ્યસ્ત થઈ જાય છે અને શકુન્તલાને તેડવા જવાનું સાંભળતું નથી. આ બાજુ શકુન્તલાને ગર્ભ રહ્યો છે. ઘણી વાટ જોયા બાદ એક દિવસ શકુન્તલા ખુદ જ વેલડું જોડીને હસ્તિનાપુર રવાના થાય છે. માર્ગમાં નદીમાં હાથ ધોતા અંગૂઠી પાણીમાં પડી જાય છે. શકુન્તલાને એનો ખ્યાલ પણ નથી!

હસ્તિનાપુરના દરબારમાં દુષ્યન્ત તો શકુન્તલાને ઓળખી જ શકતો નથી. શકુન્તલાને અંગૂઠી યાદ આવે છે અને એના હાથ આંગળી પર ફરે છે…પણ હાય રે નસીબ! ત્યાં હતું જ શું તે જડે? શકુન્તલા પરત ફરે છે. એના દુ:ખનો પાર નથી.

નવ મહિને તે પુત્રને જન્મ આપે છે. નામ પાડ્યું : ભરત. પુત્ર પણ કેવો? આપણા પૌરાણિક ઇતિહાસકારોએ ભરતને દેદિપ્યમાન મુખકાંતિયુક્ત, જન્મથી જ કોઈ ગજબનો હિંમતધારી અને ચક્રવર્તી સમ્રાટના બધાં લક્ષણો ધરાવતો દર્શાવ્યો છે. એ પ્રતાપી પુત્રના સમયે પરિસ્થિતી કેવી હતી? બાપ પાસે નહોતો ને માના દુ:ખનો પાર નહોતો!

મોં ઉઘાડ! મારે તારા દાંત ગણવા છે!:

મહર્ષિ કણ્વના આશ્રમમાં મોટા થતા ભરતમાં બાળપણથી જ ચકિત કરી નાખે એવા દુર્લભ ગુણો ભરેલા હતા. એમાંયે એની હિંમત વિશેની વાતનો તો આજે પણ દાખલો આપવામાં આવે છે. એક વખત નાનકડો ભરત વનમાં બેઠેલા સિંહની પાસે પહોંચીને તેની માથે ચડી બેસે છે! એટલું જાણે અધૂરું હોય તેમ બે હાથ વડે સિંહનું જડબું હચમચાવીને મોં ખોલે છે અને ત્રાડ નાખે છે : “મોં ઉઘાડ! મારે તારા દાંત ગણવા છે!”

માછલીએ કરાવ્યું મા-બાપનું મિલન:

હસ્તિનાપુરના દરબારમાં એક દિવસ એક માછીમાર આવે છે. તેના હાથમાં એક વીંટી છે. નદીમાંથી પકડેલી માછલીનાં પેટમાંથી તેને વીંટી મળી હતી. મહારાજા દુષ્યન્તને તે વીંટી અર્પણ કરે છે અને નિશાન જોતા જ દુષ્યન્ત રાજાના યાદદાસ્તના કમાડ ધડ દેતાંકને ખૂલી જાય છે. એને સાંભરે છે એકલી-અટૂલી, નિરાધાર શકુન્તલા અને યાદ આવે છે પોતે એને દરબારમાંથી કઈ રીતના હાંકી કાઢી હતી તે વાત. દુષ્યન્ત રાજાને પારાવાર પસ્તાવો થાય છે. એ જ ઘડીએ તે રસાલો લઈને શકુન્તલાને તેડવા જાય છે. આમ, બાળ ભરતના મા-બાપનું ફરીવાર મિલન થાય છે.

નવ પુત્રોમાંથી એકેયને રાજા ન બનાવ્યો!:

ઇતિહાસની અમર જોડી એવાં દુષ્યન્ત-શકુન્તલાનો પુત્ર ભરત યુવાન થતા હસ્તિનાપુરનો સમ્રાટ બન્યો. એ પછી એણે ઉત્તરમાં હિમાલયથી માંડીને દક્ષિણમાં છેક આજના ભારતના છેડા સુધી પોતાના સામ્રાજ્યને ફેલાવી દીધું. મતલબ કે, આજના ભારતનો તો આખો નકશો જ એણે ‘કવર’ કરી લીધો! એ પછી એના જ નામ પરથી આપણો દેશ ‘ભારત’ તરીકે ઓળખાયો. વિષ્ણુપુરાણમાં તો ‘ઓફિશિયલી’ જાહેરાત પણ કરી દેવામાં આવી કે:

उत्तर यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम |
वर्ष तद् भारत नाम भारती यत्र संतति ||

[ અર્થાત્ : હિમાલયથી સમુદ્ર સુધીના ભૂમિભાગનું નામ ‘ભારત’ અને અહીં રહેનાર ‘ભારતીય’ કહેવાશે! ]

પ્રશ્ન થશે કે ભરતરાજા યુધ્ધનિપૂણ તો હતા પણ પ્રજાને કેવી સાચવતા? જાણી લો : તેમણે વિદર્ભરાજની ત્રણ કન્યાઓ સાથે લગ્ન કરેલાં અને કુલ ૯ પુત્રોના તેઓ પિતા હતા. પણ આમાંથી એકેયને પોતાના વારસદાર તરીકે રાજા બનાવવાને બદલે તેમણે મહર્ષિ ભારદ્વાજના પુત્ર ભૂમન્યુને રાજમુગટ અર્પણ કર્યો હતો!

આવું શા માટે? ચક્રવર્તી ભરતના રાજાની ફરજ બાબતના ત્રણ ધ્રુવસિધ્ધાંત હતા : (1) રાજાએ પોતાની પ્રજાનું જીવના ભોગે પણ રક્ષણ કરવું, (2) પ્રજાને ન્યાય અપાવવામાં કોઈ જાતની પાછીપાની ન કરવી અને (3) વારસદાર તરીકે એવા જ રાજાને પસંદ કરવો જે ઉપરના બે સિધ્ધાંતોનું પાલન કરી શકવાને યોગ્ય હોય. પોતાના ૯ પુત્રોમાંથી એકેય ‘ભરત-બંધારણ’ના અનુચ્છેદોનું પાલન કરવા માટે પાત્ર નહોતો એટલે ભરતે તેને રસ્તો દેખાડી દીધો!

રાજમાતા શકુન્તલા ક્યારેક ભરતને ટોક્યા કરતી : “તું કેવો બાપ છે, ભરત? તારા નવ પુત્રોને મૂકીને તે એક મુનિના પુત્રને રાજા બનાવ્યો?” એ વખતે ભરત જવાબ હતો : “મા! હું ખાલી પિતા જ નહી, રાજા પણ છું. અને એક પિતા તરીકેનો સ્વાર્થ સાધવા માટે થઈને હું રાષ્ટ્રને દ્રોહ કેવી રીતે આપી શકું?”

ભારતને ગણતંત્ર બનાવનાર પહેલો રાજા:

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે ભારત ‘લોકતંત્રાત્મક ગણરાજ્ય’ બન્યું. લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતું શાસન અને ગણતંત્ર એટલે જે દેશનું સર્વોચ્ચ પદ વંશાનુગત ન હોય તે. હવે તમે જ કહો આજથી હજારો વર્ષ પૂર્વે જ ભરતે પોતાના પુત્રોને રાજગાદી પર ન બેસાડીને ‘ગણતંત્ર’ની જ સ્થાપના નહોતી કરી? આજે પણ ઇઁગ્લેન્ડ જેવા દેશોમાં રાણીનું પદ વંશાનુગત ચાલ્યું આવે છે ત્યારે મહારાજા ભરતે તો હજારો વર્ષ પૂર્વે આનાથી વિપરીત ‘ગણતંત્ર’ની વ્યવસ્થા ભારતમાં લાગૂ કરી દીધેલી!

આજે ભારત લોકતંત્ર અને ગણતંત્ર બંને હોવા છતા પોતાના સંતાનોને ટિકીટ મળે એ માટે ગમે તેવાં બથોડાં લઈ લેતા રાજનેતાઓને જોઈને મહારાજા ભરતનું સહેજે સ્મરણ થઈ આવે!

ચક્રવર્તી રાજાધિરાજ ભરતનો જય હો! જય હો ભારતવર્ષ!

નોંધ : ભરત રાજા પાંડવોના પૂર્વજ હતા. ઉપર આર્ટિકલમાં ‘હસ્તિનાપુર’ નામનો ઉલ્લેખ કર્યો છે, પણ ખરેખર હક્કીકત એ છે કે એ સમયે હજુ ભારતની રાજધાનીનું નામ હસ્તિનાપુર પડ્યું નહોતું. ભરતના વંશમાં ‘હસ્તિ’ નામના રાજાનો જન્મ થયો એ પછી એ રાજધાની ‘હસ્તિનાપુર’ તરીકે ઓળખાણી. આ જ વંશમાં આગળ જતા કુરુ રાજા થયેલા અને તેમનાં પછી આ વંશના રાજવીઓ ‘કુરુવંશી’ તરીકે ઓળખાયા. પાંડવો અને કૌરવો પણ કુરુવંશી હતા. ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’માં કાલિદાસે દુષ્યન્ત-શકુન્તલાના વિરહના મુખ્ય કારણ તરીકે મહર્ષિ દુર્વાસાના શાપને લીધો છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.